મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૬)
Revision as of 07:24, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૬)|દયારામ}} <poem> ‘મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મ...")
પદ (૬)
દયારામ
‘મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!
અંક ભર્યાના સમ ખાઓ તો અધરતણો રસ પાઉં;
કહાનકુંવર કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!’ –મુજને
‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહીં થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મારો, તુજ તોરો!’ –મુજને
‘કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?’ –મુજને
‘તારે બીજા વરનું શું કામ છે? હું વર, તું વહુ ધન્ય!
જેનું લાંછન તેને ધરિયે તો તો માન મળે અનન્ય.’ –મુજને
‘સૂણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિ ઉત્તર ના દીધો;
હોળીની હાંસી મિશે દયાપ્રીતમ બેએ આનંદરસ લીધો.’ –મુજને