અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/દાદાના આંગણામાં

From Ekatra Wiki
Revision as of 12:33, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાદાના આંગણામાં

માધવ રામાનુજ

દાદાના આંગણામાં કૉળેલા આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ
પછી માળામાં ફરક્યું વેરાન...
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ ન’તા ઊતર્યા,
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર
ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન
દાદાના આંગણામાં કૉળેલા આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન...
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં
પોઢેલાં હાલરડાં જાગ્યાં,
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં;
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ
પછી માળામાં ફરક્યું વેરાન...