ભૂંસાતાં ગ્રામચિત્રો/ગામ જવાની હઠ છોડી દે

From Ekatra Wiki
Revision as of 11:57, 17 January 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ગામ જવાની હઠ છોડી દે


બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે

બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે

ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે

નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે

નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે

પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
‘કોનું છે ભૈ કામ?’ પૂછશે ગામ જવાની હઠ છોડી દે

સગાં અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
ખેતર અને અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે

તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે

આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
નોધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે

ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે

નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે

છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે

— મણિલાલ હ. પટેલ