૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

From Ekatra Wiki
Revision as of 12:10, 6 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા [1] આપી છે !

૧. કવિ તરીકે ૨. એકાંકી નાટ્યકાર તરીકે ૩. સંશોધનકાર અને કાવ્યવિવેચક તરીકે ૪. નવલિકાકાર તરીકે ૫. નવલકથાકાર તરીકે

આ વ્યવસ્થા કંઈક વિચિત્ર છે ને આમેય ‘કાવ્યવિવેચક’ અને ‘નવલિકાકાર’માં કાવ્યવિવેચકને પ્રથમ સ્થાન કયા ધોરણે એ કેટલીક રીતે અટકળનો વિષય પણ રહે છે. આવાં જોખમી તારણોથી વિવેચકે બચતા રહેવું એ જ ઇષ્ટ છે, ને છતાંય પ્રસંગોપાત્ત, એવી વાત કરવાની આવે ત્યારે સર્જન અને વિવેચનના અલગ ક્ષેત્ર પૂરતો તો વિવેક કરવો જ જોઈએ. વળી આ તો ‘જ્યોતિર્ધર’માંનું ૪–૯–૧૯૪૩ની તારીખનું લખાણ છે. તે પછી તો ઉમાશંકરનું નિબંધકાર, ચરિત્રકાર આદિની હેસિયતથી થયેલું કાર્ય તો બાકી જ રહે છે. ઉમાશંકરનું જેમ ગુજરાતી કવિતા અને એકાંકીના ક્ષેત્રમાં, તેમ ટૂંકી વાર્તામાં પણ પ્રદાન મહત્ત્વનું છે અને તેથી એમના વાર્તાક્રમની ચર્ચા વિનાનો ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અધૂરો જ રહે. જેમ કવિતામાં તેમ વાર્તામાં પણ સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ જોડાજોડ બોલાય છે અને તેથી ધનસુખલાલ જેવા સાહિત્યકાર નીચેનાં જેવાં રમૂજ પડે એવાં વિધાન પણ કરી બેસે છે. તેઓ અલબત્ત, આશ્ચર્યવિરામ વાપરીને લખે છે :

“કવિતાના ક્ષેત્રમાં ઉમાશંકરે સુન્દરમ્ને મહાત કર્યા એ વાત સૌ કોઈ સ્વીકારી લે છે, તે પ્રમાણે નવલિકાના ક્ષેત્રમાં સુન્દરમે ઉમાશંકરને ચીત કરી દીધા છે એની પણ કોઈ ના નહિ પાડી શકે !” [2]

આ દરેકની વાર્તાકાર તરીકેની પોતાની આગવી ખૂબી છે અને તેથી શુદ્ધ વાર્તાકલાની દૃષ્ટિએ જ એમના વાર્તાકર્મનું સામર્થ્ય તપાસાય એ ઇષ્ટ છે. સુન્દરમ્ ‘ખોલકી’ લખી શક્યા, ઉમાશંકર લખી શકે ? – આવા પ્રશ્નો ઊભા કરીને બંનેના વિશિષ્ટ સર્જકવ્યક્તિત્વ પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકાય. બંનેની વાર્તાકલાની તુલના અમુક હદ સુધી રસપ્રદ પણ રહે; દા. ત., જયંત પાઠકે આ બંનેના સંદર્ભે વાત કરતાં લખ્યું છે :

“સુન્દરમ્ની વાર્તાઓની જેમ ઉમાશંકરની છ વાર્તાઓમાં પણ ગ્રામજીવન ને નગરજીવનનું નિરૂપણ થયું છે. વિચારસરણી ને જીવનદર્શનમાં આ બંને સાહિત્યકારો વચ્ચે સામ્ય જોવા મળે છે તો બંનેની વાર્તાકલામાં કેટલાંક પોતીકાં લક્ષણો પણ પ્રતીત થાય છે. સુન્દરમ્ની વાર્તાઓમાં ક્યારેક પ્રસ્તાર જોવા મળે છે, પ્રયોજન વધારે પડતું મુખરિત થતું જોવા મળે છે જ્યારે ઉમાશંકરમાં પ્રયોજન ને સંવિધાન વચ્ચેની સમતુલા વધારે જળવાતી જણાય છે. સુન્દરમ્ની વાર્તામાં એક અસલ, લોહીનો આવેગ છે, ઉમાશંકરમાં સ્વસ્થતા અને સફાઈ છે. માનવચિત્તનાં સૂક્ષ્મ સંચલનો આલેખવાનું વલણ ઉમાશંકરમાં વધારે જોવા મળે છે.” [3]

આ નિરીક્ષણ કેટલીક રીતે રસપ્રદ બન્યું છે. આમ છતાં એક જવાબદાર વાર્તાવિવેચક તરીકે જે તે અભ્યાસીએ ઉમાશંકરની વાર્તાકલાનો સૌપ્રથમ તો સ્વતંત્ર રીતે જ અભ્યાસ કરવો જોઈએ. ઉમાશંકર આપણા એક અત્યંત રસપ્રદ વાર્તાકાર છે એ નિ:શંક છે.

આ નિરીક્ષણ કેટલીક રીતે રસપ્રદ બન્યું છે. આમ છતાં એક જવાબદાર વાર્તાવિવેચક તરીકે જે તે અભ્યાસીએ ઉમાશંકરની વાર્તાકલાનો સૌપ્રથમ તો સ્વતંત્ર રીતે જ અભ્યાસ કરવો જોઈએ. ઉમાશંકર આપણા એક અત્યંત રસપ્રદ વાર્તાકાર છે એ નિ:શંક છે. ઉમાશંકર પોતે જ જણાવે છે તેમ, તેમણે ‘વાર્તા લખવાનો આરંભ કર્યો ૧૯૩૦માં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં ભાઈ વજુ કોટકને સાથ આપવા.’ [4] આમ પદ્યમાં તો તેમની ખટાપટી ચાલતી જ હતી અને દરમ્યાન વજુ કોટકને ‘સાથ આપવા’ વાર્તા જેવું કંઈક લખવા પ્રેરાયા. આના પરિણામરૂપે બે વાર્તાઓ લખાઈ. પોતે જ નોંધે છે તેમ, ‘એ ‘બંને વાર્તાઓમાં બનાવ લગભગ ન જેવો’ હતો અને ‘બંને વાતાવરણની વાર્તાઓ” [5] હતી. વળી વાર્તારચનાના આરંભકાળમાં વાતાવરણની વાર્તા અજમાવવી મુશ્કેલ ને છતાંય એવા મુશ્કેલ સર્જનકર્મ તરફ તેમની રુચિ થઈ એ નોંધપાત્ર ઘટના કહેવાય. એમની પહેલી વાર્તામાંનું વસ્તુ પણ રસજ્ઞોએ ધ્યાનમાં લેવા જેવું તો ખરું જ. એ વાર્તામાં શહેરની એક બાળકી એકાએક અબોલ થઈ જતાં, અનેક નિષ્ફળ ઉપચારો બાદ, તેને કુદરતને ખોળે લઈ જવામાં આવે છે અને ત્યારે ત્યાં પંખીઓ, ઝરણાં વગેરેના સંગમાં એની વાણી રૂમઝૂમ રમવા માંડે છે. [6] એ વાર્તાનું નામ ‘ગોરુંજાની ખીણો’ હતું. ઉમાશંકરે વાર્તાલેખનનું આ સાહસ કર્યું તે પૂર્વે તેઓ કેટલાક ઉત્કૃષ્ટ વાર્તાકારોની વાર્તાઓ વાંચવાનો લહાવો મેળવી શક્યા હતા. ઇન્ટરના અભ્યાસક્રમમાં તેમને ટૂંકી વાર્તાઓનો એક અંગ્રેજી સંગ્રહ ભણવા મળ્યો હતો. એ સંગ્રહમાં પૉ, હૉથૉર્ન, બ્રેટહાર્ટ, સ્ટીવન્સન ને ગાલ્સવર્ધી જેવાની વાર્તાઓ હતી. વળી આલબ્રાઇટનું ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપ વિશેનું પુસ્તક પણ તેમના જોવામાં આવેલું. ધૂમકેતુનું ‘તણખા-મંડળ પહેલું’ તેમ જ ‘દ્વિરેફની વાતો – ભાગ પહેલો’નું વાચન કરવાની તક તેમને મળી હતી. તદુપરાંત મૅટ્રિકના અંગ્રેજી ગદ્યપદ્યસંગ્રહની ટાગોરની રાયચરણ(પુનર્જનમ)ની વાર્તા તેમ જ ‘કાબુલીવાલા’ તથા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તાનો પરિચય પણ તેમને થયેલો. એમાં વળી ગાય દ મોપાસાં જેવા વિશ્વખ્યાત વાર્તાકારની પચીસેક વાર્તાઓ વાંચવા મળી. ઉમાશંકર કહે છે તેમ એ ‘વાર્તાઓ તેમણે ‘અંદરથી વાંચી.’ [7] પ્રત્યેક વાર્તા શતરંજની રમત હોય એમ લેખકની એકેએક ચાલ પર તેઓ નજર રાખતા. આ વાર્તાઓ તેમણે અનેક વાર વાંચી. [8] અને તેથી સફલ વાર્તાનો કીમિયો તેઓ સહેજે સમજી શક્યા.[9] તેઓ આ સજ્જતા સાથે વાર્તાલખનક્ષેત્રે પોતાનું કાર્ય આરંભે છે. પેલા અપ્રકટ વાર્તાપ્રયોગો બાદ કરતાં તેમની સૌપ્રથમ વાર્તા ‘ગુજરીની ગોદડી’ જુલાઈ, ૧૯૩૩માં લખાયેલી છે. આ વાર્તાને અને મોપાસોંને, લેખક કહે છે તેમ, કશો જ સંબંધ જોવા મળતો નથી. [10] ઉમાશંકર લખવા ગયેલા લલિત નિબંધ અને એ માટેના ‘નવા પ્રયત્ને’ લખી બેઠા આ વાર્તા ‘ગુજરીની ગોદડી’. આમેય એમના મતાનુસાર લલિત નિબંધ અને ટૂંકી વાર્તા વચ્ચે આછું જ અંતરપટ હોય છે [11] અને તેથી આ વાર્તામાં કેટલુંક લલિત નિબંધ જેવું જોવા મળે એવો નિરૂપણનો ઢાંચો છે ખરો. છતાંય એ એમના મતે વાર્તા છે ને ‘વાતાવરણની વાર્તા’ છે. આ પ્રથમ પ્રસિદ્ધ વાર્તા જ આપણા એક પ્રશસ્ત વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરને એમણે સંપાદિત કરેલ ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ’[12] માં સમાવવા જેવી લાગેલી ! આ પછી ઉમાશંકરે ખૂબ ઝડપથી વાર્તાઓ આપી છે. ઉમાશંકરે પ્રથમ કવિતા, પછી નાટક અને પછીથી જ આ વાર્તાઓ આપી ને તેથી જ તેઓ ‘શ્રાવણી મેળા’ના નિવેદનમાં વાર્તાકાર તરીકે ‘વાસુકિ’ ઉપનામ રાખવા વિશે ખુલાસો કરતાં લખે છે : “છૂટક કાવ્યો અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખે ને કોઈનેય એમ થાય કે ક્યાં બધા જ સાહિત્યપ્રકારોમાં માથું મારવા જાય છે, એવી કલ્પિત આશંકાથી ઉછીનું ઉપનામ મેળવીને કામ ચલાવ્યું હતું.” [13] ઉમાશંકરે ‘વાસુકિ’ ઉપનામ શ્રીદામ ભટ્ટ પાસેથી મેળવ્યું હતું. [14] આ ઉપનામ પછી છેલ્લે છેલ્લે એમણે ‘શ્રવણ’ [15] ઉપનામથી પણ વાર્તાઓ લખવા માંડેલી. ‘તરંગ’ [16], ‘ધરમ’[17], ‘બે બહેનો’ [18] – આ વાર્તાઓ તેમણે ‘શ્રવણ’ ઉપનામથી લખેલી. (આમાંની ‘ધરમ’ વાર્તા અગ્રંથસ્થ છે.) ઉમાશંકરે એમની વાર્તાકળાની આગેકૂચમાં ‘તરંગ’ વાર્તાને સીમાંક બનાવી જણાય છે. તેઓ પોતાની વાર્તાકળા અંગેનો પરિપ્રેક્ષ્ય રજૂ કરતાં, ભવિષ્યના વાર્તાવલણ વિશે અટકળ કરતાં જણાવે છે કે “વાર્તા કહી જવા માટે ટૂંકી વાર્તામાં રસ ઓછો હોવાથી અને આયોજન-પ્રયોગ ઉપર વધુ નજર હોવાથી ભવિષ્યમાં વાર્તા તરફ વળું તો ‘તરંગ’ની દિશામાં અને આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પ્રયત્નો વિશેષ રહે એ બનવાજોગ છે.” [19] આમ કહેનાર ઉમાશંકરની સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ ‘તરંગ’-શૈલીની કથા તો ન જ ગણાય. ઉમાશંકરની વાર્તાઓ અભિહિત અર્થમાં ‘ટૂંકી’ વાર્તાઓ છે. એમની ‘બે બહેનો’ વાર્તા તો માંડ અઢી પાનાંની (‘સંસ્કૃતિ’નું તો એક જ પાનું) છે. એમની વાર્તાઓ માટે ‘અનુભૂતિકણ’ શબ્દ બરોબર બંધ બેસતો આવે છે. ઉમાશંકરની નજરને ઘટનામાં ઘટનાને ખાતર રસ હોય એમ જણાતું નથી. માનવજીવનને લગતું કોઈ રહસ્ય નિષ્પન્ન કરવામાં એમને રસ હોય છે. એમની વાર્તાકળાને રા. વિ. પાઠકની વાર્તાકળાના અનુસંધાનમાં જોવી ઘટે. જેમ પાઠકે તેમ ધૂમકેતુએ પણ એમની વાર્તાકળાના વિકાસમાં પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે – ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાની રીતે ભાગ ભજવ્યો હશે જ, આમ છતાં ટૂંકી વાર્તા માટે વિશિષ્ટ ભાવપરિસ્થિતિ સર્જવાની બાબતમાં એમની પ્રયોગશીલતા સહેજેય ધ્યાનાર્હ બની રહે છે. તેમણે વાત કહેવાનું જ નહિ, વાત બરોબર બનાવવાનું ને એ રીતે કહેવાનું પણ તાક્યું છે ને તેથી વાર્તાકળાની વિવિધ તરેહોના વિકાસના સંદર્ભમાં એમની વાર્તાઓનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે.

______________________________________________________

T ઉમાશંકર ‘રહસ્ય’ (જીવનરહસ્ય)નો અર્થ ‘તાત્ત્વિક ફિલૉસૉફિક સત્ય’ એવો કરતા નથી. તેઓ ટૂંકી વાર્તાના જીવનરહસ્ય તરીકે એમાં ‘વૃત્તાંત વડે શબ્દદેહ પામેલી ભાવપરિસ્થિતિ’નો નિર્દેશ કરે છે. (‘શૈલી અને સ્વરૂપ’, 1972, પૃ. 114)

T ઉમાશંકરે ટૂંકી વાર્તાનો પરિચય આપતાં જે લખ્યું છે તે આ સંદર્ભમાં સ્મરણીય છે. તેઓ જણાવે છે : ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ !’ ઉમાશંકર આજની ટૂંકી વાર્તાનું સંપૂર્ણ રહસ્ય એના કલાઘાટના આકલન વિના તો પામી જ ન શકાય એમ માનતા જણાય છે.

ઉમાશંકરે ઊર્મિકાવ્ય અને એકાંકી બંનેયમાં કલમ ચલાવવા માંડેલી. અંગત નોટબુકમાં વાર્તાના પ્રયોગ, તે અગાઉ સૂચવ્યા મુજબ, ૧૯૩૦થી કરવા માંડેલા, અને એમની સૌથી પહેલી વાર્તા ‘ગુજરીની ગોદડી’ પ્રગટ થઈ તે પૂર્વે ઉમાશંકર દ્વારા અનેક કાવ્યો (‘ગંગોત્રી’નાં એંશી કાવ્યોમાંથી લગભગ સિત્તેર) તેમ જ ‘સાપના ભારા’નાં સંભવત: અગિયાર (દસ તો ખરાં જ.) તેમ જ અન્ય બે એકાંકીઓ લખાઈ ગયાં હતાં અને એ રીતે ઊર્મિકવિતા તેમ જ એકાંકીમાં પોતાની કલાગત હથોટી પ્રગટ કરી દીધી હતી. એક સક્રિય સર્જકને પોતાના માધ્યમમાં નવા નવા અવકાશો શોધી, ઊભા કરી, એમાં કામ કરવાનું હંમેશાં ગમતું હોય છે. એ રીતે ઉમાશંકરે પણ ઊર્મિકવિતા તેમ જ એકાંકીની સરહદોને અવારનવાર સ્પર્શતું ટૂંકી વાર્તાનું ક્ષેત્ર પોતાની સર્ગશક્તિના પ્રયોગો માટે શોધ્યું – પસંદ કર્યું. જેમ એકાંકીમાં પ્રથમ ગ્રંથપ્રકાશને જ તેઓ સુપ્રતિષ્ઠિત થયા તેમ વાર્તામાં પણ બન્યું. પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ના પ્રકાશને જ તેઓ પ્રથિતયશા વાર્તાકાર બની રહ્યા. ઉમાશંકરની ઊર્મિકવિતા ને એકાંકીસર્જનનો અનુભવ યત્કિંચિત્ વાર્તાકળામાં ઉપયોગી થયો જ. શબ્દનો કલાત્મક રીતે પ્રયોગ કરવાનો ઉત્સાહ અને પરિશ્રમ વાર્તાકળામાં પણ કેટલાક અવનવા કલાપ્રયોગો કરાવીને રહે છે. ઉમાશંકરે ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ – આ બે સંગ્રહોમાં અનુક્રમે ૧૫ અને ૨૨ વાર્તાઓ આપી છે. આમ ૩૭ વાર્તાઓને T (T રમેશ જાની ‘જિજ્ઞાસા’(1968)માં ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ મળીને કુલ 39 વાર્તાઓ હોવાનું કહે છે તે ભૂલ જણાય છે.)આધારે તેમની વાર્તાકારની છબી દર્શાવાનો આપણો ઉપક્રમ રહેશે. એમણે ‘ત્રણ અર્ધું બે’માંથી ‘સરયૂસ્વાતિ’, ‘એક સુખી કરુણાન્ત’, ‘એક સુધારકનું વસિયતનામું’, ‘રમેશ’, ‘ધૂળધોયાની વહુનાં ઘરેણાં’ — એ પાંચ તથા ‘અંતરાય’માંથી ‘મહેરામણ બંધાણી’ – એ એક — એમ કુલ છ વાર્તાઓ રદ કરી છે. આ કુલ ૪૩ વાર્તાઓમાંથી ઈ. સ. ૧૯૩૮ની સાલ સુધીમાં તો તેમણે ૩૪ વાર્તાઓ આપી દીધી હતી ! ૧૯૩૮ પછીથી ૧૯૫૧ સુધીમાં (એટલે કે ૧૩ વર્ષના ગાળામાં) ગ્રંથસ્થ માત્ર ૯ વાર્તાઓ મળે છે. ‘એકાંકી’માં પણ એમણે એમનાં ગ્રંથસ્થ ૨૨ અને અગ્રંથસ્થ ૨ એમ કુલ ૨૪ એકાંકીઓમાંથી ૧૬ તો ૧૯૩૯ની સાલ સુધીમાં આપી દીધાં હતાં; બાકીનાં ૮ ૧૯૪૪થી ૧૯૫૪ સુધીમાં (એટલે કે દસ વર્ષના ગાળામાં) મળે છે. આમ એકાંકીઓ અને વાર્તાઓ જે રીતે આપણને ઉપલબ્ધ થાય છે તે ઉમાશંકરની સર્જનપ્રક્રિયા પર પણ પ્રકાશ પાડે છે. ઉમાશંકરે જૂન ૧૯૩૨માં ૩, ઑગસ્ટ ૧૯૩૨માં પણ ૩, ફેબ્રુઆરી ૧૯૩૩માં ૪, આ ઝડપે એકાંકીઓ લખ્યાં છે. વાર્તાઓમાં પણ એક જ દિવસે ૧૧–૧૨–૧૯૩૮ના રોજ તેઓ ‘કલંકિની’, ‘લીલી વાડી’, ‘રાહી’ અને ‘સ્મિતનું રહસ્ય’ — એમ સાથેલાગી ચાર વાર્તાઓ લખી દે છે ને ‘રત્ના કેમ પરણી’ એ પાંચમી વાત પણ માંડી દે છે ! જે દિવસે ‘મારી ચંપાનો વર’ પૂરી કરી તે જ દિવસે એમણે ‘છેલ્લું છાણું’ વાર્તા લખી. આમ તેઓ ઝડપથી લખનારા છે. તેમણે જ આ વાત કહી છે : “હું ઓછું લખનાર છું, પણ હું લખું છું ઝડપથી.” ઉમાશંકરે પોતાના સર્જનકાળના ૧૯૩૦થી ૧૯૪૦ના દસકા દરમ્યાન કવિતા ઉપરાંત એકાંકી, વાર્તા, નવલકથા ને નિબંધિકા વગેરેમાં કલમ ચલાવી જોઈ છે અને કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. પદ્યનાટ્યની દિશામાં કામ કરવાનો આરંભ પણ આ જ દસકામાં કરી લીધો હતો. આ રીતે એક સ્ફૂર્તિલા સર્જક તરીકે ઉમાશંકર ૧૯૩૦થી ૧૯૪૦–૪૪ દરમ્યાન પ્રગટ થાય છે. તેમની સર્જકપ્રતિભાએ આ ગાળા દરમ્યાન જે ક્ષેત્રો પસંદ કર્યાં તેમાં એકાંકી-વાર્તા આદિમાં કેટલુંક ઉત્કૃષ્ટ પણ થયું અને કેટલુંક ઉત્કૃષ્ટ કામ કવિતાક્ષેત્રે જેમ આ ગાળામાં થયું તેમ તેથીયે વધુ વિકસિત રૂપમાં આ પછીના ગાળામાં પણ થતું જોવા મળે છે. ઉમાશંકરે એમના સર્જનકાળના આરંભમાં પદ્યને અને પછી અત્યંત ટૂંકા સમયમાં ગદ્યને પણ પોતાનું કલામાધ્યમ બનાવ્યું; એ ગદ્ય કલાનુક્રમે તેમની શાસ્ત્રલક્ષી, વિચારલક્ષી લેખનપ્રવૃત્તિનું પણ સબળ માધ્યમ બની રહે છે. એકાંકી, વાર્તા જેવાં સર્જનાત્મક – લલિત સાહિત્યરૂપોમાં વિહરતું ગદ્ય ૧૯૫૪ પછી નિબંધ-વિવેચનની દિશામાં વધુ કાર્યાન્વિત જણાય છે. ‘ગોષ્ઠી’ નામના એમના પ્રથમ નિબંધસંગ્રહના ૨૭ નિબંધોમાંથી બે જ નિબંધો ૧૯૪૦ પહેલાંની સાલ બતાવે છે, જે સૂચક છે. વળી જેમ એકાંકીક્ષેત્રે ૧૯૫૪ બાદ તેમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે ૧૯૫૧ બાદ વિસામો છે. આ વિસામો શાથી છે તેનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ છે. ઉમાશંકરની સર્જકતાએ પોતાનું જે કંઈ ઉત્તમોત્તમ હતું તે એકાંકી ને વાર્તામાં પ્રગટ કરી દીધું ને હવે પછી એમનાથી એમાં કશું થઈ શકે એમ નથી એમ માનવું ? એમ માનીએ તો તો સર્જનની નિગૂઢ ગતિ વિશેની આપણી સમજ જ બરોબર નથી એમ ઠરે. એમ જરૂર લેખી શકાય કે સમજદાર સર્જક સમયે સમયે શબ્દ દ્વારા પોતાનું જે કંઈ ઉત્તમ હોય છે તે પ્રગટ કરવા મથતો હોય છે, અને પછી સાધ્યું હોય તેથી વધુ ઉત્તમ સાધવા, જે પગથિયાં ચઢ્યો હોય ત્યાંથી આગળ વધુ પગથિયાં ચઢવા એને માટે પ્રતીક્ષા કે વિરામ અનિવાર્ય બની રહેતો હોય. એ પ્રતીક્ષા કે વિરામ પછી નવું આવે જ એમ તો કેમ કહેવાય ? જૂનાનું પુનરાવર્તન સર્જક ન કરે — સર્જક પોતાની જ સફળ કૃતિનું અનુકરણ ન કરે તો એ લાભ પણ કંઈ નાનો હોતો નથી. જે દોરડાંથી પોતાને ગઢમાં પ્રવેશવા મળ્યું હોય એ દોરડાં જ કાપી નાખવાની તાનાજીની કહેવાતી રીત સમજદાર સર્જક અપનાવે તો એમાં નવાઈ નથી. ઉમાશંકરે ‘શ્રાવણી મેળા’ની કેટલીક સુંદર સફળ વાર્તાઓ પછી વાર્તામાં નવી નવી રીતે પ્રયોગો કરવાનું બીજા બે સંગ્રહો સુધી ચાલુ રાખ્યું; એટલું જ નહિ, ઑક્ટોબર, ૧૯૪૭માં લખાયેલી ‘તરંગ’ વાર્તાથી લેખકે ભાવિ વાર્તાનું દિશાસૂચન પણ કર્યું. આમ છતાં વાર્તાકાર તરીકેની જે જમાવટ ‘શ્રાવણી મેળા’માં થઈ તે ફરી પાછી ન થઈ તે ન જ થઈ, ને જેમ કુશળ ઉસ્તાદ સમજીને આત્મહિતાય પણ પોતાનો ખેલ સંકેલી લે તેમ ઉમાશંકરે પણ કર્યું હોય એમ કોઈને લાગે તો એમાં નવાઈ નથી ! ‘તરંગ’ની દિશામાં – આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પોતાની વાર્તાકલાને વિકસાવવાની તેમની નેમ હતી પણ એ દિશામાં પછી ખાસ આગળ વધાયું જણાતું નથી. એમની ‘અદાलત કે અદાवત ?’ વાર્તા વાંચતાં તો સંભવ છે કે કોઈને ઉમાશંકર `¨स्थितस्य समर्थनम्' કરતા જણાય; આમ છતાં એક વાત તો કહેવી જ જોઈએ કે ભાવિ વાર્તા મનોવૈજ્ઞાનિક તથ્યો — સત્યોના પ્રદેશમાં વિકસવાનો વ્યાપકપણે પ્રયત્ન કરવાની હતી તેની સબળ શરૂઆત થઈ રા. વિ. પાઠકથીT. એમાં બળ ને વેગ પૂર્યાં ઉમાશંકર–સુન્દરમ્ની વાર્તાઓએ. એ વાર્તાઓ પછીના વાર્તાલેખનમાં કેટલીક રીતે માર્ગસૂચક પણ બનેલી જણાય છે. તેમાંય માનવમનની સૂક્ષ્મ ગતિ-વિધિ, એનાં નિગૂઢ સંચલનોને પકડવા – પ્રકટ કરવામાં ઉમાશંકરની વાર્તાકાર તરીકેની એકાગ્રતા ને ઉત્કટતા સહેજેય વિશેષ ધ્યાન ખેંચે છે. ઉમાશંકરની ‘શ્રાવણી મેળા’ની વાર્તાઓનું અવલોકન કરતાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ એમની આ વિલક્ષણતાનું પોતાની શૈલીએ વિવરણ કરતાં કહેલું :

  1. આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫.
  2. એજન, પૃ. ૧૮૭.
  3. ટૂંકી વાર્તા : સાહિત્ય અને સ્વરૂપ, માર્ચ, ૧૯૭૪, પૃ. ૭૫.
  4. પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૨.
  5. એજન, પૃ. ૨૨૨.
  6. એજન, પૃ. ૨૨૨.
  7. એજન, પૃ. ૨૨૪.
  8. આ વાર્તાઓનો સંગ્રહ તે ‘ટેઇલ્સ ઑફ ડે ઍન્ડ નાઇટ’. માર્જરી લૉરીએ કરેલ વાર્તાનુવાદો એ છે. એ વાર્તાઓ મોપાસોંની ઉત્તમ વાર્તાઓ નથી એ પણ ઉમાશંકર જણાવે છે. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪)
  9. ‘કોઈનો પ્રભાવ સાચી રીતે અનુભવવાની રીત’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪) આ રીતે સમજણમાં પરિણમતી ઉમાશંકરમાં જણાય છે.
  10. પ્રતિશબ્દ, પૃ. ૨૨૪.
  11. એજન, પૃ. ૨૨૪–૫.
  12. જુઓ આપણી શ્રેષ્ઠ નવલિકાઓ, જૂન, ૧૯૬૨, પૃ. ૧૨૭–૧૪૬.
  13. નિવેદન; શ્રાવણી મેળો, પૃ. ૫.
  14. પ્રત્યક્ષ મુલાકાતને આધારે.
  15. જોકે સમયદૃષ્ટિએ સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ એમણે ‘વાસુકિ’ ઉપનામે લખેલી. સંસ્કૃતિ, ડિસે., ૧૯૫૧, પૃ. ૪૬૫.
  16. સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૪૭, વર્ષ : ૧, અંક : ૧૨, પૃ. ૪૨૩–૪૨૫.
  17. સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૦, પૃ. ૩૭૭–૭૯, ૩૮૫.
  18. સંસ્કૃતિ, ડિસેમ્બર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૨, પૃ. ૪૬૬.
  19. પ્રતિશબ્દ, પૃ. ૨૨૭.