યુગવંદના/મૃત્યુનો મુજરો
Revision as of 07:03, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs)
મૃત્યુનો મુજરો
એના કારાગારે આવી મૃત્યુ નાચિયું રે,
નિધન નાચિયું રે.
એની સેજલડીને ફરતું મૃત્યુ નાચિયું રે,
નિધન નાચિયું રે.
ભીષણતા પોતાની ભૂલી,
નિશ્ચેતનતા થનગન દૂલી,
ઝૂલી ઝૂલી રૂમઝૂમ પગલે રાચિયું રે,
નિધન નાચિયું રે. – એના
ભૂતાવળ મંગળ રવ ગાયે,
કાળ તણે ઘર પૂજન થાયે,
જીવનના હર્તાએ જીવન જાચિયું રે,
નિધન નાચિયું રે. – એના
કર સિંગાર, ચતુર અલબેલી,
ન્હા લૈ, ધો લૈ, સીસ ગૂંથેલી,
વરઘેલીએ સાજન ઘર શોધી લિયું રે,
નિધન નાચિયું રે. – એના
ઓ જો બેઠો સાજન તોરો,
જગ-કાળપનો હાથ-કટોરો,
પીને બનતો ગોરો જો તારો પિયુ રે,
નિધન નાચિયું રે. – એના
ઘન અંધારે અવધુ જાગે,
જીવનના મીઠા અનુરાગે,
મૃત્યુ મુજરો માગી ચરણે ઝૂકિયું રે,
નિધન નાચિયું રે. – એના
પાયે ઘૂઘરડાં પે’રીને મૃત્યુ નાચિયું રે,
નિધન નાચિયું રે. – એના
૧૯૪૩