ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવનીત-સમર્પણ

From Ekatra Wiki
Revision as of 14:09, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નવનીત-સમર્પણ'''</span> : ભારતીય વિદ્યાભવન દ્વારા પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવનીત-સમર્પણ : ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત પાક્ષિક ‘સમર્પણ’(૧૯૫૯) તથા ગુજરાતી ડાઇજેસ્ટ તરીકે પ્રગટ થતા માસિક ‘નવનીત’(૧૯૬૨)નો ૧૯૮૦માં થયેલો સમન્વિત દ્વિજાવતાર. કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનના મુખપત્ર તરીકે શરૂ કરેલા ‘સમર્પણે’ તેના, કુલપતિના પત્રો, સાંસ્કૃતિક ચિંતન કરતા નિબંધો તથા કવિતા અને ટૂંકી વાર્તાથી પોતાનો આગવો વાચકવર્ગ ઊભો કર્યો હતો. ગોપાલદાસ નેવટિયાએ અંગ્રેજી સામયિક રીડર્સ ડાઇજેસ્ટને લક્ષ્યમાં રાખીને પ્રકાશિત કરેલા નવનીતે તેના વિવિધ રસરુચિ ધરાવતા વાચકોને સંતોષતા વિષયવૈવિધ્ય તથા વિશિષ્ટ પરિપાટી સર્જનારા દીપોત્સવી વિશેષાંકોથી વિવિધ વિષયલક્ષી માસિકની ખોટ પૂરી હતી. ૧૯૮૦માં થયેલા બન્ને સામયિકોના સંમિલિત દ્વિજાવતાર પછી નવનીત-સમર્પણે પૂર્વેનાં બન્ને સામયિકોની લાક્ષણિકતાઓને જાળવી રાખીને તેમજ કૃષિવિદ્યા, આરોગ્ય, જ્ઞાન–વિજ્ઞાન, બાલસાહિત્ય, અનૂદિત સાહિત્ય જેવી વિષયસામગ્રી ઉમેરીને ઉત્તરોત્તર લોકપ્રિયતા હાંસલ કરી છે. હરીન્દ્ર દવે, કુન્દનિકા કાપડિયા, ઘનશ્યામ દેસાઈ અને હાલ દીપક દોશી જેવા સંપાદકોની સેવા પામેલું આ સામયિક તેના પરંપરિત તેમજ દીપોત્સવી અંકોમાંની કવિતા, ટૂંકી વાર્તા તથા સમાજચિંતકો અને હાસ્યલેખકોને પ્રશ્નો પૂછીને મેળવાતા ઉત્તરો–જેવા સ્થાયી-અસ્થાયી સ્થંભરૂપે અપાતી સામગ્રીથી વિશાળ વાચકવર્ગનાં રસરુચિ સંતોષી રહ્યું છે. ર.ર.દ.