કોડિયાં/જવાન

From Ekatra Wiki
Revision as of 12:06, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવાન|}} <poem> હિમાદ્રિ કેરાં દધિ-શુભ્ર શૃંગ નિશા તણાં કાજળચીર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જવાન


હિમાદ્રિ કેરાં દધિ-શુભ્ર શૃંગ
નિશા તણાં કાજળચીર આવરે.
દિશા દિશા વ્યોમ સમસ્ત છાવરે,
ને ગાજતાં મૂક વ્યથા મૃદંગ.

નિ:શબ્દ આખું જગ પોઢતું હતું,
નિ:શબ્દ શૃંગો નીરખે નિગૂઢતા;
ધરા પરે છાય અગમ્ય મૂઢતા,
અને વ્યથાનું બળ વાધતું જતું.

અંધારના કોઈ અગમ્ય આરે,
ભેંકાર રોતા સ્વર છાય માડીના;
ઊઠે ધ્રૂજંતા પડછંદ પ્હાડીમાં,
આંસુ સરે ઉષ્ણ રુધિર ધારે.

ઊઠે ધડાકો ચીરતો વિતાન,
આકાશથી ખપ્પર એક ઊતરે.
કિલ્લોલતાં સર્વ ગૃહે ફરી વળે,
આહ્લેક ગાજે: નવ કો જવાન?

ગિરિ તણા પથ્થર વજ્ર શા રડ્યા,
દ્વિત્રીશ-કોટિ-સુત-મા રડી રહે,
હિમાદ્રિનાં હિમ ઊનાં થઈ વહે;
જવાન કોઈ નવ થાય તો ખડા.

ધ્રૂજે દિશાનાં દિગ્પાલ ને ધરા,
આકાશનાં સર્વ ગૃહો ધ્રૂજી રહ્યાં;
કાલિન્દી-ગંગા જલ સ્તબ્ધ તો થયાં,
ધ્રૂજે ગિરિશૃંગ ધ્રૂજંત કંદરા.

પાછા ફરો, મા! અશકુન કો નડ્યા.
ન પુષ્પ—શૈયા પર વીર લેટતા;
તુરંગના પથ્થર દેહ ભેટતા;
ધરાસણાના અગરે જઈ પડ્યા.

ઘરે પડ્યા તે નવ કો જવાનડા!
જીવી રહ્યાં દીન-ગરીબ જીવડાં!

7-11-’30