યુગવંદના/બાપુનો બરડો

From Ekatra Wiki
Revision as of 05:52, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાપુનો બરડો|}} <poem> <center>[અંજનિ]</center> આ માણસને બોખે મુખડે માંડ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાપુનો બરડો
[અંજનિ]

આ માણસને બોખે મુખડે
માંડ્યા છે લાખો મૂરખડે
કૅમેરા: ને કૈં કૈં રખડે
પેન્સિલ-કાગળ લૈ.
એ લાખોમાં એક જ ડાહ્યો
ચહેરાની છબીઓથી કાયો,
મુખ મેલીને જઈ મંડાયો
ઘરડે આ બરડે.
લાગણીઓ લહેરાય કલેજે,
બુદ્ધિખેલ રમાતા ભેજે,
પણ ઓ ભાઈ કલાધર! કે’જે
શીદ મોહ્યો બરડે?
બરડામાં બંકી ન છટા છે,
માંસલતા કેરી ન ઘટા છે,
ગડગૂમડ ભાઠાં ચાઠાં છે
ઝરડાયલ બરડે.
નહોતું જે મુખને મરકલડે
એવું શું દીઠું તેં બરડે
કે બીજા પણ કાંડાં કરડે
ચીતરવા બરડો!
મારી એ સમસ્યાનો ખાસો
આજ અચાનક જડે ખુલાસો
વણજીભે બોલન્તો વાંસો
સમસ્યા સમજાવે.
ક્હે બરડો: “બાપુની લૂલી!
લોકપ્રશંસાએ મત્ય ભૂલી!
વિશ્વવશીકર ઓ વાંસલડી!
થાકી જીભલડી!
“ને ગાંધીના મુખ-મરકલડા!
અસંખ્ય ઉપમાના લાડકડા!
તારાં નખરાં થૈ ગ્યાં ઠરડાં,
વખાણ-બગડેલા!
“સંકેલી લો કળા તમારી,
વારી આવી પહોંચી મારી,
હું કાળો કુબડો, પણ કારી
ફાવે બસ મારી.
“કાકલૂદી ને કાલાવાલા
તમે કરી રહિયાં નખરાળાં!
હું નવ જાણું એ કૈં ચાળા,
હું રીઢો બરડો.
“આવડતો એક જ એકડલો,
આખર ક્યમ થઈ જાવું ઠરડો,
નિર્મમ, નિશ્ચલ, કાળો, કરડો
હું નાનો બરડો.”
૧૯૪૦