સત્યની શોધમાં/૮. ફૂલોનો બાગ

From Ekatra Wiki
Revision as of 06:57, 25 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. ફૂલોનો બાગ|}} {{Poem2Open}} શામળના રોમેરોમમાં ઉલ્લાસનું જે નૃત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. ફૂલોનો બાગ

શામળના રોમેરોમમાં ઉલ્લાસનું જે નૃત્ય જાગી ઊઠ્યું, આનંદ ઊઠ્યો, તે સમજવા માટે એના મનની દશા વિચારવી જરૂરની છે. એ બાળકની બાળ-આંખો જગતની સાચી વિભૂતિને શોધી રહી હતી. અને વિભૂતિ, સમર્થતા, વિજય ને લાયકી કયા ગુણે પરખાય તે પાઠ તો એને એક પ્રખર વિદ્વાને ભણાવ્યો હતો. એ ધોરણે જોતાં તો જગતમાં લક્ષ્મીનંદનનો જોટો ક્યાં જડે તેમ હતો શામળને? પ્રચંડ કાચ-કારખાનાનો કુલકુલાં માલિક; લક્ષ્મીપુરનાં માનવીઓને ટ્રામોની સુખાકારી પૂરી પાડનાર; ઘેર ઘેર ગૅસ અને પાણી પહોંચાડનાર; ને જેના નામ પરથી શહેરની કૉલેજનું નામ પડ્યું હતું, જેના પ્રત્યેક કાર્ય પર ને માલિકી પર વિજય અંકિત થયો હતો; જીવનસંગ્રામમાં જેણે કોટકોટાન સમૃદ્ધિ હાથ કરી હતી; હજારો લોકો જેને આશરે ગુજરતા; રાજશાસનમાં જેનું સત્તાબળ અસીમ હતું એવા નરશાર્દૂલને જગતની કેટકેટલી સેવા બજાવ્યા બદલ આ કીર્તિ અને આ મહિમા મળ્યાં હતાં! શામળની નજરમાં લક્ષ્મીનંદન શેઠ દુન્યવી ફતેહના એક અણિશુદ્ધ આદર્શ પુરુષ તરીકે – વેંતિયાઓની સૃષ્ટિમાં વિરાટ તરીકે – આજ સમાતા નહોતા. —ને એનો આ પુત્ર આદિત્યકુમાર ઉર્ફે દિત્તુભાઈ: પિતાના વિજય તેમ જ ગૌરવનો જેને વારસો વર્યો છે; જેના રક્તના કણેકણમાંથી શ્રીમંતાઈ તેમ જ સમર્થતાના સંસ્કારો મહેક મહેક થઈ રહ્યા છે; એવા અદ્ભુત માનવ-રત્નની આવરદા બચાવવાનું પરમ ભાગ્ય મારા જેવા રંક ગામડિયાને પ્રાપ્ત થયું! જગતની એક વિભૂતિની તહેનાતમાં રહી તેના ગુણોનો પરિમલ પીવાની મને તક મળી! આવા શુદ્ધબુદ્ધિના વિચારોએ શામળનું હૈયું તર કરી મૂક્યું. એની આંખો આનંદને આંસુડે ભીની બની. એના પેટમાં કપટ, કટાક્ષ કે તિરસ્કાર નહોતાં. સાચે જ એ મુગ્ધ બન્યો હતો, અંજાયો હતો – આ વિજયી જીવનના તેજ-અંબાર થકી. ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરાસ હાજર થઈ કૂમચી વડે વીંઝણો ઢોળવા લાગ્યો. “જયમલ!” આદિત્યકુમારે છટાથી નીચે ઊતરીને બંકો સીનો કરી કહ્યું, “જો આ લગામ, બતાવી આવ મેઘજીની દુકાને. કહે કે પૈસા લઈને માલ આપો છો, કે શું ખેરાત કરો છો?” પગથિયાં ચડે છે ત્યાં ‘નંદનવન’ના ચોક્કસ જરિયાની પોશાકે સજ્જ થયેલા અનુચરો ઝૂકીને ઊભા છે. “રૂપલાલ!” દિત્તુભાઈએ આજ્ઞા દીધી, “આપણા મહેમાનને માટે બીજે માળે ચા-નાસ્તો લાવો.” દિત્તુભાઈની સાથે શામળ ઉપર ચડવા લાગ્યો. અરધે દાદરે જાય ત્યાં નખશિખ નગ્ન એક સુંદરીનું પૂરા કદનું ચિત્ર લટકતું દીઠું. શામળ જોઈ રહ્યો. નગ્ન માનવીનું ચિત્ર શા માટે? ઉપર જતો ગયો તેમ તેમ તો બહુવિધ ચિત્રો-તસવીરોની સાથોસાથ એવાં દિગમ્બર બાવલાંની અને ચિત્રોની આખી સૃષ્ટિ સજ્જિત દીઠી. ભોળા શામળે માન્યું કે સતજુગમાં પ્રવર્તેલી આ નિર્દોષ નગ્ન સુંદરતાના ઉચ્ચ સંસ્કારો આ શ્રીમંતના ઘરમાં પણ છવરાઈ ગયા લાગે છે. એ વેદયુગના ઋષિમુનિઓ ગાળતા હતા તેવા જીવન પ્રત્યે ખરે, આ કુટુંબમાં ઊંડો ભક્તિભાવ પ્રગટેલો હશે. એ ભભકદાર બીજા માળના એક ખંડમાં દિત્તુભાઈએ આરામખુરસી પર પડ્યાં પડ્યાં શામળને ભોજન પિરસાવ્યું. પરોણાની ક્ષુધાને પારખી ગયેલ એ લક્ષ્મીપુત્રે નોકરોને તેમ જ રસોઇયાને ત્યાંથી રુખસદ દઈ દીધી ને પછી કહ્યું: “હાં દોસ્ત, દો હવે ત્રાપડ. મારાથી શરમાતા ના.” અક્કલ કામ ન કરે એવી ભાતભાતની વાનીઓ ઉપર શામળે અક્કલને જરી પણ તસ્દી આપ્યા વગર મોંના સંચાને જ વહેતા મૂકી દીધા. ખાતો ખાતો એ એક જ વિચાર કરતો જાય છે કે આવી વાનીઓ ખાવાથી શું આ દિત્તુભાઈના જેવી દેહકાંતિ પ્રાપ્ત થતી હશે ખરી? હું એના જેવો રૂપાળો બની જાઉં ખરો? ખાવાનું ખતમ થયા પછી દિત્તુભાઈએ શામળને ‘નંદનવન’નો આખો પ્રદેશ દેખાડવા માટે ચક્કર લગાવરાવ્યું. ગામડિયા ખેડૂતના પુત્રે ઘરઆંગણે તો દીઠેલાં માત્ર બબ્બે બળદને કોસ ખેંચાવી ખેંચાવીને થતાં બેત્રણ વીઘાંનાં વાવેતર; અહીં તો એકરોના એકરો જમીન યંત્રોથી ખેડાઈ, પવાઈ, ફળેફૂલે લચેલી દેખી. પાણીના ધોધ પાડતા વરાળ-પંપો ચાલતા હતા. ઇરાન, ચીન અને સ્વિટ્ઝર્લાન્ડથી પણ મંગાવેલા ફૂલના રોપા હતા. તબેલામાં પચીસ પાણીદાર ઘોડાની માવજત થતી દીઠી. આટલા બધા ઘોડા કેમ? દિત્તુભાઈએ કહ્યું: “આ બધા મારા રેઈસ-હૉર્સિઝ (શરતના ઘોડા) છે.” શામળ છક થઈ ગયો. સાચી ફતેહનાં એણે અહીં દર્શન કર્યાં. એકાએક કોઈ ઘોડાના ડાબલા સંભળાયા. દિત્તુભાઈની આંખો ચમકી. એનાં નેત્રમાં દીપ્તિ રમી રહી. એણે બૂમ પાડી: “ઓહો, વિનોદબહેન આવ્યાં!” રસ્તા પર રમત કરતો અશ્વ અંદર આવ્યો. અસવારે દિત્તુભાઈ સામે હાથ ફરકાવ્યો. લગામ ખેંચીને એ સ્ત્રી નીચે છલંગી. ઘોડાને ફરાસે દોરી લીધો. એ એક તરુણી હતી. એના કેશ લલાટ પર રમતા હતા; એના ગાલો ઉપર તંદુરસ્તીની લાલી નૃત્ય કરતી હતી; એની ફૂલેલી છાતી વાયુમાં લહેરિયાં લેતા ભરપૂર સરોવર સમી હાંફી રહી હતી; એના બદનનો મરોડ એના લાવણ્યને બહલાવી રહ્યો હતો. આવું જોબન શામળે પહેલી વાર જોયું. તેજુના હાડપિંજરની હરોળમાં એણે આ ફાટફાટ તરુણતાવાળી મદિરાક્ષીને તપાસી. શામળે જગત પર મૂર્તિમંત વિજય નીરખ્યો. “હલ્લો, દિત્તુભાઈ!” તરુણીએ ટૌકો કર્યો. “આવો, વિનોદબહેન!” એમ સન્માનીને શામળને એણે કહ્યું: “આ મારા મામાનાં દીકરી વિનોદિની. વિનોદ, આનું નામ શામળજી છે.” એણે શામળ તરફ મદભર નિગાહ નાખી. એની ગતિમાં ચપળતાના ચમકારા હતા. એનાં અંગોની પ્રત્યેક ક્રિયામાંથી જાણે આગિયાની પાંખના તેજ-ઝબૂકાટ ઊઘડબીડ ઊઘડબીડ થાય છે. થનગનાટ, અધીરતા, આકાંક્ષા, તાલાવેલી અને તૃષા જાણે એના સ્વભાવમાં ઝગમગે છે. એના કંઠમાં સત્તાનો અવાજ છે. એક જ મીટમાં માપી લઈ શકાય કે આ સુંદરી આજ્ઞાઓ છોડવાને જ સરજાયેલી કોઈ મહિષાસુરમર્દિની છે. “વિનોદ!” આદિત્યે કહ્યું, “આજ તો મારે જીવસટોસટનું સાહસ બની ગયું. મારો જાન આણે જ બચાવ્યો.” વિનોદિનીનાં નેત્રોમાં પોતાના અણમૂલા આત્મજનને ઉગારનાર પાત્ર તરફ કુતૂહલ ચેતાયું: “સાચે જ?” “સાચે જ,” એમ કહીને આદિત્યે આખો પ્રસંગ વર્ણવ્યો. “પછી તો, વિનોદ, આ શામળે જ મને બચાવ્યો.” “શી રીતે?” “ઓહ! ગજબ છાતી! બસ મર્દબચ્ચો ઘોડાને બાઝી જ પડ્યો. પોતાના છૂંદા થઈ જવાની પરવા જ એણે ન કરી. શી હિંમત! શી છાતી!” —ને પછી તો એ તરુણીનાં નેત્રોની મદીલી મીટ સામે શામળ ભાનભૂલ્યા જેવો થઈ રહ્યો. “વાહ! કેટલું સરસ! ક્યાંથી આવો છો તમે?” સુંદરીએ શામળને પૂછ્યું. “અરે વિનોદ, એ બાપડા તો હજુ એને ગામડેથી જ ચાલ્યા આવે છે. રસ્તે લૂંટાયા, બેકાર ભમતા હતા, ભૂખે મરતા હતા.” “અરર!” વિનોદિનીના કંઠમાં અનુકંપાના ઝંકાર ઊઠ્યા. પોતે એક ખુરશી પર બેઠી. સામી ખુરશી બતાવીને શામળને કહ્યું: “બેસો તો!” ને પછી એ સાહસ-પ્રસંગના તેમ જ શામળના જીવનના ઊલટપાલટ સવાલો પૂછવા લાગી. શામળની આખી જિંદગી એણે ઉકેલી લીધી. પછી વળી કંટાળીને એ પોતાના દિત્તુભાઈની સંગાથે તે રાત્રિની ગરબા-પાર્ટી તેમ જ ટેનિસ ટુર્નામેન્ટની ગુફતેગુએ ચડી ગઈ. દરમિયાન શામળની આંખોને એ તરુણીના સૌંદર્યની મહેફિલ ઉડાવવાનો અવસર મળ્યો. કલાકોના કલાકો સુધી એને નીરખ્યા કરવી, એની મુખમુદ્રા તથા દેહલતાની એક એક રેખા ઉકેલ્યા કરવી, એના હોઠ ઉપર પલકારા મારતા હાસ્યને તેમ જ એની આંખોમાં ખેલતી ચપળતાને ચોરી ચોરીને જોયા કરવાં; એથી વધુ આનંદની ક્રિયા જગત પર બીજી કઈ હોઈ શકે? ત્યાં તો નોકર જમવા તેડવા આવ્યો. શામળને આ તરુણીની નિર્દય આંખો સામે ફરી વાર પોતાનું બુભુક્ષિતપણું ઉઘાડું કરવાની ઇચ્છા નહોતી. તેથી એણે રજા માગી. “કાલે પાછા આવો,” દિત્તુભાઈએ પોતાનાં જુલફાં પંપાળતાં કહ્યું, “આપણે તમારું નક્કી કરી નાખીએ.” “ભલે, આવીશ,” “એનો શો ઉપયોગ કરવાના છો, દિત્તુભાઈ?” વિનોદિનીએ પૂછ્યું. “આપણા ઘોડાની માવજત કરવાનું એને ગમે છે.” “નહીં!” સુંદરીએ સત્તાવાહી અવાજ કાઢ્યો, “આવા શક્તિવંત જુવાનને શું ઠાણિયો બનાવવો છે? એનામાં તો અનેક શક્તિઓ ભરી છે. પ્રથમ તો એ કેટલો દેખાવડો છે!” શામળનું મોં લાલીમાં ડૂબ્યું. એનાં પોપચાં નીચાં ઢળ્યાં. જાણે એ તરુણીની દૃષ્ટિની શારડી એના અંતરમાં છેદ પાડી રહી હતી. “વારુ!” આદિત્યે કહ્યું, “તો તમે સૂચવો.” “મને ખબર નથી, પણ કશુંક સુંદર કામ આપો. તમને ફૂલોનો શોખ છે કે નહીં, શામળજી?” “જી હા.” “બસ, તો પછી એમને આખી વાડીનો વહીવટ સોંપો.” એ રીતે શામળનું ભાગ્યનિર્માણ એ સુંદરીની જીભ પર નક્કી થયું. પોતાને કોઈ અપ્સરાની સૃષ્ટિમાં વાસ મળ્યો હોય એવા હર્ષાવેશમાં શામળ ઘર તરફ ત્વરિત પગલે ચાલ્યો. આ નવા આશ્રયદાતાએ એને રૂપિયા દસની નોટ આપેલી તેમાંથી એણે પોતાને સારુ નવો પોશાક લીધો, અને તેજુના કુટુંબ સારુ પણ કેટલાંક મીઠાઈ વગેરેનાં પડીકાં બગલમાં માર્યાં. નાનાંમોટાં બચ્ચાં, તેજુ અને એની મા, આખુંયે કુટુંબ ડાચાં ફાડીને શામળના તે દિવસના અનુભવની વાત સાંભળી રહ્યું, ને જ્યારે છેલ્લે વિનોદિનીની વાત આવી ત્યારે તો તેજુ ચકિત બની ગઈ: “વિનોદબહેન? સાચે જ શું વિનોદબહેન તમને મળ્યાં?” “હા, તું એને ઓળખે છે?” “ના, પણ મેં એને જોયેલ છે.” કોઈ અજબ જીવનપ્રાપ્તિની વાત કરતી હોય તેવી રીતે તેજુ કહી રહી હતી, “બે વાર જોયાં છે.” “ખરેખર?” “હા, એ અમારા મજૂર-સંઘની મુલાકાતે આવેલાં.” “એ મજૂર-સંઘના સભાસદ છે?” “ના, એમનો ‘દરિદ્ર-ઉદ્ધાર-સંઘ’ તો જુદો પેલા બંગલામાં છે. પેલી ભુવનેશ્વર હિલ ઉપર. એ તો બહુ જ સરસ જગ્યા છે. શ્રીમંતો તો ત્યાં જ જાય છે. પણ એમને એક વાર અમારા મજૂર-સંઘના મેળાવડામાં પ્રમુખ તરીકે લાવેલા ને એમને હાથે ભેટો વહેંચાયેલી. આહા! શી સુંવાળી ને ફરફર થતી એની સાડી હતી! આપણે સ્વપ્નમાં જોઈએ તેવી હો કે! શાં એનાં રૂપ! એના અંબોડામાં ગુલાબ હતું, ને શી એનાં કપડાંમાંથી મીઠી સુગંધ આવતી હતી! આપણાથી રહેવાય નહીં તેવી, હોં કે! ને વિનોદબહેન દરેક બાળકને ભેટ દેતાં કેવાં હસતાં’તાં! મારી સામેય હસેલાં, હો! મને તો એવું લાગ્યું કે જાણે રાજાની કુંવરી! મને તો એવું થતું હતું કે એના પગમાં પડીને એના પગની આંગળીઓને બચી કરી લઉં!” “ખરે જ, એમ જ થાય.” શામળે સમજપૂર્વક કહ્યું. “આહા! તમે તો એને મળી આવ્યા, એની જોડે વાતો કરી આવ્યા, નહીં? તમે વાતો શી રીતે કરી શક્યા? તમે શી વાતો કરી?” “એ તો હું ભૂલી જ ગયો છું.” “અરેરે, મેં તો એનો અવાજ જ સાંભળ્યો નથી. કારખાનામાં મુલાકાતે આવેલાં ત્યારે બોલતાં’તાં, પણ સંચાના ખડખડાટમાં ક્યાંથી સંભળાય? અમે તો એને જોઈ રહ્યાં હતાં, હો! અમારી મિલ એના બાપુની છે, ખબર છે ને?” “ના.” “એના બાપુને ઘણી મિલો છે. એ બહુ મોટા શેઠિયા છે, લખપતિ છે. ને આ એમની એકની એક દીકરી જ છે. એવી રૂપરૂપનો અવતાર છે કે બધાં એને પૂજે છે. છાપામાં એની બે છબી પણ એક વાર આવી’તી. મેં એ બેઉ છબી કાપી લઈને મારી કને રાખી છે. ચાલો દેખાડું.” બીજા ઓરડાના ખૂણામાં એક ટિનની પેટી હતી, તેની અંદર તેજુનાં લૂગડાં હતાં, છેક તળિયેથી એણે એક કપડું કાઢ્યું, એ કપડાનાં સાત પડો ઉખેળતાં અંદરથી બે કાપલીઓ નીકળી. બન્નેમાં વિનોદિનીની તસવીરો હતી. એકની નીચે લખેલું – ‘મિસ વિનોદિની લીલુભાઈ શેઠ, સંધ્યાના સ્વાંગમાં.’ બીજા ઉપર છાપેલું કે ‘મિસ વિનોદિની, રાજકુમારીના પોઝમાં’. વિનોદિનીના હાથમાં ગુલાબનો એક ગજરો હતો. “આવું રૂપાળું બીજું કોઈ ક્યાંયે દીઠું છે, હેં શામળભાઈ?” તેજુએ પૂછ્યું, “આહા! મેં તો એને મારી ‘પરી’ કરીને સ્થાપ્યાં છે. મારાં સોણલામાં એ આવીને મને હેતથી પંપાળે છે. આહા! જેઓ આવાં રૂપાળાં હોય, તેઓ માયાળુ પણ એવાં જ હોય, હો શામળભાઈ!” “ખરી વાત છે. રૂપાળાં હોય તે હેતાળાં જ હોય.” શામળે કબૂલ કર્યું, ને પછી અચાનક કંઈક સ્ફુર્યું હોય તેમ કહ્યું: “તેજુ, મને એણે દેખાવડો કહ્યો. હું તે દેખાવડો હોઉં કદી?” ચમકતી એક દૃષ્ટિ માંડીને તેજુએ કહ્યું: “હાસ્તો, સાચે જ તમે રૂપાળા છો, શામળભાઈ! જો તો, કેવો દુત્તો છોકરો છે!” દીવાલ પર ઝૂલતા એક તૂટેલા અરીસાના કટકામાં જઈને શામળ પોતાની સૂરત જોવા લાગ્યો. એને પોતાના રૂપની ગતાગમ નહોતી. તેજુએ કહ્યું: “જોતા નથી શામળભાઈ, કેવા દેખાવડા ને કસાયેલા છો તમે! તમારી ચામડીનો ચળકાટ કેટલો છે!” “મને તો મુદ્દલ જ ખબર નહોતી.” “—ને આહા! તમે એની જોડે વાતો કરી હેં?” એટલું કહીને તેજુ, પાછી પેલી બે છબીઓને નિહાળી રહી; પછી એકાએક દિલ ઉદાર કરીને બોલી: “લ્યો શામળભાઈ, હું તમને આ ભેટ આપું છું. તમે એને તમારી ઓરડીમાં રાખજો.” “ના તેજુ, તારે એ કોઈને ન આપવી જોઈએ.” “નહીં,” છોકરીએ જિદ્દ કરી, “મને તો હવે એ હૈયામાં યાદ રહી ગઈ છે, મારી કને છબી ન હોય તોપણ હું એનું મોઢું યાદ કરી શકું છું.”