કોડિયાં/ભવિષ્ય ત્યજી ભૂતમાં
Revision as of 12:42, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભવિષ્ય ત્યજી ભૂતમાં|}} <poem> કતાર પછીયે કતાર મહીં ઝૂમતા કૌરવી...")
ભવિષ્ય ત્યજી ભૂતમાં
કતાર પછીયે કતાર મહીં ઝૂમતા કૌરવી
અનન્ત-શીશ સૈન્ય શા, મુખર ગાનમાં ભૈરવી
તરંગ શત જોઈને ઉદધિના, ઉરેયે ચડે
અકારણ તરંગ એક; વળી એક આંસુ દડે.
કદી જીવનજહાજ આ પળત ફેરવીને દિશા —
ભવિષ્ય ત્યજી ભૂતમાં! સકળ પામવા એ નિશા
જદિ પ્રિયતમા તણિ સભર છાતીનાં સ્પંદનો
સુવક્ષસ્થળ પે ઝીલી વીસરતો સહુ ક્રંદનો.
અને વળીય દૂરદૂર મુજ બ્હેનબા અંકમાં
સિંહાસન ત્રિલોકનું વરદ પામવા ઝંખના;
નભે ઊભરતા ગ્રહો, ઝબક તારલા, આંગળી
થકી તરત ચીંધવા ઉભય એકશ્વાસે ભળી.
અને ઉદર માડીને જીવનશૂન્ય થાવું ભલું!
નહીં જીવનપારના મરણ માંહી ક્યારે જવું!
14-5-’34