મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /તોરલ પદ ૨
એ જી તમે વિસવાસી નરને કાં રે વેડો! માણા રાજ રે,
આવા નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...
એ જી તમે અવિસવાસી નરને શાને તેડ્યા! માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦
ધણી કેરા નામનો રે પાટ મંડાણો હો જી
એ જી એમાં ઝળહળ જ્યોતું દરશાણી, માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦
હંસલો ને બગલો બેઉ એક જ રંગના હો જી,
અરે ઈ તો બેઠા રે સરોવર પાળે, માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦
હંસલાને જોઈએ સાચા મોતીડાંનો ચારો હો જી,
અરે ઓલ્યા પાપીડા ડહોળે રે કાદવ ગારો, માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦
સાચાં રે ખોટાં બોલીને આવે રે મંદિરીએ હો જી,
અરે ઈ તો ઠાલાં ઠાલાં બજારૂંમાં મહાલે, માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦
ગુરુના પરતાપે સતી, તોરલ બોલ્યાં હો જી
અરે મારાં સંતો અમરાપરમાં મહાલે, માણા રાજ રે...
–નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી...૦