ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાવિજ્ઞાન

From Ekatra Wiki
Revision as of 15:26, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાષાવિજ્ઞાન(Linguistics)'''</span> : ભાષાવિજ્ઞાન ભાષા વિશે વૈજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાષાવિજ્ઞાન(Linguistics) : ભાષાવિજ્ઞાન ભાષા વિશે વૈજ્ઞાનિક અભ્યાસ આપે છે. ભાષાવિષયક અધ્યયન ઠેઠ પ્રાચીનમધ્યકાલીન યુગથી મળે છે. આ ગાળામાં ભાષાવિષયક વિચારણા દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, સાહિત્યિક વિવેચના, અલંકારશાસ્ત્ર, ભાષાશિક્ષણપદ્ધતિ વગેરે વિષયો સાથે સંકળાયેલી હતી. આ બધાં શાસ્ત્રો ભાષાને વિચાર, અનુભવ, ભાવના વગેરે વ્યક્ત કરવાના એક પ્રભાવશાળી સાધન તરીકે – પ્રમાણે છે. પરંતુ ભાષાનું સ્વત : એક આગવું અસ્તિત્વ છે, તેનું પોતાનું સ્વાયત્ત સ્વરૂપ, બંધારણ છે, તેનો વિચાર જ ભાષાઅધ્યયનમાં અંતર્ભૂત હોવો જોઈએ એટલેકે ભાષાનો એક સાધન તરીકે નહીં પણ સાધ્ય તરીકે અભ્યાસ કરવો એ ભાષાવિજ્ઞાનનું લક્ષ્ય છે. ભાષાવિજ્ઞાનમાં ભાષા પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ જરા જુદો હોય છે. તેમાં દરેક ભાષાનો દરજ્જો એકસરખો હોય છે. કોઈ ભાષા ઉચ્ચ કે નીચ, સારી કે ખરાબ, શુદ્ધ કે અશુદ્ધ નથી હોતી. માત્ર નોખી નોખી હોય છે. કોઈપણ પ્રાકૃતિક ભાષાના બંધારણ, સ્વરૂપ, વિકાસાદિનું વર્ણન કરવું એ ભાષાવિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉદ્દેશ અનુભવનિષ્ઠ છે. એ પાર પાડવા ચકાસી અને પુરવાર કરી શકાય એવી કાર્યપદ્ધતિઓ વાપરવામાં આવે છે. આ ઉદ્દેશ માત્ર વ્યક્તિગત-એકલદોકલ ભાષાના વર્ણનની ભાત રજૂ કરવા પૂરતો મર્યાદિત નથી હોતો, પરંતુ બધી જ ભાષામાં સામાન્ય અને સાર્વત્રિક હોય એવાં વ્યાપક તત્ત્વોની ખોજ કરવા સુધી તે વિસ્તરે છે. એના નિષ્કર્ષો સ્પષ્ટ, તર્કબદ્ધ અને વસ્તુનિષ્ઠ હોય છે. આ અર્થમાં ભાષાનો અભ્યાસ વૈજ્ઞાનિક છે.

આ જાતના અભ્યાસની શરૂઆત છેલ્લાં દોઢસોએક વર્ષથી થઈ છે. ખાસ કરીને પાશ્ચાત્ય વિદ્વાનોએ સંસ્કૃતના અભ્યાસની શરૂઆત કરી ત્યારથી સર વિલિયમ્સ જોન્સે (૧૭૮૬માં) સંસ્કૃતનું સામ્ય ગ્રીક અને લેટિન સાથે જોયું ત્યારથી ઐતિહાસિક-તુલનાત્મક ભાષાવિજ્ઞાનનાં મંડાણ થયાં. રાસ્મુસ રાસ્ક, ફ્રાંઝ બોપ, યાકોબ ગ્રિમ તથા ‘નવ્ય વૈયાકરણીઓ’ તરીકે જાણીતા થયેલા અનેક વિદ્વાનોના તુલનાત્મક અભ્યાસો દ્વારા આદિમ મૂળ ભાષાનું પુનર્ઘડતર કરવામાં આવ્યું તથા જગતની ભાષાઓને વિવિધ ભાષાકીય કુળોમાં વિભાજિત કરીને ભાષાનું પારંપરિક વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું. તો બીજી બાજુ ભાષાઓની વિવિધ પ્રકૃતિનો અભ્યાસ કરી શ્લેગલ, સપિર ગ્રીનબર્ગ જેવા વિદ્વાનોએ ભાષાઓનું પ્રાકૃતિક વર્ગીકરણ રજૂ કર્યું. ઓગણીસમી સદીનો આ સમગ્ર અભ્યાસ લેખિત પુરાવા પર આધારિત હતો અને શિષ્ટભાષા પૂરતો મર્યાદિત હતો. જીવંત ભાષાનો અભ્યાસ તો બોલીનકશા અને બોલીઓના સર્વેક્ષણ પૂરતો સીમિત રહ્યો. 

વીસમી સદીમાં ફેર્દિનાં દ સોસ્યુરે (૧૯૧૬માં) જનિવામાં ભાષાના સંરચનાત્મક અભ્યાસનો પાયો નાંખ્યો. તેમણે ભાષાને સંકેતોની વ્યવસ્થા તરીકે ઓળખાવી. ભાષા અને વાણી ગણનિષ્ઠ અને ક્રમનિષ્ઠ સંબંધ, સંકેતક અને સંકેતિત, તેમજ એકકાલિક અને દ્વૈકાલિક અભ્યાસ – એવા પાયાના ચાર વિરોધો ભાષાના અભ્યાસ માટે રજૂ કર્યા. સોસ્યુરની પ્રબળ અસર નીચે રોમન યાકોબ્સન અને નિકોલસ ત્રુબેત્સ્કોયે વિકસાવેલા પ્રાહ સંપ્રદાયે ભાષાના અભ્યાસ માટે કાર્યકારી (functional) અભિગમ અપનાવીને, ધ્વનિશાસ્ત્રીય પૃથક્કરણ માટે ‘વિરોધ’ (contrast) પર આધારિત એવું વિસ્તૃત પ્રતિમાન રજૂ કર્યું, તો કોપનહેગન સંપ્રદાયના લૂઈસ હદ્યેમ્સ્લેવે ગ્લોસેમેટિક – શુદ્ધ રૂપવાદી વલણ અપનાવીને ‘અભિવ્યક્તિ’ અને ‘આશય’ બંનેના ‘રૂપ’ અને ‘દ્રવ્યભાર’ એવા ભેદ પાડીને ભાષાનાં રૂપાત્મક લક્ષણોનો અભ્યાસ કર્યો. ૧૯૨૦-૩૦ના ગાળામાં અમેરિકામાં સંરચનાવાદી સંપ્રદાય વિકસ્યો. ફ્રાન્ઝ બોઅસ અને તેના વિદ્યાર્થી એડવર્ડ સપિર અને લિઓનાર્ડ બ્લૂનફીલ્ડે ભાષાને વિજ્ઞાનની કોટિમાં પ્રસ્થાપિત કરી. ભાષાનું વિશ્લેષણ, વર્ગીકરણ અને પ્રસ્તુતીકરણ વૈજ્ઞાનિક ઢબે કરવા તેમણે ચુસ્ત કાર્યપદ્ધતિઓ અપનાવી. આ અભિગમ ભાષાનું તેના ધ્વનિઓ, રૂપો અને વાક્યો એવાં એકમોમાં વિભાજન કરી ધ્વનિશાસ્ત્ર, રૂપશાસ્ત્ર અને વાક્યવિન્યાસશાસ્ત્ર – એવા સ્તરે પૃથ્થકરણ કરી તેનું વિગતે વર્ણન રજૂ કરે છે. અલબત્ત, આ પદ્ધતિ પ્રમાણે કરાતા વિશ્લેષણમાં ‘અર્થ’નો કોઈ સંબંધ ન સ્થપાયો. અને તેને વર્તનવાદી અને પ્રત્યક્ષવાદીની છાપ મળી. આ વર્ણનાત્મક ભાષાશાસ્ત્રમાં કેનિથ પાઈકે રજૂ કરેલું ટેમિમિક પ્રતિમાન તથા સિડની લેમ્બનું સ્ટ્રેટિફિકેશનલ પ્રતિમાન જાણીતાં છે. જે. આર. ફર્થની રાહબરી નીચે વિકસેલા લંડન સંપ્રદાયે (૧૯૪૪-’૫૬) અમેરિકન સંપ્રદાયની વિરુદ્ધ ‘અર્થ’ને પણ માન્યતા આપીને ભાષાને એક ‘સાર્થક’ ક્રિયા તરીકે ઓળખાવી. ભાષાના અભ્યાસ માટે માઈકલ હેલિડે એ રજૂ કરેલું કેટેગરીનું અને પાછળથી સંશોધિત કરેલું સિસ્ટેમેટિક પ્રતિમાન જાણીતું છે. રોમન યાકોબ્સન અને આન્દ્રે માર્તિન જેવા વિદ્વાનોનાં કાર્યે અમેરિકન અને યુરોપિયન સંપ્રદાય વચ્ચેના અવકાશને પૂરવા સેતુરૂપ કાર્ય કર્યું.

સંરચનાવાદી અભિગમની મર્યાદાઓ છતી કરીને ઝેલિંગ હેરિસે(૧૯૫૨)માં ભાષાકીય એકમોના ભૌતિક ગુણધર્મો અને વિતરણ પર આધારિત વાક્ય પૃથક્કરણની રૂપાત્મક (formal) પદ્ધતિ વિકસાવી. તેને અનુસરીને નોઅમ ચોમ્સ્કીએ (૧૯૫૭ અને ૧૯૬૫માં) રૂપાન્તરણીય – પ્રજનનીય વ્યાકરણનું મોડેલ રજૂ કર્યું, જેમાં ભાષાનાં શક્ય એવાં બધાં જ વાક્યોનો અભ્યાસ કેન્દ્રસ્થાને રહ્યો, ભાષાપ્રાપ્તિ સાથે ચિત્તનો સંબંધ જોડવામાં આવ્યો. તથા ભાષાનાં સપાટી પરનાં બાહ્ય તથા આંતરિક એવા બે સ્તરો રજૂ કરવામાં આવ્યા. દુનિયાની બધી જ ભાષા તેના આંતરિક સ્તરે એકસરખી જ હોય છે એવું પ્રસ્થાપિત કરીને ભાષાની સાર્વત્રિક સંરચનાની શોધને મુખ્ય લક્ષ્ય બનાવી. તે માટે ભાષકની નવાં નવાં વાક્યો બનાવવાની સર્ગશક્તિને ધ્યાનમાં લઈને ભાષાપ્રયોગ (performance) નહીં પણ ભાષા સામર્થ્ય (competence) પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પૃથક્કરણ માટે નિતાંત, ગણિતીય, તર્કસંગત પદ્ધતિ અપનાવવામાં આવી. આ પ્રતિમાન શબ્દાર્થવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાનને પણ લાગુ પાડવામાં આવ્યું. આ પ્રતિમાનથી ભાષાવિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ આવી. ચોમ્સ્કી અવારનવાર પોતાના પ્રતિમાનને પરિષ્કૃત કરતા જ રહ્યા છે. તાજેતરમાં (૧૯૮૧૮૨માં) તેમણે ગવર્મેન્ટ અને બાઈન્ડિંગનું પ્રતિમાન વિકસાવ્યું છે. 
તદુપરાંત રીલેશનલ વ્યાકરણનું તથા પાઉલ પોસ્ટલ અને પર્લમુટેર (૧૯૮૫-૮૬) વિકસાવેલું આર્ક-પેયર (૪૯ pair)નું પ્રતિમાન પણ વિકસ્યું છે. ચાર્લ્સ ફિલમોરે ભાષાના અભ્યાસ માટે ‘કારક વ્યાકરણ’નું પ્રતિમાન રજૂ કર્યું છે. આમ વીસમી સદીમાં બ્રિટન, અમેરિકા, સ્કેન્ડિનેવિયામાં ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાન્તો, ટેકનિક, તંત્ર વગેરેમાં અત્યંત ઝડપી વિકાસ થયો છે. તથા ભાષાવિજ્ઞાનની, મનોભાષાવિજ્ઞાન, સામાજિક ભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાનપરક ભાષાવિજ્ઞાન, માનવજાતીય (Ethno) ભાષાવિજ્ઞાન, જ્ઞાનતંતુસંબંધી (Neuro) ભાષાવિજ્ઞાન, ગણિતીય ભાષાવિજ્ઞાન, પ્રાયોગિક ધ્વનિવિજ્ઞાન, કમ્યુટેશનલ ભાષાવિજ્ઞાન, ભાષાશિક્ષણ-પદ્ધતિ, યાંત્રિક અનુવાદ જેવી અનેક શાખાઓ વિકસી છે. 

ઊ.દે.