ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધિ
સંધિ : સંસ્કૃત નાટ્યસિદ્ધાન્ત પ્રમાણે નાટકમાં કાર્યાવસ્થા અને અર્થપ્રકૃતિને સંયોજિત કરનારું તત્ત્વ સંધિ છે. આ સંધિ જ કથાવસ્તુનું ઔચિત્યપૂર્ણ રીતે સંધાન કરે છે. ભરતે પાંચ અર્થપ્રકૃતિ અને પાંચ કાર્યાવસ્થાના સમન્વયથી પંચસંધિની કલ્પના કરી છે. મુખ(exposition); પ્રતિમુખ (introduction) ગર્ભ(Rising action); અવમર્શ(falling action); નિર્વહણ(Catastmphe) મુખસંધિ બીજ અર્થપ્રકૃતિ અને આરંભ કાર્યાવસ્થાને સંયોજીને અનેક અર્થ અને રસ વ્યંજિત કરે છે. આ સંધિ નાટકના બીજને સૂચિત કરે છે. પ્રતિમુખસંધિ ‘પ્રયત્ન’ અને ‘બિન્દુ’ને સંયોજીને કથાવિકાસ કરે છે પરંતુ એક બાજુ ઊઘડતું દેખાતું દૃષ્ટ કથાનક, વિઘ્નને કારણે ‘નષ્ટ’ કથાનક લાગે છે. ગર્ભસંધિમાં ‘પતાકા’ અને ‘પ્રાપ્ત્યાશા’નું મિશ્રણ થાય છે; અને નાટકનું પ્રધાન ફલ ગર્ભિત થાય છે. અવમર્શ સંધિ ‘પ્રકરી’ અને ‘નિયતાપ્તિ’ના સંયોગથી બીજનો અધિક વિસ્તાર કરે છે, પણ અહીં ફ્લોન્મુખતા અનેક પ્રકારના અંતરાયો ઉપસ્થિત કરે છે. નિર્વહણ સંધિ કાર્ય અને ફલાગમને એકઠાં કરે છે. અહીં સર્વ પ્રયોજનોની સિદ્ધિ થઈ મુખ્ય ફલની પ્રાપ્તિ થાય છે. નાટ્યસંધિનાં ૬૪ સંધ્યંગો પણ દર્શાવવામાં આવ્યાં છે. ચં.ટો.