મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૪)
Revision as of 07:55, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૪)|દયારામ}} <poem> વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમ...")
પદ (૧૪)
દયારામ
વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે.
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવ
પરદુ:ખ દેખી ક્દે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વ્હાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન ‘હું, હું’ કરતો. વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહીં,
કહેણી તેવી રહેણી ન મળે, ‘ક્યહાં લખ્યું?’ એમ કહેની. વૈષ્ણવ
ભજનારૂઢ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગતતણી આશા છે જ્યાં લગી જગત ગુરુ, તું દાસ. વૈષ્ણવ
મનતણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જડશે,
દયા! દુ:ખ કે સુખ માન, પણ સાચું કહેવું પડશે. વૈષ્ણવ