ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગદ્યપર્વ

From Ekatra Wiki
Revision as of 12:59, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગદ્યપર્વઃ''' </span}} ૧૯૮૮થી ૨૦૦૮ સુધી ભરત નાયક અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગદ્યપર્વઃ </span}} ૧૯૮૮થી ૨૦૦૮ સુધી ભરત નાયક અને ગીતા નાયકના સંપાદકપદે, લેખનનો ઉદ્યમ આરંભવા પ્રકાશિત થયેલું કેવળ ગદ્યનું ત્રૈમાસિક. આધુનિક પરંપરાનો વિસ્તાર કરવાનું એનું પ્રયોજન હતું. એક બાજુએ અનુઆધુનિક વલણો અને બીજી બાજુએ દેશીવાદનો પુરસ્કાર એ ‘ગદ્યપર્વ’ના અંકોમાં જોવા મળે છે. નવી વાર્તાઓને સત્કારવાનું કામ આ સામયિકે કર્યું છે. પરિણામે આધુનિકો અને નવી પેઢીના અનેક વાર્તાકારો અહીં જોવા મળે છે. તળપદા ગદ્યની છટાઓ અને વિવિધ ગદ્યલેખન અહીં જે સર્જકો પાસેથી મળ્યું છે એમાંના કેટલાક સર્જકોએ અગાઉ ક્યારેય લખ્યું ન હોય એવું પણ બન્યું છે. શંકરભાઈ તડવી અને એવા અસંખ્ય ગાયકો, તેમજ લોકમાં રહેલી ધાર્મિક પરંપરાઓનું અંકન કરવાનો પ્રયત્ન કાનજી પટેલના સંપાદનગાળામાં થયો હતો. કિરીટ દૂધાત, મણિલાલ હ. પટેલ, બિપિન પટેલ, અજિત ઠાકોર, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ જેવાં અનેક નવસર્જકોને અહીં જગા મળી છે. નિબંધો, વાર્તા, નવલકથા અને નાટકમાં આ સામયિકે નોંધપાત્ર કૃતિઓનું પ્રકાશન કર્યું છે એ સંદર્ભમાં પણ એ યાદ કરાશે. બાબુ સુથારની નવલકથા ‘કાચંડો અને દર્પણ’, તથા ભૂપેન ખખ્ખરનું ‘મોજીલા મણિલાલ’, ભરત નાયકનું ‘મેરાંદે’, ઉત્તમ ગડાનું ‘શિરચ્છેદ’, મિહિર ભૂતાનું ‘ચાણક્ય’, સિતાંશુ યશશ્ચંદ્રનું ‘કેમ, મકનજી ક્યાં ચાલ્યા?’ જેવી નાટ્યકૃતિઓ અહીં પ્રગટ થઈ છે તો અજય સરવૈયાની લઘુનવલ ‘નાભિ’, હિમાંશી શેલતની ‘અસ્તિ, ગર્ભગાથા’ અને કાનજી પટેલની ‘આદિ’ જેવી કૃતિઓ પણ અહીં મળે છે. પ્રયોગશીલ અને ગુણવત્તાસભર ગદ્યકૃતિઓ ઉપરાંત વીરચંદ ધરમશીએ આપણી પરંપરાનાં જૂનાં સામયિકોમાંથી એકઠી કરેલી વિશિષ્ટ કૃતિઓનું પુનઃપ્રકાશન કરાયું છે. મુખપૃષ્ઠ પરનાં પ્રસિદ્ધ ચિત્રકારોનાં ચિત્રો આધુનિક-અનુઆધુનિક ચિત્રકલાનું નિદર્શન આપે છે. ગદ્યપર્વે કરેલા મરાઠી, ભારતીય વાર્તાના વિશેષાંકો, નારી વિશેષાંક, સુરેશ જોષી વિશેષાંકો મહત્ત્વના છે. એમણે કરેલા નવલકથા, નાટકના વિશેષાંકો ધ્યાન ખેંચનારા હતા. કિ.વ્યા.