ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિસંપ્રદાય

From Ekatra Wiki
Revision as of 12:31, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધ્વનિસંપ્રદાય : આચાર્ય આનંદવર્ધન ધ્વનિસંપ્રદાયના મહાન પ્રવર્તક છે. તેમનો સમય આશરે નવમી સદી છે. ધ્વનિવિરોધી કોઈ મનોરથકવિ પણ આનંદવર્ધનના સમકાલીન છે. એમનો શ્લોક સ્વયં આનંદવર્ધન ઉદ્ધરે છે. એટલે નવમી સદીમાં ખાસ કરીને કાશ્મીરમાં ધ્વનિસંપ્રદાયનો ઉદય થઈ ચૂક્યો હતો. પરંતુ તે પૂર્વે ધ્વનિ-પ્રતીયમાનાર્થ-વ્યંગ્યાર્થની(અલબત્ત, તેવા સ્પષ્ટ નામોલ્લેખ વગર) વિચારણાનો આરંભ તો થઈ ચૂક્યો હતો. ‘ધ્વન્યાલોક’ની સંગ્રહકારિકાઓ અવલોકતાં લાગે છે અને અભિનવગુપ્ત કહે છે તેમ કોઈ વિશિષ્ટ પુસ્તકમાં વિનિવેશ કર્યા વગર જ મૌખિક રીતે જ પહેલાં આ પરંપરા પ્રચલિત હતી. પૂર્વા ચાર્યોમાં આપણને સ્પષ્ટ રીતે ધ્વનિ કે વ્યંજના એવા શબ્દો મળતા નથી. ભામહ, ભટ્ટોદ્ભટ વગેરે ગુણવૃત્તિરૂપ લક્ષણાવ્યાપાર સ્વીકારતા હતા, વામને પણ સાદૃશ્ય દ્વારા થતી લક્ષણાને વક્રોક્તિ કહીને અછડતો સ્પર્શ કર્યો. આમ માત્ર ધ્વનિની દિશાનો તેમણે નિર્દેશ કર્યો. આવું તો રુય્યક અને જગન્નાથ પણ કહે છે, કે ચિરંતન આલંકારિકોએ પ્રતીયમાનાર્થને વાચ્યાર્થના ઉપસ્કાર રૂપે અલંકારના પ્રાન્તમાં રહેલો જ માન્યો છે. ધ્વનિવાદીઓ તો એની પ્રાચીનતા માટે ઋગ્વેદથી માંડી મહાભારત, રામાયણ વગેરે સર્વ કાવ્યોનાં ઉદ્ધરણો આપે છે. પરંતુ જેમ શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ ઉપનિષદોમાં જણાય છે. એમ કહેવું તે એક વાત થઈ અને ઉપનિષદો શંકરાચાર્યનો જ કેવલાદ્વૈતવાદ પ્રબોધે છે એમ કહેવું તે બીજી વીગત થઈ. એકમાંથી બીજી વીગત નિષ્પન્ન થતી નથી તેથી ‘પ્રધાન રીતે વ્યંજિત થતો પ્રતીયમાનાર્થ’ એ અર્થમાં ધ્વનિને પ્રાચીન કવિઓ અને આલંકારિકો જાણતા હતા, તો બરાબર છે, પરંતુ તેને વ્યંજનાગ્રાહ્ય જાણ્યા છતાં જાણીજોઈને લક્ષણામાં સમાવિષ્ટ કર્યો તેમ કહેવું-માનવું સ્વીકાર્ય નથી. પૂર્વાચાર્યોએ લક્ષણાના વિવર્ત રૂપે પ્રતીયમાનાર્થનો સમાસોક્તિ, આક્ષેપ, અપ્રસ્તુતપ્રશંસા, પર્યાયોક્ત વગેરે અનેક અલંકારોમાં સમાવેશ કરેલો. પરંતુ આ તત્ત્વને વ્યંજનાવ્યાપાર દ્વારા જ ગૃહિત થતું ધ્વનિવાદીઓએ સિદ્ધ કર્યું. આ કાર્યનું (ધ્વનિનું) સૈદ્ધાન્તિક અને વ્યવહારિક સ્વરૂપ આનંદવર્ધને સૌપ્રથમ સહૃદયોની પ્રીત્યર્થે સ્પષ્ટ કર્યું એટલે આપણે એમને ‘પ્રસ્થાપક’ અને કદાચ પ્રથમ મહાન સમર્થક તરીકે લેખી શકીએ. ચાર ઉદ્યોતમાં વિભાજિત ‘ધ્વન્યાલોક’માં ધ્વનિનું સ્વરૂપ, પ્રકારો, તમામ ધ્વનિવિરોધોને પરાસ્ત કરીને ‘કાવ્યાત્મા’ તરીકે ધ્વનિનું પ્રસ્થાપન કર્યું છે અને કવિઓને કિંચિત્ માર્ગદર્શન આપ્યું છે. આ આકરગ્રન્થ કારિકા, વૃત્તિ, પરિકરશ્લોકો અને ઉદાહરણોથી સમૃદ્ધ છે. ધ્વનિસંપ્રદાયને વૈયાકરણો પાસેથી પ્રેરણા મળી છે. ‘ધ્વનિ’ એવી સંજ્ઞા વૈયાકરણોના સ્ફોટને આધારે નિશ્ચિત થઈ છે. ૧, શબ્દ ૨, અર્થ ૩, વ્યંગ્ય અર્થ ૪, ધ્વનનવ્યાપાર અને આ ચારના સમુદાયરૂપ ૫, કાવ્ય તે પણ ધ્વનિકાવ્ય – એમ પાંચેય ‘ધ્વનિ’ તરીકે ઓળખાય છે. (ध्वनतीति ध्वनि :, ध्वन्यन्त इति ध्वनि અને ध्वननं ध्वनि : – આ વ્યુત્પત્તિ પ્રમાણે) આ સિવાય ધ્વનિ પ્રતીયમાન, વ્યંજક, દ્યોતક વગેરે અનેક નામે ઓળખાય છે. ધ્વનિસંપ્રદાયોના મુખ્ય પ્રસ્થાપનો અને પ્રદાનો જોઈએ : ૧, અભાવવાદી, લક્ષણામાં ધ્વનિનો અંતર્ભાવ કરનારા અંતર્ભાવવાદી અને ધ્વનિને અનાખ્યેય માનનારા તેને વાણીનો વિષય નહીં સ્વીકારનારા – આ ત્રણ પ્રકારના અભાવવાદીઓનું ખંડન કરીને કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ સિદ્ધ કર્યું. ધ્વનિ એટલે ત્રિરૂપધ્વનિ – વસ્તુ, અલંકાર અને રસ. ‘લોચન’કાર વિશેષમાં કહે છે તેમ વસ્તુત : તો ‘રસધ્વનિ’ જ કાવ્યનો આત્મા છે. કારણકે વસ્તુ અને અલંકારધ્વનિ અંતે તો ‘રસધ્વનિ’માં પર્યવસાન પામે છે. ૨, ધ્વનિનો અભાવ નથી કારણ કે મહાકવિઓના પ્રબન્ધમાં તે જોવા મળે છે વળી, પ્રસિદ્ધપ્રસ્થાન-ગુણાલંકારથી તે જુદો છે, ધ્વનિનો વિષય વ્યાપક છે, પર્યાયોક્તિ, સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ શક્ય નથી, હા ધ્વનિમાં તેમનો થઈ શકે. અભિધા અને લક્ષણા બન્નેથી પ્રતીયમાનાર્થ જુદો છે. બન્ને વચ્ચે સ્વરૂપ અને વિષયભેદ રહેલા છે તેથી વ્યંજના નામની સ્વતંત્ર શક્તિ સ્વીકારવી જ રહી. ધ્વનિની વ્યાખ્યા કરવી શક્ય છે એટલે એ અનાખ્યેય પણ નથી. ૩, ધ્વન્યર્થ કે વ્યંગ્યર્થ વ્યંજનાવ્યાપારના પ્રચલનથી જ આવે છે. લક્ષણાનું જે પ્રયોજન છે તે વ્યંજનાથી જ આવે છે. અભિધા અને લક્ષણા બન્ને પર આધારિત હોવા છતાં વ્યંજનાવ્યાપાર વિલક્ષણ છે, કારણકે અભિધા અને લક્ષણા કરતાં તેનું ક્ષેત્ર સંગીતના સ્વર, નૃત્ય વગેરેમાં પણ છે. ૪, ત્રિરૂપધ્વનિમાં શ્રેષ્ઠ એવો રસધ્વનિ ક્યારેય સ્વશબ્દવાચ્ય થતો નથી. ૫, કાવ્યના મુખ્ય બે પ્રકારો છે : ધ્વનિકાવ્ય અને ગુણીભૂતવ્યંગ્યકાવ્ય. ચિત્ર તો કાવ્યાનુકાર જ કહેવાય – અણઘડ રસોઇયાએ બનાવેલી રસોઈ જેવો (-લોચનકાર) – પાછળથી આ ભેદો ઉત્તમ-મધ્યમ અને અધમ તરીકે પ્રસ્થાપિત થયા છે. ૬, ધ્વનિના પછી આનંદવર્ધને કાવ્યનાં અન્ય તત્ત્વોનો અનાદર ન કરતાં તે સઘળાં, જેવાં કે રીતિ, વૃત્તિ, ગુણ, અલંકાર, સંઘટના-નું તેમના સર્વાશ્લેષી સિદ્ધાન્ત – ‘રસધ્વનિવ્યંજના’માં સમાયોજન સાધ્યું. આમાંથી ગુણને રસના ધર્મોનું સ્થાન મળ્યું અને સમ્યક્ પ્રયુક્ત અલંકારને અંતરંગત્વનું જ સ્થાન મળ્યું. અપૃથગ્યત્નનિર્વર્ત્ય અનાયાસે પ્રવૃત્ત થતો અલંકાર ધ્વનિમાર્ગમાં બહિરંગ બની જતો નથી એ મહત્ત્વનું પ્રતિપાદન કર્યું. ૭, સૈદ્ધાન્તિક પ્રયોગોની સુસ્પષ્ટતા નોંધપાત્ર છે. અત્યાર સુધી પૂર્વાચાર્યો ‘અલંકાર’ શબ્દનો વ્યાપક અર્થ કરીને કાવ્યના ગુણ, વૃત્તિ, રીતિ, શબ્દાર્થના અલંકાર અને રસ સુધ્ધાં. ‘અલંકાર’માં કાવ્યસૌન્દર્યમાં સમાવતા કે સકળ તત્ત્વોને ‘અલંકાર’ની વ્યાપક પરિસીમામાં બાંધી લેતા. ધ્વનિસિદ્ધાંત સ્થપાતાં આ ભેળસેળ દૂર થઈ ગઈ. અને હવે ‘અલંકાર’ શબ્દનો સીમિત અર્થ જ પ્રયોજાવા લાગ્યો અને કાવ્યસૌન્દર્ય કિંવા કાવ્યના આત્માનું કહો કે ‘અલંકાર્ય’નું સ્થાન ‘ધ્વનિ’ (=રસધ્વનિ)એ લીધું પછી આ દૃષ્ટિએ બધી પરિભાષાઓ નિયત થઈ. ૮, રસવત્ અલંકાર વિષે તદ્દન નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો. પૂર્વાચાર્યો પ્રધાન રસને પણ અલંકાર માનતા, જ્યારે ધ્વનિસંપ્રદાયમાં પ્રધાન રસ ‘અલંકાર્ય’ના સ્થાને બિરાજે છે અને તે જો કોઈ અન્ય પ્રધાન વાક્યાર્થને વિષે ગૌણ બન્યો હોય અથવા અન્ય રસાદિ વિષે ગુણીભૂત બન્યો હોય તો રસવત્ વગેરે અલંકારની સંજ્ઞા ધારણ કરે છે. ૯, અસમાસા, મધ્યમસમાસા અને દીર્ઘસમાસા ત્રિવિધ સંઘટનાનું ધ્વનિપથ પ્રમાણે અત્યંત સુરેખ નિરૂપણ થયું. ૧૦, રસવિરોધ અને તેના ઉપાયોનું દિશાસૂચન મળ્યું. ૧૧, આલંકારિકો, નૈયાયિકો, વૈયાકરણો, મીમાંસકો અને વેદાન્તીઓ – સૌ કોઈને માટે વ્યંજનાની ઉપયોગિતાની સિદ્ધિ મહત્ત્વની બની. ૧૨, કવિપ્રતિભા, કાવ્યચૌર્ય, સહૃદયતા વગેરેનું નવીન અર્થઘટન થયું. ૧૩, કવિ પોતાનું પ્રયોજન વ્યંગ્ય શબ્દાર્થો દ્વારા રસિકસહૃદયના હૃદયમાં સંક્રાન્ત કરે છે. સહૃદયની પણ યોગ્યતા હોવી જોઈએ. બુદ્ધિની નિર્મળતા અને વૈદગ્ધ્ય આ બે ગુણો આવશ્યક છે. આમ વ્યંજના કવિસહૃદયગત અખંડાનુભવરૂપવ્યાપાર છે; આ પણ આ સંપ્રદાયનું વિશિષ્ટ પ્રતિપાદન છે. આ સંપ્રદાયને વિશેષ વિકસિત કરનારા, આનંદવર્ધનના ટીકાકાર અભિનવગુપ્ત હતા. ‘લોચન’નું સ્થાન વેદાન્તના શાંકરભાષ્ય જેવું છે. અભિનવગુપ્તના પૂર્વજે ‘ધ્વન્યાલોક’ પર ‘ચન્દ્રિકા’ ટીકા (હાલ અનુપલબ્ધ) પણ રચી હતી. ભટ્ટનાયક આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્તના વિરોધી હતા. ધ્વનિનું ખંડન કરી તેમણે વ્યંજનાને બદલે ભાવકત્વ-ભોજકત્વવ્યાપાર સ્વીકાર્યો. અભિનવગુપ્તે ભટ્ટનાયકના મતનું ખંડન કરી પુન : આનંદવર્ધનના મતની પ્રતિષ્ઠા કરી. આમ છતાં કુંતકે ચીલો ચાતરીને વિચિત્રા અભિધા પ્રસ્થાપી અને વકોક્તિસિદ્ધાન્તની સ્થાપના કરી. પરંતુ તેમનો સંપ્રદાય તેમની સાથે જ અસ્ત પામ્યો. મહિમભટ્ટે પણ વ્યંજનાનું ખંડન કર્યું અને અનુમિતિવાદની સ્થાપના કરી. આમ દસમી સદીમાં આ સંપ્રદાય સામે સારો એવો વિરોધ થયો. પરંતુ આચાર્ય મમ્મટે ધ્વનિનું દૃઢપણે પુન :સ્થાપન કર્યું. તેઓ ‘ધ્વનિપ્રસ્થાપક પરમાચાર્ય’નું બિરુદ પામ્યા. ‘કાવ્યપ્રકાશ’માં તેમણે ધ્વનિના તમામ વિરોધીઓ મીમાંસકો, વેદાન્તીઓ અને નૈયાયિકો સૌ કોઈને પરાસ્ત કરી ધ્વનિસંપ્રદાયને તેની ચરમ સીમાએ પહોંચાડ્યો. એ તેમનું બહુ મોટું પ્રદાન છે. લાઘવથી પૂર્વપક્ષનું નિરસન કરી સિદ્ધાન્તપક્ષનું ઉચિત સ્થાપન એ આ ગ્રન્થની વિશેષતા છે. ધ્વનિની આ પુન :સ્થાપના પછી પાછળથી જે કંઈ પરિવર્તનો થયાં તે કેવળ વિવરણ(detail)ના વિષયમાં જ છે એમ કહી શકાય. મમ્મટ પછી રુય્યકે ભલે અલંકારોનો ગ્રન્થ રચ્યો પણ તેઓ ધ્વનિવાદી જ હતા. કાવ્યપ્રકાશની ‘સંકેત’ ટીકામાં તેમણે વારંવાર ધ્વનિસંપ્રદાયનું સમર્થન કર્યું છે. ગુજરાતના જૈનાચાર્ય હેમચન્દ્ર પણ ધ્વનિસંપ્રદાયના પ્રબળ સમર્થક રહ્યા. ‘કાવ્યાનુશાસન’માં તેમણે મમ્મટને અનુસરીને ધ્વનિવાદનું સમર્થન કર્યું છે. બીજા જૈનાચાર્યો નરેન્દ્રપ્રભસૂરિ અને વિદ્યાધર-વિદ્યાનાથ પણ ધ્વનિવાદી હતા. ‘કાવ્યપ્રકાશ’ પછી ‘સાહિત્યદર્પણ’નું મહત્ત્વ છે. ‘રસાત્મક વાક્ય એ જ કાવ્ય’ એમ કહી વિશ્વનાથે પુન : રસધ્વનિની પ્રતિષ્ઠા કરી છે. સત્તરમી શતાબ્દીના અતિમહત્ત્વના અને અંતિમ ધ્વનિવાદી આલંકારિક જગન્નાથે પણ આ સંપ્રદાયને આગળ વધાર્યો. ‘રસગંગાધર’માં પાંડિત્ય અને વૈદગ્ધ્યનો અપૂર્વ સમન્વય છે. ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’ અને ‘રસગંગાધર’ પ્રસ્થાનત્રયીની ગરજ સારે છે. જગન્નાથે ધ્વનિસંપ્રદાયને નવું પરિમાણ આપ્યું છે. કાવ્યના એમણે ચાર પ્રકારો કહ્યા. પ્રતિભા, વ્યંગ્યાર્થ, ગુણવિચાર, રસધ્વનિ, ભાવધ્વનિ – પ્રત્યેકમાં તેમણે નવીન પ્રદાન કર્યું છે. પા.માં.