ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/મૃત્યુંજય

From Ekatra Wiki
Revision as of 12:35, 17 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુંજય|}} {{Poem2Open}} <center>૧</center> 'ઝેર દઈને કે હથીઆર ચલાવીને જો કોઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મૃત્યુંજય

'ઝેર દઈને કે હથીઆર ચલાવીને જો કોઈ મને નહિ મારી નાખે, તો આ મારો દેહ મનુષ્યની આવરદાની છેલ્લામાં છેલ્લી અવધિ સુધી જીવત રહેશે, લગારે કરમાશે નહિ, ઢીલો પણ પડશે નહિ.' મૃત્યુ સામેનો આ પડકાર સાઠ વર્ષની ઉંમરે મહર્ષિજીએ જોધપૂરનગરમાં ઉચ્ચાર્યો. રાવ રાજા તેજસિંહ જેવા જોરાવર સેવકો કોઈવાર સ્વામીજીના પગ ચાંપવા બેસતા અને એ પગની પીંડીએામાં આંગળી ખૂંચાડવા મથતા, પણ એ પીંડીઓના લોખંડી ગઠ્ઠાઓ ઉલટા તેઓની આંગળીઓને સમસમાવી મૂકતા. મૃત્યુ બેઠું પડીને પાછું વળી જાય એવો એ પહાડી દેહ આર્યધર્મના અમર સ્થંભ સરખે ઉભો હતો. પરંતુ વિધાતા એ વખતે રડી રહ્યો હશે. ત્રણ ત્રણ વાર રૂબરૂ આવીને જોધપૂર-નરેશ જશવંતસિંહજીએ સ્વામીજીને પોતાના દરબારમાં પગલાં કરવા વિનવ્યા. એ વિનવણીને વશ થઈ એક દિવસ સ્વામીજી દરબારમાં દાખલ ​થાય છે તો રાજાજીની પાસે વારાંગના ‘નન્નીજાન'ને બેઠેલી ભાળી. સ્વામીજીને આવતા દેખીને તૂર્ત જશવંતસિંહજીએ ઈશારત કરી. નન્નીજાન પાલખીમાં પેસી ગઈ. ઝપાટાભેર પાલખી દરબારગઢમાંથી અલોપ થઈ ગઈ. સ્વામીજીએ એને જોઈ લીધી, એમનું હૃદય વીંધાવા લાગ્યું. લગારે થડક્યા વગર નિર્ભય યોગીએ ફિટકારનો ધોધ વહેતો કર્યો કે ‘જોધાણનાથની આ દશા? રાજન્! કેસરીસિંહની ગુફામાં કુતરીઓ દાખલ થઈ શકે? અરે એ વેશ્યાઓને પેટે જન્મેલી રાજપુત્રીઓ પણ ધંધો કયો કરવાની? વેશ્યાનો! પોતાના જ વીર્યના સંતાનને વારાંગના બનાવવા રાજી હોય એવો કોઈ માનવી હશે? જોધપુરના ધણી! આપને આ ન છાજે. છોડી દો. છોડી દો.' પીડાતે હૃદયે સ્વામીજી ચાલ્યા ગયા, તે દિવસ સાંજરે ભરી સભામાં પોતે બોલ્યા કે ‘આપણા દેશના મોટા પુરૂષોનું સત્યાનાશ તો ક્યારનું યે વળી ગયું હોત. પરંતુ તેએાના પાપના માચડા તો તેઓના ઘરમાં રહેલી પેલી જોગમાયા જેવી પત્નીએાના પતિવ્રતને લીધે જ હજુ ટકી રહ્યા છે. કુલવંતી એ આર્ય સતીઓએ જ પોતાના ધર્મ વડે પાપી ભરથારોની રક્ષા કરી છે.'

મહારાજા પ્રતાપસિંહજીને સ્વામીજીએ નીચે પ્રમાણે પત્ર લખ્યોઃ માન્યવર શુરવીર મહારાજા શ્રી પ્રતાપસિંહજી! આનંદિત રહો. આ પત્ર બાપુને પણ વંચાવજો. મને બહુ જ શોક થાય છે કે જોધપુરાધીશ અત્યારે આળસ વગેરે વિલાસમાં ગરક છે અને આપ તથા બાપુ પણ બિમારજ રહો છો. આ રાજ્યમાં સોળ લાખથી વિશેષ વસ્તી ​છે. એના રક્ષણ અને કલ્યાણનો મોટો બોજો આપ સહુ ઉઠાવી રહ્યા છો. એનો સુધારો બગાડો પણ આપ ત્રણ જણા ઉપર ટકી રહ્યો છે. છતાં આપ ત્રણે જણા શરીરની રક્ષા પ્રત્યે બહુ જ ઓછું ધ્યાન આપો છો એ કેટલું શેાચનીય! હું માગું છું કે મારા કહ્યા મુજબ આપ આપની દિનચર્યા સુધારી લ્યો, કે જેથી માત્ર મારવાડના જ નહિ, પણ આખા આર્યાવર્તના કલ્યાણમાં આપની કીર્તિ બોલાય. પછી તો જેવી, આપની મરજી! લી. દયાનંદ સરસ્વતી આશ્વિન વદી ત્રીજ : ૧૯૪૦ એક બાજુ આ પત્ર લખાઈ રહ્યો છે. બીજી બાજુ સાપણી પોતાની દાઢમાં ઝેર ભરી રહી છે. નન્નીજાનના મનસૂબામાં સ્વામીજીનો કાળ રમવા લાગ્યો છે. એ સમજતી હતી કે સ્વામીજીએ ભલભલેરાઓને પણ વેશ્યાના સંગ તજાવ્યા છે. મહર્ષિજીને એણે પોતાનો જમદૂત જાણ્યો, એના હૃદય-અંધકારમાં કાવતરૂં શરૂ થઈ ચૂક્યું. જોધપુર આવ્યાને પાંચમો જ મહિનો જાય છે. ત્યાં સ્વામીજીનો વફાદાર સેવક કલ્લૂ પાંચસો છસો રૂપિયાનું દ્રવ્ય ચોરીને અલોપ થાય છે. જોધપૂરમાં જાણ થઈ. મહારાજા જશવતસિંહજીની આજ્ઞા છૂટી કે ચોરને પાતાળમાંથી પણ પકડી આણો. પરંતુ એ ન પકડાયો. ડંખ દઈને કાળો વીંછી સરકી જાય તેમ એ સરકી ગયો. એને મારવાડના પહાડોની કે માર્ગોની લગારે પિછાન નહતી. છતાં એ શી રીતે–ક્યાં છુપાયો! સ્વામીજીને સંદેહ ગયો. કાવતરાનો પહેલો દાવ પોબાર! બીજો દાવ રમાય છે. સંવત ૧૯૪૦ના આસો વદી ચૌદશની રાત્રિએ સ્વામીજીએ પોતાના રસોયા પાસેથી દૂધ લઈને પીધું. પોઢી ગયા. ​જરા વાર આંખો મળી. ત્યાં તો પેટમાં વેદના ઉપડી. જાગી ઉઠ્યા. ત્રણવાર ઉલટી કરી; પણ પાસે સુતેલા સેવકોને ન જગાડ્યા. પ્રભાતે પોતે ઉઠ્યા વેદના ઉપડી. ઉલટી કરી, પણ જીવ મોળો પડવા લાગ્યો, જઠરમાં શૂળ ભોંકાવા લાગ્યા. રાજના દાક્તરો દોડ્યા આવ્યા, કૈંક ઔષધિઓ આપી. પણ કોણ જાણે શા ભેદથી ઉપચારની ઊંધી જ અસર થતી ગઈ. ગળું સુકાવા માંડ્યું. લોહીના બિન્દુએ બિન્દુમાંથી જાણે કે જીવન શેાષાતું ગયું, છતાં ન અરેરાટ, ન સીસકાર કે ન ગભરાટ. વ્હાલું વ્હાલાને ભેટે તેમ જાણે કે યોગી મૃત્યુને આલીંગન લઈ રહ્યો છે. આખરે બહુ દવાઓને પરિણામે એમનો આત્મારામ થોડા દિવસ ટક્યો. પણ બિછાનામાં કાળી બળતરા ઉઠતી હતી. પીંજરના દ્વારમાંથી પ્રાણપંખી પાંખ ફફડાવવા લાગ્યું. આવી દશામાં સ્વામીજીને આ વિષ-પ્રયેાગના કાવતરાની જાણ થઈ. એ મહાજ્યોતને બુઝાવનારા પોતાના રસોયા જગન્નાથને એમણે પોતાની પાસે બેલાવ્યો. જગન્નાથે અપરાધ કબૂલ કર્યો. સ્વામીજીની ગંભીર મુખમુદ્રાની એક રેખા યે ન બદલી. દયાર્દ્ર શબ્દે એમણે કહ્યું, “ભાઈ જગન્નાથ, મને બીજું કાંઈ નથી, પણ મારા જીવનનું કામ અધૂરૂં રહી ગયું. તને ખબર નથી કે તારે હાથે કેટલા બધા જીવોને નુકશાન થયું છે. પણ કાંઈ નહિ, ભાઈ! લે આ થોડા રૂપિઆ હું તને આપું છું. એ લઈને તું તાબડતોબ આ રાજ્યના સીમાડા છોડી દે. નેપાલમાં જઈને છુપાઈ જા. નહિતર, અહીં જો જરા યે વાત ફુટશે તો તારા લોહીનું બિન્દુ યે બિન્દુ નીચોવી લેશે. જગન્નાથ, ભાઈ, જા! વાર ન લગાડ. મારા તરફથી નિર્ભય રહેજે હું તારી વાત બહાર નહિ પાડું.' પંદર વરસ વેશ પલટીને જગન્નાથે ટીબેટમાં કાઢ્યાં, તેના પૂરાવા મળે છે. ત્રીજે દિવસે સ્વામીજીને પાલખીમાં બેસાડી આબુરોડ લઈ જવામાં આવ્યા. જોધાણનાથ પગે ચાલીને વળાવવા આવ્યા. એના હૃદયમાં ઉંડી દિલગીરી વ્યાપી હતી. વિદાય દેતી વખતે તેનું હૈયું ભરાઈ આવ્યું, કેમકે ભારતવર્ષની સત્ય-જ્યોતને બુઝાવવાનું પાતક એના રાજદ્વાર પર ચડતું હતું. સ્વામીજીએ મહારાજાને દિલાસો દીધો, ‘રાજન્, ચિંતા ન કરશો પ્રભુનાં નિર્માણ મિથ્યા નથી થતાં.' સંધ્યાસમયે એમણે જોધપુરના પાદરને છેલ્લા રામરામ કર્યા. આબુમાં એક નિપુણ દાક્તરની દવા હાથ બેઠી. દીવડામાં તેલ પુરાવા લાગ્યું. ત્યાં બીજી ફુંક લાગી. સરકારી તબીબીખાતાને લાલરંગી હુકમ છુટ્યો કે દાક્તર લક્ષમણદાસે તાબડતોબ અજમેર ચાલ્યા જવું! દાક્તરે રાજીનામું આપ્યું. કોણ જાણે શો સંકેત કામ કરી રહ્યો હતો. રાજીનામું નામંજૂર થયું. દાક્તર ગયા. સ્વામીજીને પણ અજમેર ઉઠાવી ગયા. પણ પછી તો દાક્તરે હાથ ખંખેરી નાખ્યા. સાંજ પડતી આવે છે, ‘જીભ પર, મ્હોંમાં, માથામાં અને દેહને રોમે રોમે ફોલ્લા ઉપડ્યાં છે, છતાં સ્વામીજીએ હજામને બોલાવી શિર પર મુંડન કરાવ્યું, નખ ઉતરાવ્યા, એક શિષ્યનો આધાર લઈને પોતે પલાંઠી વાળી બેઠા. પછી અત્યંત વત્સલતા સાથે કહ્યું ‘બેટા આત્માનંદ, તારે કાંઈ જોઈએ છે?' આત્માનંદજીનાં નેત્રોમાંથી અશ્રુધારા ચાલી. એણે રડતાં રડતાં કહ્યું, ‘આપને પ્રભુ આરામ આપે એથી વધીને બીજી કશી ઈરછા આ ત્રણે ભુવનમાં મારે નથી રહી.' મહર્ષિજીએ હાથ લંબાવીને આત્માનંદજીના મસ્તક પર મૂક્યા; બોલ્યા ‘બેટા, ગભરાવું નહિ કર્તવ્યનું પાલન કરતાં સદા આનંદમાં રહેજે. સંસારમાં સંયોગવિયોગ તો સ્વાભાવિક છે.' પોતાની સગી જનેતા મરતી હોય ને જેમ ધાવણાં બચ્ચાં રડે તેમ ચેલા રડ્યા. મહર્ષિજીએ બબે રૂપિયા અને બે દુશાલા મંગાવી બંને શિષ્યોને ભેટ દીધાં. બંને જણાએ એ વસ્તુઓ પાછી મેલી દીધી. પછી મહર્ષિજીએ તે દિવસનાં વારતિથિ પૂછ્યાં. ઓરડાની ચોમેર નજર કરી લીધી. વેદપાઠ આરંભ્યો. એ સ્વરોના ગુંજનમાં, કંઠમાં કે ઉચ્ચારમાં ક્યાંયે નિર્બળતાને અંશ પણ નહોતો. વેદના મંત્રો પૂરા કરી પુલકિત અંગે સંસ્કૃતમાં પરમાત્માની યશગાથાઓ ઉપાડી. સમાધિમાં બેઠા, મુખમંડળ ઉપર પ્રસન્નતાનો ઝળહળાટ પથરાઈ ગયો. આખરે કમળ શાં નેત્ર ઉઘાડી ‘હે દયામય, તારી ઈચ્છા! એ દેવાધિદેવ, તારી જ ઈચ્છા! વાહ પ્રભુ, કેવી તારી લીલા!' એમ ગુંજારવ કરતાં કરતાં, જન્મોજન્મનાં કર્મોને ખાક કરી, સં. ૧૯૪૦ના આસો માસની અમાસને રોજ એ આત્માની જ્યોતિ મહાજ્યોતમાં મળી અને જગત ઉપર સંધ્યાનાં અંધારાં ઉતર્યાં.