ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારસંપ્રદાય

From Ekatra Wiki
Revision as of 12:22, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અલંકારસંપ્રદાય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યના સૌંદર્યાધાયક તત્ત્વ વિશે મુખ્યત્વે રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ અને ઔચિત્ય એમ છ સંપ્રદાયો પ્રચલિત છે. એમાં અલંકાર સંપ્રદાય ઘણો પ્રાચીન છે. અલબત્ત, કાવ્યના આત્મા કે જીવિત રૂપે કોઈ આચાર્યે અલંકારની સ્થાપના સ્પષ્ટ શબ્દોમાં કરી નથી. પણ કાવ્યસૌન્દર્યના વાચક તથા સાધક રૂપે એનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ભરતે દૃશ્યકાવ્ય સંદર્ભે રસને આત્મતત્ત્વ રૂપે પ્રમાણ્યો. નાટ્યમાં રસનિષ્પત્તિ વિભાવ, અનુભાવ, વ્યભિચારીથી, વાચિક આંગિક સાત્ત્વિક આહાર્ય એમ ચતુવિર્ધ અભિનયથી, ગીત-સંગીત, નૃત-નૃત્ય, લાસ્યાંગ, વૃત્તિ-વૃત્યંગ, પંચસંધ્યાત્મક ઇતિવૃત્ત, નેપથ્ય આદિ તત્ત્વોથી નિષ્પન્ન થાય છે. પણ શ્રાવ્યકાવ્યમાં અભિનય, ગીત-સંગીત, નૃત-નૃત્યાદિની મદદ ન મળતી હોવાથી કાવ્યભાષા કે કાવ્યમાં ભાષિક અભિવ્યક્તિની ભૂમિકા નિર્ણાયક બને છે. આમ દૃશ્યકાવ્યથી શ્રાવ્યકાવ્યના આગવા કાવ્યશાસ્ત્રની શોધ ભામહમાં અલંકારસંપ્રદાયના ઉદ્ભવનું કારણ બને. अलंकार શબ્દ अलम् ઉપપદ कृ ધાતુથી સંજ્ઞાનો અર્થ કે धञ् પ્રત્યય લાગી કરણનો અર્થ પ્રગટ કરે, એનો વ્યુત્પત્તિગત અર્થ અનુક્રમે આ રીતે સમજાવી શકાય : ૧, अलंकारोतीत्यलंकार : અલંકૃત કરે તે અલંકાર. ૨, अलंक्रियतेडनेन इत्यलंकारः એના થકી અલંકૃત થાય તે અલંકાર. अलम् એટલે પર્યાપ્ત, યોગ્ય, પરિપૂર્ણ. अलंकार એટલે પર્યાપ્ત કરી દે, યોગ્ય બનાવી દે કે પરિપૂર્ણતા સુધી પહોંચાડી દે તે તત્ત્વ. अलंकारની કરણાર્થે વ્યુત્પત્તિ કરતા ‘જે તત્ત્વ સૌન્દર્યને પરિપૂર્ણ બનાવી દે, એને એટલું પર્યાપ્ત કરી દે કે એનાથી આગળ એની અભિવૃદ્ધિની શક્યતા જ ન રહે’ એવો અર્થ થાય. अलंकारની ભાવવ્યુત્પત્તિ કરતા ‘સ્વયં સૌન્દર્ય કે ચારુત્વ કે ચમત્કાર’ એવો અર્થ થાય. સૌપ્રથમ ઋગ્વેદમાં अरंकृति अरंकृत (અ. वे. ૧/૨૧, ૭/૨૯/૩) શબ્દોનો अलंकृति-अलंकारના અર્થમાં પ્રયોગ મળે. ગ્રીકમાં Aurum-ઔરમ-અરમ્ ‘સુવર્ણ’ના અર્થમાં મળે છે. अलंकार શબ્દ ત્રણ અર્થચ્છાયા ધરાવે છે : કાવ્યસૌન્દર્ય, કાવ્યસૌન્દર્યનાં સાધક સર્વ તત્ત્વો અને કાવ્યસૌન્દર્યસાધક યમકાદિ શબ્દાલંકારો, ઉપમાદિ અર્થાલંકારો તેમજ લાટાનુપ્રાસાદિ ઉભયાલંકારો. ભામહ-દંડી-વામનમાં अलंकार સામાન્ય તથા વિશેષ એમ બંને રીતે પ્રયોજાઈ, કાવ્યનું સર્વવ્યાપક અને અંતરંગ એવું સારભૂત તત્ત્વ બની કાવ્યસિદ્ધાન્ત કે કાવ્ય સંપ્રદાય રૂપે ઊભરી આવે તો આનંદવર્ધનાદિમાં વાચ્યવાચકની શોભારૂપ યમક-ઉપમાદિ અલંકારવિશેષના અર્થમાં પ્રયોજાઈ બાહ્ય તત્ત્વ રૂપે ઉપેક્ષા પામે. अलंकारનું મૂળતત્ત્વ કે ચમત્કારાધાયક તત્ત્વ ભામહ-દંડી વક્રોક્તિ અને અતિશયોક્તિને, મહિમ ભટ્ટ વિચિત્ર ભંગીને, મમ્મટ ઉક્તિવૈચિત્ર્યને, રુય્યક કવિસમપિર્ત ધર્મોને અને જયરથ વિચ્છિત્તિને માને છે. વક્રોક્તિ કે અતિશયોક્તિ એટલે લોકાતિશાયી કથન. શબ્દાલંકારોમાં વર્ણોની વિશેષ સંરચનાથી તો અર્થાલંકારોમાં અર્થોની વિશેષ સંરચનાથી લૌકિક વાણીને અલૌકિક વાણીમાં (લોકવાણીને કાવ્યવાણીમાં) રૂપાંતરિત કરાય છે. अलंकार તત્ત્વનો સૌપ્રથમ ભરતે વાચિક અભિનયસંદર્ભે વિચાર કર્યો. તેઓ સૌન્દર્યપૂર્ણ ચતુવિર્ધ અભિનયને નાટ્યાલંકાર માને છે. એમાં રસૌચિત્યયુક્ત આંગિક-વાચિક-સાત્ત્વિક અભિનયનો સત્વાલંકાર, આહાર્ય અભિનયનો નેપથ્યાલંકાર તથા નટના આરોહાવરોહાત્મક પાઠનો પાઠ્યાલંકારના નામે સમાવેશ કરે છે. ભરત अलंकारને ‘સૌન્દર્ય’ના અર્થમાં યોજી વ્યાપક અર્થ અર્પે છે. અદોષ, સગુણ, સાલંકાર અને સલક્ષણ કાવ્યના આગ્રહી ભરત अलंकार સંજ્ઞા આ સર્વ કાવ્યતત્ત્વો માટે યોજે છે. તેઓ ઉપમા, રૂપક અને દીપક એમ ત્રણ અર્થાલંકારો અને યમકરૂપ એક શબ્દાલંકાર નિરૂપે છે. જોકે, એમનાં ૩૬ નાટ્યલક્ષણોમાંથી પાછળથી અનેક અલંકારો ઉદ્ભવ્યા. છતાં એમણે અલંકારતત્ત્વનો વિચાર રસૌચિત્યને કેન્દ્રમાં રાખી નાટ્યકલા સંદર્ભે જ કર્યો. ભામહ अलंकारને ગુણ, રસ, અલંકાર આદિ કાવ્યસૌન્દર્યસાધક તત્ત્વોરૂપ વ્યાપક અર્થમાં અને ઉપમાદિ અલંકાર વિશેષોના સીમિત અર્થમાં પ્રયોજે છે. તેઓ અલંકારના ચમત્કારાધાયક તત્ત્વ રૂપે વક્રોક્તિને પ્રમાણી વાણીના આભૂષણનું ગૌરવ આપે છે. વક્રોક્તિ એટલે અતિશયોક્તિ અને અતિશયોક્તિ એટલે લોકાતિશાયી ઉક્તિ. આમ વક્રોક્તિ અલંકારનો વ્યાવર્તક ધર્મ. વસ્તુના સૂક્ષ્મ વર્ણન સ્વભાવોક્તિમાં પણ વક્રતા માની ભામહ અલંકારરૂપે નિરૂપે છે. તેઓ રસ-ભાવાદિને પણ રસવદાદિ અલંકાર માની अलंकारમાં અંતર્ભૂત કરે છે. તેઓ ભાવિક, રસવત્ આદિ અલંકારોને પ્રબંધવ્યાપી માની બૃહદસ્તરીય પ્રવર્તનને પણ પ્રમાણે છે. દંડી ભામહાનુસાર अलंकारને વ્યાપક તથા સીમિત એમ બંને અર્થમાં યોજે છે. તેઓ ગુણ, અલંકાર, સંધ્યંગ, વૃત્ત્યંગ, લક્ષણ આદિને अलंकारરૂપે ઓળખાવે છે, તેઓ વક્રોક્તિ અને સ્વભાવોક્તિ એમ ઉભયવિધ વાઙમયને અલંકારરૂપ માને છે. દંડી काव्यशोभाकरान् धर्मानलङ्कारन् प्रचक्षते (का. द. ૨/૧) એમ अलंकारને કાવ્યના શોભાકર ધર્મો માને છે. તેઓ અલંકારના ચમત્કારાધાયક તત્ત્વ રૂપે લોકસીમાતિવર્તિની અતિશયોક્તિને પ્રમાણે છે. દંડીના ઇતિવૃત્તના વિધાનરૂપ સંધિ-સન્ધ્યંગોને તથા ગુણ, અલંકાર, રસ, લક્ષણ, વૃત્યંગ આદિ અન્ય તત્ત્વોને अलंकारમાં સમાવિષ્ટ કરવાના આગ્રહમાં अलंकारને સર્વગ્રાહી અને સર્વવ્યાપક કાવ્યતત્વ માનવાના ભામહના વલણનું પરિવર્ધન અને પરિષ્કરણ દેખાય છે. પ્રત્યેક અલંકારના ભેદોપભેદોનો વિસ્તાર કરી अलंकार રચવાનું દંડીનું વલણ ઉપમાદિ અલંકારવિશેષોના સ્વરૂપવિકાસમાં અતિ મહત્ત્વનું બની રહે છે. વામન अलंकारનો પ્રથમવાર સ્પષ્ટપણે सौन्दर्यामलङ्कार : – (का. सू. वृ. ૧-૧-૨) એમ કાવ્યસૌન્દર્યના અતિવ્યાપક અર્થમાં સાધ્ય રૂપે ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત काव्यं ग्राह्यलंकारत् (का. सू. वृ. ૧-૧-૧.) એમ સૌન્દર્યસાધક ગુણ, અલંકારાદિ તત્ત્વોના વ્યાપક અર્થમાં અને ઉપમા પ્રપંચરૂપ અલંકારસમૂહના સીમિત અર્થમાં अलंकार શબ્દ પ્રયોજે છે. તેઓ અલંકારને શબ્દ અને અર્થના આશ્રયે તો ગુણને રીતિના આશ્રયે રહેલા માને છે. અલંકાર શબ્દાર્થના ધર્મો તો ગુણરીતિના ધર્મો છે. વામન ગુણ અને અલંકાર વચ્ચેના સ્વરૂપગત તથા સ્થાનગત ભેદને સ્ફુટ કરે છે. તેઓ काव्यशोभायाः कर्तारो धर्मा गुणाः। (का. सू. वृ. ૩-૧-૨) એમ ગુણને કાવ્યમાં શોભા ઉત્પન્ન કરનાર અંતરંગ અને નિત્ય ધર્મો રૂપે તો અલંકારને કાવ્યની ઉત્પન્ન થયેલી શોભામાં અતિશયતા લાવનાર બાહ્ય અને અનિત્ય ધર્મો માને છે. વામન સર્વ અર્થાલંકારોને ઉપમાપ્રપંચ રૂપે પ્રમાણે છે. તેઓ ઉપમા ઉપરાંત તેના પ્રપંચ રૂપે ૨૮ અલંકારો નિરૂપે છે. ઉદ્ભટ અલંકારને કાવ્યના અનિત્ય ધર્મો માનવાના વામનના મતનું ખંડન કરી કાવ્યમાં અલંકાર અને ગુણ ઉભય સમવાય સંબંધે રહેલા નિત્ય ધર્મો હોવાનું પ્રતિપાદન કરે છે. તેઓ બંને વચ્ચે ઉચ્ચાવચતા માનવાના વલણનું પણ ખંડન કરી બંનેને સમાન કક્ષાના માને છે. તેઓ રીતિસિદ્ધાન્ત સામે અલંકારસિદ્ધાન્તની પુન :પ્રતિષ્ઠા કરતા શબ્દાલંકારોમાંય બાહ્ય ગણાતા વર્ણાલંકાર અનુપ્રાસમાં વૃત્તિઓ અર્થાત્ રીતિઓનો સમાવેશ કરે છે. આમ અલંકાર અને ગુણ બંને સમાન રૂપે સૌન્દર્યહેતુ છે. બંને એક જ કોટિનાં કાવ્યતત્ત્વો છે. બંને વચ્ચે (ગુણ કે ગુણાત્મા રીતિ અને અલંકાર વચ્ચે) ઉપસ્કાર્ય ઉપસ્કારક સંબંધ માનવો યોગ્ય નથી. ઉદ્ભટ રસની માફક વૃત્તિઓને પણ અલંકારવિશેષ માની અલંકારસંપ્રદાયને દૃઢમૂલ કરે છે. રરુદ્રટ અલંકારોનાં વાસ્તવ, ઔપમ્ય, અતિશય અને શ્લેષ એમ ચાર મૂળ તત્ત્વોને સ્ફુટ કરી આપી અલંકારોને ચાર વિભાગમાં વહેંચી નાખે છે. તેઓ વાસ્તવાદિ ચાર તત્ત્વોને જ અલંકારરૂપ માની શેષ ઉપમાદિને એના વિશેષો માને છે. રુદ્રટ રસને પરમતત્ત્વ માનતા હોવા છતાં અલંકારતત્ત્વના વિશ્લેષણને કારણે અલંકારસંપ્રદાયમાં એમનું મહત્ત્વનું સ્થાન છે. આનંદવર્ધન ધ્વનિસિદ્ધાન્તને કેન્દ્રમાં રાખી અલંકારસિદ્ધાન્તનું પોતાની સ્થાપનાને અનુકૂળ પુનર્ઘટન કરે છે. તેઓ अलंकारને અનુપ્રાસ ઉપમાદિ શબ્દાર્થાલંકારો પૂરતો જ સીમિત કરી દે છે. તેમનામાં વામને અલંકાર અને ગુણ વચ્ચે દોરેલી ભેદરેખા અને ઉચ્ચાવચતા દૃઢ બને છે. તેઓ શબ્દાર્થને કાવ્યનું અંગ માની અલંકારોને કટકાદિની માફક અંગાશ્રિત એટલેકે શબ્દાર્થાશ્રિત અને એમની ચારુતાના હેતુ માને છે. રસનું ઔચિત્ય અલંકારયોજનાનું નિયામકતત્ત્વ છે. એમાં અલંકાર રસ વડે આક્ષિપ્ત થયેલો, અપૃથક્યત્નનિર્વર્ત્ય (રસનિબંધન સિવાયના પ્રયત્નથી રચાયેલો) હોવો જોઈએ. તો જ અલંકાર કાવ્યનું અંતરંગતત્ત્વ બની શકે. અલંકાર વિભાવાદિ રસાંગોને ચારુતા બક્ષે છે. આમ અલંકારનો રસાંગ રૂપે વિચાર કરી આનંદવર્ધન અલંકારવિચારને નવી દિશામાં લઈ જાય છે. આ માટે અલંકારની રસાદિપરક વિવક્ષા, અલંકારનું અંગી રૂપે નિરૂપણ ટાળવું, યોગ્ય સમયે એનું ગ્રહણ અને એનો ત્યાગ કરવો, એના સાદ્યન્ત નિર્વહણની ઇચ્છા ન રાખવી, સાદ્યન્ત નિર્વહણ પ્રસંગે પણ એને પ્રયત્નપૂર્વક અંગ રૂપે જ નિરૂપવો એવા નિયમો રચ્યા. આનાથી અલંકાર રસાભિવ્યક્તિમાં હેતુરૂપ બને, અન્યથા રસભંગનો હેતુ બને. આનંદવર્ધન વ્યંગ્યાર્થથી ચારુ લાગતા સમાસોક્તિ આદિ કેટલાક અલંકારોને ગુણીભૂતવ્યંગ્ય કાવ્યનો દરજ્જો આપે છે. તેઓ વ્યંગ્યાર્થને કેન્દ્રમાં રાખી અલંકારતત્ત્વના સૌન્દર્યની અને કાવ્યોપકારકતાની કક્ષા નિશ્ચિત કરે છે. મુખ્ય રૂપે વ્યંજિત થતો અલંકારધ્વનિ, ગૌણ રૂપે વ્યંજિત થતો અલંકાર ગુણીભૂતવ્યંગ્ય અને વાચ્ય રૂપે પ્રકટતો અલંકાર વાચ્યાલંકાર છે. આનંદવર્ધન અલંકારો વચ્ચે પરિપોષ્યપોષક ભાવ રહેલો માને છે. એમાં વ્યંગ્ય અલંકાર ગૌણ બની અન્ય મુખ્ય અલંકારને પોષક બનતો હોય એવું રૂપક, દીપક, તુલ્યયોગિતા આદિમાં ઉપમાનોપમેયભાવ વ્યંગ્ય હોવાથી દેખાય, વ્યાજસ્તુતિ – સંદેહ આદિમાં પ્રેયસ-ઉપમા જેવા વિશિષ્ટ અલંકારો ગર્ભિત રીતે દેખાય, સમાસોક્તિ-આક્ષેપ આદિમાં વસ્તુરૂપ અર્થ ગૌણ રૂપે વ્યંગ્ય દેખાય, અને દીપક-ઉપમાદિ પરસ્પર ગર્ભિત રૂપે રહેલા દેખાય. આનંદવર્ધન અલંકારોને વાક્વિકલ્પોરૂપ માની એમની વાચ્યોપસ્કારતાને પ્રમાણે છે. કુન્તક अलंकार શબ્દને પુન : કાવ્યસૌન્દર્યસાધક તત્ત્વો અને ઉપમાદિ અલંકારવિશેષો એમ અતિવ્યાપક, વ્યાપક અને સીમિત ત્રિવિધ અર્થમાં યોજે છે. તેઓ વક્રોક્તિને જ સાચો અલંકાર માને છે. આ વક્રોક્તિ તે જ વિચિત્રાભિધા. કુન્તક ભામહના સર્વાલંકારમૂલા વક્રોક્તિના વિચારને જ આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્તના પ્રત્યાઘાતો વિકસાવે છે. અલંકાર અને અલંકાર્યને જુદા માનવાના વામન-આનંદવર્ધનના વિચારનો પ્રતિરોધ કરતા કુન્તક કાવ્યની નિરવયવ અખંડતાનો મહિમા કરે છે. કાવ્યનો અલંકાર પાછળથી યોગ થાય છે એવી ધારણાનું ખંડન કરી સાલંકૃત કાવ્યનિમિર્તિનું ‘सालंकारस्य काव्यता’ (અલંકૃતનું કાવ્યત્વ) એમ પ્રતિપાદન કરે છે. તેઓ શબ્દ અને અર્થને અલંકાર્ય અને વક્રોક્તિને અલંકાર માને છે. આ વક્રોક્તિ વૈદગ્ધ્યભણિતિભંગીરૂપ છે. તેઓ શબ્દાલંકારોનો વર્ણવક્રતા અને ઉપમાદિ અર્થાલંકારોનો વાક્યવક્રતામાં સમાવેશ કરે છે. તેઓ રસને ઉપમાદિ જેવો અલંકાર ન માનતા અલંકાર્ય સિદ્ધ કરે છે છતાં રસવિધાનને વક્રતાના એક પ્રકારમાં અંતર્ભૂત કરે છે. ક્ષેમેન્દ્ર ઔચિત્યસિદ્ધાન્તસંદર્ભે अलंकारનું પુનર્ઘટન કરે છે. તેઓ અલંકારને દસ પૈકીના એક ચમત્કાર પ્રકાર તરીકે ઓળખાવે છે. તેઓ રસગત ઔચિત્યને મહત્ત્વ આપે છે. તેઓ उचितस्थानविन्यासादलङ्कृतिरलङ्कृति : એમ ઉચિત સ્થાને થયેલા વિન્યાસને અલંકારત્વનું કારણ માને છે. તેઓ अलंकारને ઉપમાદિ અલંકારવિશેષોના સીમિત અર્થમાં યોજે છે. ભોજરાજ अलंकारને વામનાદિની માફક ત્રિવિધ અર્થમાં યોજે છે. તેઓ દોષરહિત અને ગુણયુક્ત કાવ્યશરીરની ચારુતાના ઉત્કર્ષ માટે અલંકારયોગ અનિવાર્ય માને છે. કાવ્યના દોષ-હાન, ગુણોપાદાન, અલંકારયોગ અને રસાવિયોગ એમ ચાર ધર્મો છે. છતાં અલંકારમાં કાવ્યનાં રસાદિતત્ત્વોનો અંતર્ભાવ માની ભોજ अलंकारને વ્યાપક તત્ત્વ રૂપે પણ પ્રમાણે છે. તેઓ અલંકારના ત્રિવિધ વર્ગો માને છે. ૧, ઉપમાદિના પ્રાધાન્યમાં વક્રોકિત ૨, શ્લેષાદિગુણોના પ્રાધાન્યમાં સ્વભાવોક્તિ. ૩, વિભાવાદિના સંયોગે થતી રસનિષ્પત્તિના પ્રાધાન્યમાં રસોક્તિ. આ અલંકારવર્ગો પૈકી રસોક્તિરૂપ અલંકારવર્ગ શ્રેષ્ઠ છે. ભોજરાજ સંસૃષ્ટિ અલંકારનો ઘણો મહિમા કરે છે. સંસૃષ્ટિ વિવિધ અલંકારોના સંકરરૂપ હોય છે. એમાં ગુણ-અલંકાર, રસગુણ, રસ-અલંકારની સંસૃષ્ટિ પણ સમાવિષ્ટ છે. રૂપકાદિ અલંકારોની સંસૃષ્ટિ જ કાવ્યશરીરમાં રસાવિયોગ જન્માવે છે. ભોજરાજ વાક્યની જેમ જ પ્રબંધમાં પણ રસ, અલંકાર, ગુણ, આદિનો સંકર થઈ સંસૃષ્ટિ રચાતી માને છે. તેઓ પ્રબંધાલંકારોમાં મહાકાવ્યના નમસ્કારાદ્યુપક્રમત્વથી સાદ્યંત લક્ષણોનો સમાવેશ કરે છે. નાટ્યશાસ્ત્રીય વિગતો પણ પ્રબંધગત ઉભયાલંકારોમાં જ સમાવિષ્ટ થાય છે. ભોજરાજ શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર એમ ત્રણ પ્રકારો માને છે. આ ત્રણે પ્રકારો અનુક્રમે બાહ્ય, આભ્યંતર અને બાહ્યાભ્યંતર હોય છે. કાવ્યશરીરમાં વસ્ત્રાભૂષણાદિને સ્થાને જાતિ વગેરે શબ્દાલંકારો, દંતપરિકર્મ આદિને સ્થાને સ્વભાવ, આખ્યાન આદિ અર્થાલંકારો તથા સ્નાન, ધૂપ આદિને સ્થાને ઉપમાદિ ઉભયાલંકારો મનાયા છે. આમ ભોજરાજનું શબ્દાદિ વર્ગીકરણ કંઈક રૂઢિભંજક લાગે છે. તેઓ કાર્યકારણભાવાશ્રિત અન્વયવ્યતિરેક પદ્ધતિનો આશ્રય લઈ અલંકારોનું શબ્દાદિ વર્ગીકરણ આપે છે. ૧, વ્યુત્પત્તિ વડે શબ્દને અલંકૃત કરવા સમર્થ જાત્યાદિ ૨૪ શબ્દાલંકારો. ૨, શ્રુતિ અને ઇતિહાસ પર આધારિત વિશેષત : મહાપ્રબંધોને ઉપકૃત કરતા જાતિ, વિભાવના આદિ ૨૪ અર્થાલંકારો અને શબ્દવિશેષ દ્વારા વિશિષ્ટ અર્થની પ્રતીતિરૂપ ઉપમાદિ ઉભયાલંકારો છે. આ વર્ગોમાં શબ્દાલંકારો, અર્થાલંકારો અને ઉભયાલંકારો ઉત્તરોત્તર ચડિયાતા છે અને એ સર્વમાં નાનાલંકારસંકરરૂપ સંસૃષ્ટિ શ્રેષ્ઠ અલંકાર છે. મહિમ ભટ્ટ વર્ણ્યમાન વિગતની વિચિત્રભંગિથી કરાતી રજૂઆતને અલંકાર માને છે. આ રજૂઆત નાન્તરીયક રીતે (અપૃથગ્યત્નથી) થવી જોઈએ. વૈચિત્ર્યોક્તિરૂપ શરીરવાળા અલંકાર રસને આશ્રિત હોય છે. મમ્મટ રસના અભાવમાં અલંકારને કેવળ ઉક્તિવૈચિત્ર્યરૂપ રહી જતા માને છે. अलंकारને તેઓ ઉપમાદિ અલંકારવિશેષોના સીમિત અર્થમાં યોજે છે. લોકાતિશાયી કથનરૂપ અતિશયોક્તિ અલંકારત્વના મૂળમાં છે. શબ્દાર્થાલંકારો ચિત્ર-કાવ્યમાં અંતર્ભાવ પામે છે. કાવ્યમાં રસ હોય તો તેને શબ્દાર્થ-રૂપ અંગ દ્વારા ક્યારેક જ ઉપકૃત કરનારા ઉપમાદિ અલંકારો હારાદિ જેવા છે. આમ તે ક્યારેક રસને ઉપકારક થાય છે તો ક્યારેક નથી પણ થતા. રુય્યક, વિદ્યાધર, વિદ્યાનાથ અને વિશ્વનાથ अलंकारના સ્વરૂપ તથા સ્થાન વિશે કશો નૂતન અભિગમ લેતા નથી. રુય્યક अलंकारને કવિસમપિર્ત ધર્મો તો વિદ્યાચક્રવર્તી વિચ્છિત્તિ તરીકે ઓળખાવે છે. સર્જનવ્યાપાર અને ભાવનવ્યાપાર સંદર્ભે અલંકારનું સૂક્ષ્મ વિશ્લેષણ રુય્યકમાં જોવા મળે છે. જગન્નાથ अलंकारને વ્યંગ્યાર્થની રમણીયતાના પ્રયોજકો માને છે. તેમણે વાક્યાર્થની ઉપસ્કારકતાને અલંકારત્વનું નિયામક તત્ત્વ ગણ્યું છે. તેઓ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય એમ ત્રણે કક્ષાએ અલંકારનું અલંકારત્વ સ્વીકારે છે. તેઓ પર્યાયોક્તાદિ અલંકારોને ઉત્તમ કાવ્યમાં, ઉપમાદિ અર્થાલંકારોને મધ્યમ કાવ્યમાં અને અનુપ્રાસાદિ શબ્દાલંકારોને અધમ કાવ્યમાં અંતર્ભૂત કરી મમ્મટના અભિગમનું સંમાર્જન કરે છે. ભરત ઉપમા, રૂપક, યમક તથા દીપક એમ ચાર અલંકારો નિરૂપે છે. ભામહ ૩૮, દંડી ૩૭, ઉદ્ભટ ૩૯, વામન ૩૧, રુદ્રટ ૫૯, ભોજરાજ ૭૩, મમ્મટ ૬૭, રુય્યક ૭૮, શોભાકર ૧૦૩, જયદેવ ૮૭, વિશ્વનાથ ૮૨, અપ્પય દીક્ષિત ૧૧૯, જગન્નાથ ૭૦, વિશ્વેશ્વર ૧૧૮ અલંકારો માને છે. અલંકારોનું આ વર્ગીકરણ અન્વયવ્યતિરેક અને આશ્રયાશ્રયીભાવ એમ બે આધારો પર થયું છે. મમ્મટ અન્વયવ્યતિરેકભાવ તો રુય્યક આશ્રયાશ્રયીભાવનો અલંકારોના શબ્દાર્થરૂપ વર્ગવિભાજન માટે આધાર બનાવે છે. અલંકારોનાં વર્ગવિભાજનો વિવિધ દૃષ્ટિએ થયાં છે. ઉદ્ભટનું અલંકારોના ઉદ્ભવક્રમને આધારે છ વર્ગોરૂપ, ઐતિહાસિક વર્ગીકરણ, મમ્મટમાં શબ્દ-અર્થ-શબ્દાર્થરૂપ ત્રણ વર્ગોરૂપ શબ્દાદિમૂલ વર્ગીકરણ, રુદ્રટનું વાસ્તવ-ઔપમ્ય-અતિશય-શ્લેષરૂપ ચાર વર્ગોરૂપ વાસ્તવાદિમૂલ વર્ગીકરણ, રુય્યકનું યમક-ઉપમાદિ શુદ્ધ અને જુદા જુદા અલંકારોના મિશ્રણરૂપ સંસૃષ્ટિ-સંકરરૂપ મિશ્ર એમ શુદ્ધમિશ્રમૂલ વર્ગીકરણ રુય્યકનું પૌનરુક્ત્યસાદૃશ્ય-વિરોધ-શૃંખલા-ચિત્તવૃત્તિ-સંશ્લેષરૂપ દસ વર્ગોરૂપ વિચ્છિત્તિમૂલ વર્ગીકરણ (અપ્પય આ દસ ઉપરાંત પ્રમાણમૂલ અગિયારમો વર્ગ પણ કલ્પે છે) અને વિદ્યાનાથનું વસ્તુ-ઔપમ્ય રસભાવાદિની વ્યંજનાને આધારે અર્થાલંકારોને પ્રતીયમાન વસ્તુમૂલ, પ્રતીયમાનૌપમ્યમૂલ, પ્રતીયમાન રસાદિ અને અસ્ફુટ અર્થાલંકારો – એમ ચાર વર્ગોરૂપ પ્રતીયમાન અર્થમૂલ વર્ગવિભાજન મુખ્ય છે. અ.ઠા.