અપિ ચ/એક મુલાકાત

From Ekatra Wiki
Revision as of 05:02, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એક મુલાકાત

સુરેશ જોષી

આખરે હિંમત કરીને મેં શ્રીપતરાયને મળવા જવાનું નક્કી કર્યું. ત્યારથી જ જે કાંઈ કર્યું વિચાર્યું તેના પર એનો પાસ બેસી ગયો. પત્ની સાથે વાત કરતો હતો ત્યારેય મારું મન થોડો સમય ચોરીને શ્રીપતરાય સાથેની વાતચીતમાં વાપરવાનાં વાક્યો શોધી લેતું હતું. શ્રીપતરાયના ચશ્મા, આંખોને ઝીણી કરીને સામેના માણસને આખો તપાસી લેતી એમની દૃષ્ટિ, બોલતાં બોલતાં સહેજ અટકી જઈને હવે પછી જે બોલવાનું છે તેના પર જાણે તમારું ભાવિ તોળાઈ રહ્યું છે એવી ભીતિ ઉત્પન્ન કરવાની એમની કુનેહ, એમની ગળા પરની ફૂલેલી નસ, એમના ચરબીથી સ્ફીત ગાલ – આ બધું અત્યાર સુધી ક્યાંક વેરણછેરણ પડ્યું હતું તે એમને મળવા જવાનો નિશ્ચય કરતાંની સાથે, એ નિશ્ચયની જ કશીક ચુમ્બકીય શક્તિથી, એકત્રિત થઈને એક પુદ્ગલરૂપ બની ગયું, ને એ સંચિત પુદ્ગલનો મને ભાર લાગવા માંડ્યો. એ ભારને છાતીએ બાંધીને જ મેં રાત ગાળી, સવાર થતાં મુલાકાતને માટે નક્કી કરેલા સમય પહેલાં જ હું ઘેરથી નીકળી ગયો. શ્રીપતરાયને ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો હું અર્ધો કલાક વહેલો હતો. છતાં હું એમના બંગલાના પોર્ચમાં દાખલ થયો, પગથિયાં ચઢ્યો ને કોલબેલ દાબ્યો. અંદરથી એના વાગવાનો અવાજ સંભળાયો. ને એ સાંભળતાંની સાથે જ મને એમ લાગ્યું કે પાણીના પૂરથી ઘેરાયેલું કોઈક શહેર આજુબાજુની દુનિયાથી વિખૂટું પડી જાય તેમ હું એ આજુબાજુની દુનિયાથી વિચ્છિન્ન થઈને પેલા અવાજે અવકાશમાં રચેલા આન્દોલનની તસુભર ભોંય પર જ ઊભો રહી ગયો છું.

આ સ્થિતિમાં મુકાયેલી મારી જાત પર નજર નાખું ત્યાં તો બારણું ખૂલ્યું. અંદરના વેન્ટિલેટરના કાચ પરથી પરાવતિર્ત થઈને આવતો તડકો જાણે કોઈએ ડૂચો વાળીને મારી ભણી ફેંક્યો હોય તેમ આંખ સાથે અથડાયો. આથી બારણું ખોલનાર વ્યક્તિને હું જોઈ શક્યો નહિ, પણ એનો અવાજ સાંભળતાં મને સમજાયું કે એ કોઈ સ્ત્રીનો અવાજ હતો: આપને કોનું કામ છે? મારે માટેનું આ ‘આપ’નું સમ્બોધન સાંભળીને મને આજુબાજુની દુનિયા સાથેની મારી વિચ્છિન્નતાની ખાતરી પૂરેપૂરી થઈ ગઈ.

મેં કહ્યું: શ્રીપતરાય…

અહીં વાક્ય પૂરું બોલવાની જરૂર નહોતી, અહીં ભાષા નિશ્ચિત સંકેતોના તારણરૂપ બની ગઈ હતી. વળી હું આંખ પરના તડકાથી ઝંખવાયેલી આંખે મારી સાથે વાત કરી રહેલી સ્ત્રીને ઓળખવા મથતો હતો.

મને જવાબ મળ્યો: એ તો બહાર ગયા છે, અર્ધોએક કલાક પછી આવશે.

વાત પૂરી થઈ. બીજું કશું ન સૂઝતાં હું ત્યાં ને ત્યાં, મારી ઝંખવાયેલી આંખે એ વ્યક્તિ તરફ તાકતો ઊભો જ રહી ગયો. થોડી ક્ષણો એમ ને એમ જ પસાર થઈ ગઈ. આ સ્થિતિનો અન્ત લાવવા આખરે મેં બોલી નાંખ્યું: હું હસમુખ ત્રિવેદી.

આટલું બોલીને હું અટકી ગયો. મારા ઉચ્ચારેલા નામના ધ્વનિના, બારણાના ચકચકતા આગળા ને બારીના તડકાથી ચમકતા કાચની સાથે અથડાઈને ચૂરેચૂરા થઈ ગયા.

ત્યાં મને કહેવામાં આવ્યું: આવો, આપ અહીં બેસો.

મને ચીંધી બતાવવામાં આવેલી ખુરશી પર હું બેઠો. એ ખુરશીનું ચોકઠું જાણે મને પૂરેપૂરું ગળી ગયું.

થોડી વાર રહીને મેં આજુબાજુ નજર ફેરવી, એ ઓરડામાંનાં હવા અને ભેજ મને જુદાં લાગ્યાં. કોઈ ગ્રહ ઉપર જઈને ફેંકાયો હોઉં ને ત્યાંની પાતળી હવા લેતાં મૂંઝવણ થતી હોય તેવો અનુભવ મને થયો. હું બેઠો હતો તે ઓરડો કદાચ મુલાકાતીઓને માટેનો જ ઓરડો હતો. એમાં ઘડીક આવીને ચાલ્યાં જતાં આગન્તુકોનાં ગભરાટ, અધીરાઈ, ઉત્સુકતા હવામાં તરવરી રહ્યાં હતાં. એક બાજુનું બારણું મુખ્ય ખણ્ડમાં પ્રવેશ કરાવતું હતું. એ બંધ હતું. એની પોલિશ કરેલી ચમકતી સપાટી પરનું તેજ પોતે જ જાણે હાથ આડો ધરીને એમાં પ્રવેશ કરનારને રોકતું હતું. એની બાજુમાં એક દર્પણ હતું. એના પર મારી નજર ગઈ. એમાં મારી છબિ દેખાતી હતી. એ ઓરડાના અપરિચિત એકાન્તમાં મારી પોતાની જ છબિનો સહવાસ આશ્વાસનરૂપ નીવડ્યો. હું મારી છબિને જોઈ રહ્યો.

મારી આજુબાજુ મારી મા મને અંધારિયા રસોડામાં બાળપણમાં લઈને બેસતી તે વેળાનો ધુમાડિયો અન્ધકાર હતો, મારી આખમાં દિવેલના કોડિયાની ટમટમતી જ્યોતનો થરકાટ હતો, મારા ચહેરા પર વૈશાખના તાપમાં બળબળતા વનનાં વૃક્ષો પરની તપેલી ધૂળની ભૂખર આભા હતી. આથી હું પોતે જ કોઈ માયાવી સૃષ્ટિના પાત્ર જેવો લાગતો હતો.

ત્યાં દર્પણમાં બાજુના ખણ્ડનું બારણું ખૂલતું દેખાયું, હું શ્રીપતરાય આવ્યા માનીને સફાળો ઊભો થવા ગયો પણ દર્પણમાંની મારી છબિ તો એ પહેલાં ક્યારનીય ઊભી થઈને એ ખુલ્લા બારણામાંથી કોણ પ્રવેશે છે તેની રાહ જોઈ રહી હતી; મારી બાજુનું બારણું પૂર્વવત્ બંધ જ હતું. આથી હું બેસી ગયો. પણ હવે મારી છબિ સાથેનાં મારાં સમ્બન્ધનો તંતુ તૂટી ગયો હતો. મારું પ્રતિબિમ્બ હવે મારાથી સ્વતન્ત્ર રીતે વર્તતું થઈ ગયું હતું.

મેં દર્પણ તરફ નજર માંડી. ખુલ્લા બારણામાંથી વીસેક વરસની યુવતીએ પ્રવેશ કર્યો. એ દૂર હતી છતાંય મારું પ્રતિબિમ્બ સંકોચાઈને એક બાજુ ખસી ગયું. છતાં એણે આંખ ઠેરવીને એ યુવતીને જોઈ તો લીધી જ. એ યુવતીમાં કશુંક પતંગિયા જેવું હતું. એના પગ અને હાથ બંનેમાં પતંગિયાની પાંખનો ફફડાટ હતો. એને કારણે ઓરડાની બધી વસ્તુઓ જાણે ફૂલોનો સમૂહ હોય એવી ભ્રાન્તિ થતી હતી. મને લાગ્યું કે બારણું ખોલીને ‘આપ’ કહીને મને સંબોધનાર કદાચ આ જ યુવતી હતી. એના શબ્દોના ઉચ્ચારમાં પણ પતંગિયાની ફૂલની આજુબાજુ ભમ્યા કરતી વેળાની ચંચળતા હતી તે મને યાદ આવ્યું. મારી દૃષ્ટિ એ યુવતી પર જ હતી ત્યાં દર્પણમાંનું મારું પ્રતિબિમ્બ એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અક્કડ થઈ ગયું, ને એ રીતે ઓરડાના અસબાબ પૈકીની એક સામગ્રીના જેવું જ બની ગયું. એના પર પડતો તડકો વાનિર્શના જેવો લાગતો હતો. ત્યાં પેલા બારણામાંથી શ્રીપતરાય દાખલ થયા. મારા પ્રતિબિમ્બની ઉપસ્થિતિની એણે કશી નોંધ લીધી હોય એમ લાગ્યું નહિ. એઓ ઓરડાના કેન્દ્રમાં મૂકેલી ખુરશી પર બેઠા. એમના બેસવાની સાથે એ ઓરડાની બીજી બધી વસ્તુનાં પરિમાણ સંકોચાઈ ગયાં. મારું પ્રતિબિમ્બ પણ જાણે વામણું બની ગયું. પેલી યુવતી શ્રીપતરાયની આજુબાજુ ઊડાઊડ કર્યા કરતી હતી – સાપની પાસે ઊડતાં પતંગિયાંની જેમ. શ્રીપતરાયને ધારીધારીને જોયા. એમની ચામડી ફિક્કી ધોળી હતી – દેડકો ઊંધો થઈ જાય ત્યારે એના પેટ ઉપર જે ધોળાશ દેખાય છે તેના જેવી. શબ્દો બોલતી વખતે એઓ નજર ઊંચી કરતા નહોતા. એમનાં જડબાંના હલનચલનમાં સાપ દેડકો ગળતો હોય તેનું સૂચન હતું. એમની ડોક રહીરહીને અર્ધવર્તુળ વિસ્તારીને ફરતી હતી. ને ત્યારે આંધળો છછુંદર એનાં લાંબા નાકથી સૂંઘીસૂંઘીને કીડાંમંકોડા શોધતો હોય એવું લાગતું હતું, ને છતાં પેલી યુવતી એમની આજુબાજુ ઊડાઊડ કર્યા કરતી હતી. ત્યાં શ્રીપતરાયની દૃષ્ટિ મારા પ્રતિબિમ્બ પર પડી. પેલી યુવતી એની ચંચળ ગતિએ મારા તરફ આવી. એણે કદાચ મારા પ્રતિબિમ્બને શ્રીપતરાયની નજીક જવાને કહ્યું પણ કશું બને તે પહેલાં શ્રીપતરાયે સામે જોયા વિના હાથ હલાવીને મને ત્યાં જ બેસી રહેવાનું સૂચન કર્યું. આથી અર્ધો ઊભો થયેલો હું બેસી ગયો. પછી શ્રીપતરાયનું જડબું જોરથી એકસરખું હાલવા લાગ્યું. એમની સ્ફીત ચિબુક પરનો માંસનો લોચો ઊછળવા લાગ્યો. એકસરખા બોલાયે જતા શબ્દો જાણે કશીક ચીકણી અદૃશ્ય તન્તુજાળ ફેલાવતા ગયા ને ધીમે ધીમે એ જાળ મારા પ્રતિબિમ્બની આજુબાજુ વ્યૂહ રચતી ગઈ. આ વિશે મને કશું ભાન હોય એવું મને લાગ્યું નહિ. વચમાં હું કશોક જવાબ આપવાનો પ્રયત્ન કરતો હતો. પણ એ શબ્દો એમના સુધી પહોંચે તે પહેલાં પેલી ચીકણી લાળમાં ફસડાઈ પડતા હતા. આ દરમિયાન પેલી યુવતી ઊડતી ઊડતી ઓરડાની બહાર સરી ગઈ હતી. પછી શ્રીપતરાય એકદમ સ્થિર થઈ ગયા. એમનાં જડબાં હાલતાં બંધ થયાં. પણ એમાં ગરોળીની જીવડા પર તરાપ મારતા પહેલાંની નિસ્તબ્ધતા હોય એવું મને લાગ્યું. આ કશું ન સમજાવાને કારણે મારું પ્રતિબિમ્બ તો કંઈક હિંમત એકઠી કરીને પોતે કહેવા ધારેલી વાત કહેવાની અણી પર હતું. ત્યાં શ્રીપતરાય એક આંચકા સાથે ઊભા થઈ ગયા. એમની તર્જનિકા મારા તરફ ચીંધીને, જડબાં વધારે પહોળાં કરીને, એઓ કાંઈક બોલ્યે ગયા. મારું પ્રતિબિમ્બ એકદમ સંકોચાઈને ગૂંચળું વળેલી ઈયળના જેવું થઈ ગયું. શ્રીપતરાય આગળ વધ્યા, એમના આગળ વધવાનો ધક્કો જાણે ઓરડાની બધી વસ્તુને લાગ્યો. સામેનું બારણું ખૂલી ગયું. મારું પ્રતિબમ્બ જાણે સો સો નાના નાના પગે દોડતું હોય તેમ બહાર નીકળી જવા દોડવા લાગ્યું. શ્રીપતરાયનો પગ ગાલીચામાં ભેરવાયો ને એઓ પડી ગયા. પાસેની ટિપાઇ પરની ફૂલદાનીની ધાર એમના કપાળમાં વાગી ને લોહીની ધારા નીકળી. એ લોહીથી ખરડાયેલી એમની નિષ્પલક આંખ બારણા તરફ તાકી રહી…

ત્યાં મોટા ખણ્ડનું બારણું ખૂલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું નહોતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી, પતંગિયાના જેવી અસ્થિરતાથી, ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડી વાર રહીને શ્રીપતરાય દાખલ થયા – સાપની જેમ પેટે ચાલતા હોય તેમ, ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાનાં કંપાઉન્ડની બહાર નીકળી ગયો.