મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૩)

From Ekatra Wiki
Revision as of 05:42, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૩)|}} <poem> બાળુડો જોગી સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, ગોપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૩૩)

બાળુડો જોગી
સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથ પગ ચોળે એના ઘરની અસતરી,
વાંસાના મોર ચોળે માડી રે ભરથરી

મોર ચોળંતાં એનું હૈડું ભરાણું જો,
નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી,
ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.
આવી કાયા રે તારા બાપની હતી જો,
એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી.

કો’તો, માતાજી, અમે દુવારકાં જાયેં જો,
દુવારકાંની છાપું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો,
હિંગળાજના ઠુમારા લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,
કાશીની કાવડ્યું લઈ આવું રે ભરથરી.

કો’તો, માતાજી અમે જોગીડા થાયેં જો,
કો’તો લઈએ ભગવો વેખ રે ભરથરી.

બાર વરસ, બેટા, રાજવટું કરો જો,
તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો,
આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

દેશ જાજે ને, દીકરા, પરદેશ જાજે જો,
એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.

આંબાની ડાળે ને સરોવરની પાળે જો,
ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.
નણંદની દીકરી ને સોનલબાઈ નામ જો,
સોનલબાઈ પાણીડાં હાર્ય રે ભરથરી.

કો’તો, મામી, તમારો વીરોજી દેખાડું જો,
કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.

સાચું બોલો તો , સોનલબાઈ, સોનલે મઢાવું જો,
જૂઠું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

કડે સાંકળિયે મેં એને દીઠો જો
બાળુડો જોગી કેમ ઓળખાય રે

હાલો દેરાણી ને હાલો જેઠાણી જો,
જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી.

થાળ ભરીને શગ મોતીડે લીધો જો,
વીરને વધાવવાને જાય રે ભરથરી.

બેની જોવે ને બેની રસ રસ રોવે જો,
મારો વીરોજી જોગી હુવો રે ભરથરી.

કો’તો, વીરાજી મારા, પાલખી મંગાવું જો,
કો’તો અલાવું પાછાં રાજ રે ભરથરી.

પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જાયેં જો,
કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.