કુંવરબાઈનું મામેરું/કડવું ૧૬

From Ekatra Wiki
Revision as of 12:19, 27 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬| રમણ સોની}} <poem> [ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કડવું ૧૬

રમણ સોની

[ અંતનો એક કથાવળાંક જુઓ : કૃષ્ણના ગયા પછી નણદીનો વાંધો ને એનું નિરાકરણ! કવિ અને કથાકાર બંને રૂપે પ્રેમાનંદ ઉત્તમ નીવડે છે.
આખ્યાનનું કથા-સમાપન સમય-સ્થળને પણ આલેખી આપે છે.]
 
(રાગ ધન્યાશ્રી)
કોડ પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી. ૧

નાગરી નાત, કુટુંબ, પડોશી, ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી. ૨

સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં બે પહાણ કનકના મૂકી, થયા અંતર્ધાન જી. ૩

સભા સહુ કો વિસ્મય પામી : ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી. ૪

કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી. ૫

‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી જી. ૬

મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’ ૭

કુંવરબાઈ પિતા કને આવી : ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી? ૮

વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’ ૯

મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે, બેઠો વજાડું તાળ જી.’ ૧૦

ફરી ધ્યાન ધર્યું માધવનું : ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનું ગગન વિષેથી પડ્યું કાપડું એક જી. ૧૧

નણદી સંતોષ્યાં કુંવરબાઈએ, મહેતે માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે છાબ માંહ્ય જી. ૧૨

નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી. ૧૩

વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી. ૧૪

સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નોમ રવિવાર જી;
પૂરણ ગ્રંથ થયો તે દિવસે યથાબુદ્ધિ વિસ્તાર જી. ૧૫

પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી,
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી. ૧૬