કોડિયાં/સ્વમાન
Revision as of 12:50, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વમાન|}} <poem> માન તમારે હાથ ન સોંપ્યું; {{Space}} કેમ કરી અપમાનશો? વ...")
સ્વમાન
માન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે —- માન0
હિમાદ્રિ અમલિન સુહાસે,
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો.
રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યાં મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના!
માન તમારે હથ ન સોંપ્યું,
કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
શર સૌ પાછાં પામશો.
27-7-’30