અપિ ચ/પદભ્રષ્ટ

From Ekatra Wiki
Revision as of 05:11, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદભ્રષ્ટ

સુરેશ જોષી

લાભશંકર ખૂબ થાકી ગયા હતા. આમ ને આમ પોતે ક્યારના ઊભા હતા તેની પણ સુધ નહોતી. એમણે આંખ આગળ હાથનું નેજું કરીને આજુબાજુમાં નજર કરી. થોડેક જ છેટે ખુરશી દેખાઈ. ખુરશી પાસે જ હોવા છતાં પોતે અત્યાર સુધી કેમ ઊભા રહ્યા હશે! એમણે ખુરશી તરફ ફરી એક વાર જોયું ને ખાતરી કરી લીધી કે એ ખરેખર ત્યાં છે તો ખરી ને! આજુબાજુના પડછાયાઓ વચ્ચેની એની આકૃતિને ઉપસાવવામાં આંખને જહેમત પડતી હતી ખરી, પણ તેથી કાંઈ એ ખુરશી છે જ નહીં એમ થોડું જ કહી દેવાય? એઓ ખુરશી તરફ આગળ વધ્યા. હવે તો ખુરશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. કેટલાંય વર્ષથી એ ખુરશી પર પોતે બેસતા આવ્યા છે! પરણ્યા પછીને બીજે જ વર્ષે એમનાં વહુ પાર્વતીના ખાસ આગ્રહથી આ ખુરશી એમને ખરીદવી પડેલી. ગાદીતકિયો છોડીને ખુરશીટેબલ સ્વીકાર્યાં. આથી જાણે એમનો દરજ્જો ઊંચો આવ્યો. સાંજે કચેરીએથી પોતે પાછા ફરે ત્યારે આખા દિવસના થાક્યાપાક્યા એ ખુરશી પર ફસડાઈ પડે, ને ત્યારે જ પાર્વતી પાછળથી આવીને બે હાથની માળા પહેરાવીને એના ઉષ્ણ ઉચ્છ્વાસથી લોહીમાં અજાણી ચંચળતાનો સંચાર કરી દે; એમના હોઠ પર ગુલાબની પાંખડીના જેટલો હળવો દાબ વરતાય, હોઠ પરની ભીનાશને પોતાના જ ઉત્તપ્ત ઉચ્છ્વાસથી ઊડી જતી અટકાવવાની એમને ઇચ્છા થઈ આવે ને સાંજના ઓસરતા અજવાળામાં માયાવિનીની જેમ ફરતી પોતાની પત્નીની આકૃતિની પાછળ એમનું મન રઝળતું થઈ જાય…..

આટલી નજીક લાગતી ખુરશી સુધી એઓ પહોંચી શક્યા નો’તા એનું ભાન થતાં એમને ફરી સંદેહ થયો. આ તે ખુરશી છે કે ખુરશીની ભ્રાન્તિ? હમણાં હમણાંનો એમની આંખ પરથી એમનો વિશ્વાસ ઓછો થતો જતો હતો. જે ન હોય તે એ દેખાડતી હતી ને જે હોય તેને એ સંતાડતી હતી. આથી જાણે ઝીણા નાકાની સોયમાં દોરો પરોવતા હોય તેમ એમણે નજરને કેન્દ્રિત કરીને ફરી જોયું. ના, ભ્રાન્તિ નથી. ખુરશી છે તો ખરી જ, પણ ધારી હતી એટલી નજીક નથી. એના હાથાના સાંધા આગળની પેલી ઊપસી આવેલી ખીલી હજી દેખી શકાતી નથી. એની પીઠ પરના માથા આગળના ભાગ પર પડેલાં તેલનાં ધાબાં હજી દેખાતાં નહોતાં, પણ ખુરશી છે એટલું તો નક્કી, આ નિશ્ચિતતાને મનમાં ને મનમાં વળ ચઢાવતાં એઓ આગળ વધ્યા, એઓ એકલા જ ચાલતા હતા છતાં સૂનકારમાં એમનાં પડતાં પગલાંનો પડઘો સંભળાતાં જાણે બીજું કોઈ પણ એમની સાથે એ ખુરશી તરફ આગળ વધી રહ્યું હોય એવું એમને લાગ્યું. એમને થયું: મારા કરતાં એ વહેલો પહોંચીને ખુરશી પચાવી તો નહીં પાડે ને? પોતાના મનની આ ભીતિનું જ એમને અચરજ થયું.

હવે પેલી ઊપસી આવેલી ખીલી દેખાવા લાગી. એ ખીલીએ ઘણી વાર કપડાં ફાડ્યાં હતાં. જેટલી વાર એને ઠોકીને બેસાડવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર એ નિષ્ફળ જ ગયો હતો. પાર્વતીના ગયા પછી તો એ ખીલીને ઠોકીને બેસાડવાનું પણ એમણે છોડી દીધું હતું. હવે તો જ્યારે જ્યારે એઓ ખુરશી પર બેસતા ત્યારે એના પર, એમના તરતના ચાલવા શીખેલા દીકરાની નાની નાની પગલી, એમને ચીઢવવાને ખુરશી પર કૃત્રિમ રોષથી મોં ચઢાવીને બેસી રહેલી પાર્વતીની માંડ હસવું ખાળી રાખતી મુખાકૃતિ એમને દેખાતી. થોડી વાર એઓ ખુરશી પાસે જઈને ઊભા રહી જતા. પોતાની એકલતાની નવેસરથી ખાતરી કરી લેતા. પછીથી જ એ ખુરશી પર બેસતા.

આ ટેવના બળે કરીને લાભશંકર ખુરશી પાસે જઈને સહેજ ઊભા રહી ગયા. ખુરશીના હાથા પર હાથ મૂકીને એમણે સામેના પાતળા અન્ધકાર તરફ નજર કરી. એ અન્ધકાર જાણે કોઈ થિયેટરની અંદરના અન્ધકાર જેવો લાગ્યો. એ અન્ધકારની અંદર એમના તરફ મીટ માંડીને કાંઈ કેટલાય લોકો બેઠા હતા. ભારે પ્રકાશવાળા દીવાના તેજના વર્તુળની અંદર પોતે પુરાઈ ગયા હોય એવું એમને લાગ્યું. અન્ધકારમાં બેઠેલા લોકોની આંખો એમના તરફ આતુરતાથી મંડાઈ રહી હતી. એ લોકો એમની તરફ શા માટે તાકી રહ્યા હતા? એમની આંખમાં રોષ હશે કે આદર? ઘડીભર એમને પોતાને વિશે જ શંકા ઉદ્ભવી. રંગમંચ ઉપર ઊભા રહેવાનું તો એમણે સમણું સુધ્ધાં જોયું નહોતું. પાર્વતી ઘણી વાર કહેતી: ‘મારી આગળ ભાગવત વાંચો છો ને સમજાવો છો ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરું. જાણે અમૃત ટપક્યે જાય છે. કોઈ વાર સભામાં આવું બોલતા હો તો?’ એમને કશુંક બોલવાનું મન થઈ આવ્યું. એઓ શબ્દ ફંફોસવા લાગ્યા. વરસોનાં બાંધેલાં જાળાંમાં જન્તુઓનાં ખોખાં પડી રહ્યાં હોય એવા શબ્દો અહીંતહીં બાઝેલા દેખાયા. પોતાના તરફ મીટ માંડીને બેઠેલા શ્રોતાઓની અપેક્ષાના વધતા જતા ભારથી એઓ અકળાવા લાગ્યા. ગમે તેમ કરીને તેજના વર્તુળની કેદમાંથી છટકીને, સામેના લોકસમૂહ તરફ પીઠ કરીને ભાગી જવાનું સાહસ કરવાનું એમને મન થયું. એઓ સહેજ પગ ઉપાડીને ફરવા ગયા ત્યાં સામેનો અન્ધકાર સળવળી ઊઠ્યો. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા વન્ય પશુની જેમ એઓ ઊભા રહી ગયા. એમણે ચોરીછૂપીથી ખુરશી તરફ નજર કરી. પડછાયાઓની વચ્ચે ખુરશી જાણે સાવ બદલાઈ ગઈ હતી. પેલી ઊપસી આવેલી ખીલીના પ્રલમ્બ પડછાયાની અણી એમના સુધી ધસી આવીને એમને શૂળી પર ભેળવી દેવા ઇચ્છતી હોય એવું એમને લાગ્યું. ‘હં, તો આ બધાં હું શૂળી પર ચઢું તે જોવા એકઠા થયાં છે!’ એમના મનમાં ઓચિંતાનો ઝબકારો થયો. ચારે બાજુથી અટ્ટહાસ્યનું પ્રચણ્ડ મોજું એમને ઘેરી વળતું હોય એવું એમને લાગ્યું. એમણે આંખો બંધ કરી દીધી. એમના પગ ડગમગવા લાગ્યા. એમના હાથ આધાર શોધતા લંબાયા. એકસાથે કાંઈ કેટલાય હાથ એમના હાથને બાઝી પડ્યા. એ બધા હાથના ભારથી ખેંચાઈને એઓ ક્યાંક નીચે ને નીચે સરતા ચાલ્યા. એમની બંધ કરેલી આંખો સામે પેલી ખુરશી આછી ને આછી થઈને આખરે ટપકું બનીને અદૃશ્ય થઈ જવાની અણી પર હતી ત્યાં એમણે બધું બળ એકઠું કરીને એ ટપકાને ઝાલી રાખવાનો પ્રયત્ન કર્યો ને આંખો ખોલી નાખી. જોયું તો એઓ ખુરશીની પાસે ઊભા હતા. ખુરશીના હાથા પર એમનો હાથ હતો. સામેનો અન્ધકાર નિશ્ચક્ષુ બની ગયો હતો. આથી આશ્વસ્ત બનીને એઓ ખુરશી પર બેસવા ગયા. બેસવાની અણી પર હતા ત્યાં જ એમણે જોયું કે ખુરશી પર કોઈક હોય એવું એમને લાગ્યું. પારકી જગ્યા ચોરીછૂપીથી પડાવી લેવાનો ગુનો કરતાં પકડાઈ ગયા હોય તેમ લાભશંકર નજર નીચી કરીને ઊભા રહી ગયા ને ઠપકાની રાહ જોવા લાગ્યા. ઘણી ક્ષણો વીત્યા છતાં એમને કાને કશું પડ્યું નહીં, આથી એમણે નજર ઊંચે કરીને જોયું તો ખુરશી પર માત્ર પડછાયાઓની જાળ ગૂંથાઈને પડી હતી. થાકના માર્યા એમણે ખુરશી પર બેસવાને એક ડગલું આગળ ભર્યું અને આખરે હિંમત કરીને ખુરશી પર બેઠા પણ ખરા. બેઠા પછી એમણે કંઈક આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય એવું એમને લાગ્યું. એના બળથી એમણે આજુબાજુ નજર કરી, જોયું તો પોતે ખુરશીના એક સાવ નજીવા અંશ પર હતા ને ખુરશીની ખાલી વિશાળતામાં એક બુદ્બુદ જેવા તરી રહ્યા હતા. વિશાળતાના પોલાણની અડોઅડ પોતાની જાતને મુકાયેલી જોઈને વળી એઓ ધ્રૂજી ઊઠ્યા. હાથ પસારીને એઓ એમના મૃત દીકરાની પગલીઓને ફંફોળવા લાગ્યા, પાર્વતીના મીંઢળ બાંધેલા હાથને શોધવા લાગ્યા. એમના એ શોધતા હાથ દૂર ને દૂર લંબાતા ગયા. ઉત્તર ધ્રુવના હિમપર્વતોને ભેદીને એ હાથ વિરાટ શૂન્યની પ્રદક્ષિણા ફરવા લાગ્યા. એમણે એ હાથને પાછો ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. એમ કરવા જતાં પોતે જ ખેંચાઈને ક્યાંક ફેંકાઈ ન જતા હોય એવું એમને લાગ્યું. ખેંચાઈ જતી પોતાની જાતને બચાવી લેવા માટે પોતાનામાં કશુંક વજન ઉપજાવવાની એમને જરૂર લાગી. એઓ અનેક લાભશંકરોની થપ્પી ખડક્યે ગયા, ખડક્યે જ ગયા. એમ છતાં જોઈએ તેટલું વજન એઓ એકઠું કરી ન શક્યા ને આખરે તણાવા લાગ્યા. એમણે ચારેબાજુ ઝાવાં માર્યાં. પોતાના દીકરાના તૂટેલા રમકડાના ઘોડાનો પગ એમને હાથે ચડ્યો, એ તૂટેલા પગને એમણે ચાબૂક ફટકારીને દોડાવ્યો; વેણુવન, પલાશવન, નીમવન, શાલવન – કાંઈ કેટલાંય વનને વીંધીને એ દોડ્યો. એના ડાબલાના પડઘાથી શેષનાગ જાગી ઊઠ્યા ને ફૂંફાડો મારીને માથું ઊંચક્યું. લાભશંકર ક્યાંના ક્યાં ફેંકાઈ ગયા. પોતાની જાતને ફરીથી સરખી ગોઠવવા બેઠા ત્યારે જોયું તો પોતાને શરીરે ઉંદરની રુવાંટી હતી, ચહેરા પર સાપની આંખ હતી, ઝરખની કેડ હતી, ઘુવડના નખ હતા, માત્ર શિશ્ન જ પુરુષનું હતું. એટલા માત્ર અવશેષને આધારે એઓ ટકી રહ્યા, ત્યાં શિશ્નમાં પુરાયેલા સૂરજચાંદો સળવળ્યા. એઓ બહાર નીકળ્યા. આકાશ એમને શોધતું આવ્યું, ચન્દ્રને જોઈને સાગર ઊછળતો આવ્યો, ભરતીઓટનો ધબકાર થયો, નાડી ને નક્ષત્ર ધબક્યાં, હૃદય ધબક્યું, શિરાઓમાં લોહી ફરતું થયું, નદીઓ સમુદ્ર તરફ વહેવા લાગી, પવન વાવા લાગ્યો, તેજછાયા સંતાકૂકડી રમવા લાગ્યાં, વનની કુંજે કુંજે વાંસળી વાગી, રાસ ચગ્યા, રાસ ઝીલનારી યુવતીઓનાં વૃન્દની વચ્ચેથી એક યુવતી એમની દૃષ્ટિ સમક્ષ તરવરી રહી, એ એમની નજીક ને નજીક આવતી ગઈ. છેક પાસે આવી ત્યારે જોયું તો એની આંખો લાજાહોમના ધુમાડાથી રાતી હતી, એને કપાળે પિયળ હતી, હાથે મીંઢળ – લાભશંકરે એનો હાથ ઝાલી લીધો, શરણાઈ બજી ઊઠી, વાસરકક્ષની પુષ્પશય્યા મઘમઘી ઊઠી, તુલસીનાં કૂંડા આગળ નાનો શો ઘીનો દીવો પ્રકટ્યો, એ તેજથી ઘરને ટોડલે બેઠેલા ગણેશ હસ્યા, લાભશુભની કંકુથાપ ઊપસી આવી, બારણાં ખૂલ્યાં, ઉમ્બર ઓળંગ્યો; કંકણ-રણકતાં હાથે આંખ દાબી દીધી, ચાર હોઠે મળીને અમૃતકુપ્પી છલકાવી, દન્તહીણા શિશુમુખેથી એ અમૃતના સીકરો ઊડ્યા-પા પા પગલી પડી, એ પગલીએ પગલીએ કાળની પગલી ભુંસાઈ ગઈ, ટચૂકડા પગમાં જોર આવ્યું, એણે ઉમ્બર ઓળંગ્યો, ઓટલો ઓળંગ્યો, એ પગ ખુરશી પર ચઢ્યા, લાભશંકર અધીરા બનીને દોડ્યા, ખુરશી ઝાલી લીધી, શિશુને ખોળે લઈને ખુરશીમાં બેઠા, શિશુ ખભે ચઢ્યું. લાભશંકર આગળ ચાલ્યા. શિશુને અગ્નિએ ખોળે લીધું. લાભશંકરને ખાલી ખભાને ઉપાડવાનો થાક લાગ્યો. નાના શિશુની જેમ એમને કોઈને ખભે ચઢવાનું મન થયું, એમણે આજુબાજુ દૃષ્ટિ ફેરવી. ક્યાંય કશો આધાર જોયો નહિ, આખરે ફસડાઈને એઓ ખુરશી પર બેસી પડ્યા.