ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આઉટસાઈડર

From Ekatra Wiki
Revision as of 07:43, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આઉટસાઇડર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલી આલ્બેર કેમ્યૂની આ ફ્રેન્ચ નવલકથામાં અસંગત(absurd)ની દાર્શનિક પીઠિકા નવલકથાના માધ્યમ દ્વારા આલેખવામાં આવી છે. એનો નાયક મરસોલ સમગ્ર નવલકથામાં અલિપ્ત ભાવે વર્તે છે. પછી તે માતાની દફનક્રિયા તથા ઉત્તરક્રિયા હોય, માળામાં રહેતા માણસની મૈત્રી હોય કે સ્નાનાગારમાં મળી જતી યુવતી હોય. જીવનને નિષ્ક્રિય ભાવે જોવાના તેના વલણને પરિણામે એને હાથે, સાગરકાંઠે એક અરબની હત્યા થાય છે. સજાની રાહ જોતા તેને ધર્મ દ્વારા અપાતાં સમાધાનોને બદલે આકાશનું દર્શન અપાર સુખ આપે છે. આ નવલકથામાં પરંપરાગત અર્થમાં કોઈ નાયક નથી. તેનું મુખ્ય પાત્ર સારું નથી અને ખરાબ નથી, એ નીતિમાન નથી કે નીતિહીન પણ નથી, એ એબ્સર્ડ છે. કુટુંબ, શાસનવ્યવસ્થા અને ધર્મ આ ત્રણેય જોહુકમી સ્વીકારવા ન માગતો નાયક મરણને એકમાત્ર વાસ્તવિકતા માનીને ચાલે છે, માટે એને સમાજની માન્ય પરંપરાઓનો વિદ્રોહ કરવો પડે છે. આ વિદ્રોહ જ તેને સાચા એબ્સર્ડ નાયક તરીકે સ્થાપી આપે છે. નવલકથાની નિરૂપણ શૈલી સમથળ છે અને તેમાં વ્યર્થતાનો ભાવ ઊપસી આવે છે. નવલકથાના એબ્સર્ડ નાયકના જીવનની અન્-અર્થકતા (absurdity) દ્વારા માનવમાત્રના જીવનની અન્-અર્થકતા પ્રગટ થાય છે. બિ.પ.