વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૬. એ આજ કેવડો હોત!

From Ekatra Wiki
Revision as of 11:19, 3 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. એ આજ કેવડો હોત!|}} {{Poem2Open}} ફૂલા વાઘરી સાથેની વાતચીતે પ્રતાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬. એ આજ કેવડો હોત!

ફૂલા વાઘરી સાથેની વાતચીતે પ્રતાપ શેઠના સ્વભાવમાં પહેલો પલટો આણ્યો. ડેલી બહારના ઓટા પર બેસીને દાતણ કરવાનું એણે છોડી દીધું. ડોકમાં સોનાની સાંકળી, બાવડા પર સોના-કડું અને બે આંગળીઓ પરથી સૂર્યનાં કિરણો સામે તેજની કટારો ખેલતી હીરાની વીંટી: એ ત્રણેય ચીજોનું દેવ-મંદિર જાણે કે અદૃશ્ય બન્યું. ગામલોકોની આંખોમાં ગલીપચી કરતા પ્રતાપ શેઠના પેટ પરના વાટા પણ વિદાય લઈ ગયા. ગામમાં કયા કયા ગરાસિયાને ઘેર દાણાની અછત છે? તપાસ કરાવી કરાવીને એણે બબ્બે મણ બાજરો છાનોછપનો પહોંચાડવા માંડ્યો. કોઈ દિવસ નહિ ને પહેલી જ વાર એણે પોતાને ઘેર પંખીનાં પાણી-કૂંડાં બંધાવ્યાં. “શું થયું તે શેઠિયો મોળો પડ્યો જાય છે?” ગામ-ચોરે અફીણ વિના ટાંટિયા ઘસતા ગરાસદારોમાં ચણભણાટ ચાલ્યો. “રાજ સાથે બગડી લાગે છે.” “વાણિયાઓને માથે રાજની ભીંસ થાતી આવે છે ને?” “બબ્બે મણ બાજરો ખવડાવીને આપણી જમીનો કાયમને માટે ખાધા કરવાની દાનત છે, ભાઈ, વાણિયાને આપણે ઓળખતા નથી!” જૂની બટાઈ ગયેલી ગંજીઓ જેવા આ ગરાસિયાઓ: કીડાઓએ કરકોલી ખાધેલો એ જમાના-જૂનો સામાજિક કાટવળો—એની અંદર આ ઊંધી કલ્પનાએ એક તિખારો ચાંપી દીધો. પહેલી જ વાર એમની નજર પોતાની જમીનો પર પડી. ખેતરો જે દિવસ શેઠને ઘેર માંડી આપેલાં તે દિવસ યાદ આવવો મુશ્કેલ હતો. તે દિવસે એ ખેતરો નહોતાં, બોરડીનાં જાળાં જ હતાં. આજે એ જ જમીન ઉપર કેડ સમાણા કપાસનાં ને દોઢ માથોડું લીલવણી છાસટિયાનાં ઝકોળ બોલતાં હતાં. ભાંગેલી ગરેડીઓ બળદોનાં કાંધમાં ઊંડાં ચીર નહોતી પાડતી, કાળા હાથી જેવાં ઓઈલ-એન્જિન પોતાની લાંબી સૂંઢો પાતાળમાં ઉતારીને કૂવામાંથી પાંચ-દસ ધોરિયાનું સામટું પાણી ખેંચતાં હતાં. એ બધી સમૃદ્ધિનો પ્રતાપ શેઠ જાણે કે ચોર હતો. ગરાસિયાઓની આંખો ફાટી ગઈ. આ વસુંધરા કોની? અમારી: અમારા બાપદાદાની તlવારે હાથ કરેલી: ને અમારા વીર વડવાઓનાં રુધિરે તરબોળ બનેલી. ગરાસિયાઓનાં ભેજાંમાં જૂની એક કહેણી રમતી થઈ: લીલાં માથાં વાઢીને ખાતર તો આ જમીનમાં અમે પૂર્યું છે—અમે એટલે અમારા વડવાઓએ, ને આજ હવે વાણિયું એની નીપજ્યું લેશે? આપણાથી બીનો છે શેઠિયો, નીકર ઓટે બેસીને દાતણ કરતો કેમ મટી ગયો? બહાર જ ક્યાં નીકળે છે? પૂંછડી પગ વચાળે નાખીને લપાઈ ગયો છે. જરાક જોર કરીએ તો જમીનું ઓકાવી નાખીએ. ઇંદ્રનગરની નિશાળોમાંથી નાસી આવેલા ગરાસિયા છોકરાઓ રાવળો અને કુંભારોનાં ગધેડાંને પકડી પકડી ડબામાં પૂરવાનો ઉદ્યમ કરતા હતા, હાથલા થોરના ડોડા ફોલી ફોલી ખાતા, તેતર અને હોલાંના માળામાંથી ઈંડાં ચોરી ચોરીને ચૂસતા હતા. નિશાળો તેમણે છોડી હતી કારણ કે શે’રના છોકરા એમને ‘તખુભા તમે’ કહેવાને બદલે ‘તખતશંગ તું’ એવી તોછડાઈથી સંબોધતા હતા. એ છોકરાઓની જુવાનીમાં ઘરડા બંધાણી વડીલોએ ઝનૂન ફેંક્યું. પહેલી વાર પ્રતાપ શેઠની કડબની ગંજીમાં આગ મુકાઈ. બીજી વાર શેઠનો ઊભો કપાસ ભેળાયો. ત્રીજી વાર શેઠના ખેડુનાં નાનાં નાનાં છોકરાં પર લાકડીઓનો માર વરસ્યો અને એક વાર બબ્બે મહિનાની ટીપ ભોગવીને પાછા ફરેલા જુવાનોની અદબ તૂટી ગઈ. જેલ જવામાં તો આબરુનો ઉમેરો છે: આપણેય આપણા હક માટે જેલ જાયેં છયેં ને?: એ વિપરીત વિચારસરણી ગરાસિયાના છોકરાઓનાં મનમાં ઘર ઘાલી બેઠી. ધીરે ધીરે પ્રતાપ શેઠે ગામ છોડવાનાં પગલાં ભર્યાં. ભાવિ એને કાળું ભાસ્યું. ઇંદ્રનગરના મરહૂમ ઠાકોર સાહેબે એક અમૃતફળનું બી વાવ્યું હતું. અધોગામી ગરાસિયાઓને એણે ભણાવી ભણાવી રાજની નોકરીમાં ભરવા માંડ્યા હતા. ઉપલાં વરણોએ સેંકડો વર્ષથી લગભગ ઈજારે જ કરી કાઢેલો રાજવહીવટ એણે નિશ્ચેતન અને સડેલો બની ગયેલો નિહાળ્યો હતો. નાગર કારભારીઓ સૌને નાગરાણીને જ પેટે અવતાર લઈને નોકરી માગવા આવવાનું કહેતા. બ્રાહ્મણોના કારભારામાં પૂજારીઓનાં જ વર્ષાસનો અને દેવસ્થાનોનાં જ ‘દિવેલિયાં’ વધ્યાં હતાં. વાણિયા પ્રધાનો, લુહાણા પ્રધાનો, ગુજરાતના પાટીદાર કારભારીઓ—પ્રત્યેક રાજને કોમી ઈજારોનું ખાતું કરી મૂકેલ. બહારથી આવનારા એ મહેમાનોએ રાજની ધરતી સાથે કદી હૃદયોને સાંકળ્યાં નહોતાં. તેઓ ‘પરદેશીઓ’ હતા. ઘર ભરી ભરીને ચાલતા થયા. તેઓએ સરકારી શાસકોને રાજની કોથળીઓ વડે સાધ્યા, છતાં રાજાની તો માટીની પ્રતિમા જ બનાવી નાખી. તેઓ બાપુને એક જ દલીલથી ચૂપ કરતા રહ્યા: ‘રાજ ખોઈ બેસશો. સરકારી પ્રપંચોનો પાર આપ શું પામવાના હતા? કુંવર સાહેબને વિલાયત ઉપાડી જતાં વાર નહિ લગાડે, ને ત્યાં મઢમના પ્રેમમાં નાખી દેશે તો રાજનો વારસ બનવા ગોરો છોકરો ઊતરશે. તે દી તમે તો નહિ હો, બાપુ, ને અમેય નહિ હોઈએ, પણ વસ્તીના નિસાસા આપણી ચિતાઓને માથે વરસતા હશે.’ એવાં વિચાર-ચક્રોમાં બહુકાળ સુધી ચગદાતો ચગદાતો રાજા એક દિવસ ચક્રો ભેદવાનું જોર વાપરી શક્યો. એણે નિરુદ્યમી ગરાસિયા બાળકોને અપનાવવા માંડ્યાં. એટલામાં એનું મૃત્યુ થયું. પછવાડે પાંચ વર્ષના કુંવર રહ્યા ને પચીસ વર્ષની વિધવા રાજમાતા રહી. મરહૂમ ઠાકોરના મિત્ર અને પ્રશંસક અંગ્રેજોએ રાજને વાણિયા, બ્રાહ્મણ કે નાગરોના હાથમાંથી સેરવી લઈને રાણીસાહેબની રિજન્સી-કાઉન્સિલ નીમી. પ્રમુખ રાણી સાહેબ ને ઉપપ્રમુખ એક અંગ્રેજ. અંગ્રેજ ટોડનું ‘રાજસ્થાન’ વાંચીને આવ્યો હતો ને ફાર્બસ સાહેબની ‘રાસમાળા’ ભણ્યો હતો. ક્ષત્રિયોનાં પ્રેમશૌર્યની પ્રાચીન તવારીખને સજીવન કરવાના એના કોડ હતા? કે ઉજળિયાત મુસદ્દીગીરીનાં મૂળિયાં જ ખેંચી કાઢવાની એની મતલબ હતી? એ વિષે મતભેદો હતા. રાજના દરિયામાં મોતી પાકતાં ને મુગલ શાહજાદા દારાના આગમનકાળે આંહીં એક સોનાની ખાણ હતી—એ બે વાતોનાં જૂનાં દફતરોની એણે ફેંદાફેદ માંડી ને દરિયો સુધરાવવાની માતબર યોજના એણે રાણી સાહેબ પાસે મૂકી. એ ત્રણેય સાહસોનાં નિષ્ણાતો, સાધનો ને યંત્રો એક ઈંગ્લન્ડની ધરતી સિવાય કોઈને પેટે પાકતાં નથી એવી દૃઢ માન્યતા એણે રાણીસાહેબના દિલ પર ઠસાવી દીધી. ગામમાં વાતો ચાલી કે ગોરાનાં બુલંદ કમિશનો મુકરર થયાં છે. જૂના દીવાન સાહેબોએ જાહેરમાં રાજના બરબાદ ભાવિ પર નિશ્વાસ ઠાલવ્યા, ને ખાનગીમાં એકબીજાનાં હૈયાં ખોલ્યાં કે આપણેય ખાધું છે, એય ખાશે, કોઈએ કોઈનાં છિદ્રો તપાસવાની જરૂર નથી. ગોરાનો ઇષ્ટ પ્રદેશ નિરંતરાય બન્યો, પછી ગોરાને રાણીસાહેબના પ્રદેશમાં માથું મારવામાં પોતાનો અધર્મ સમજાઈ ગયો. રાણીસાહેબનો પ્રદેશ કુંવરનાં મોસાળને હાથ પડ્યો. ‘મામા સાહેબો’એ મરહૂમ ઠાકોર સાહેબની શાણી નીતિનો સવાયો અમલ આદર્યો. રાજની નોકરીઓમાં નર્યા સાફાનાં પચરંગી છોગાં ફરકવા લાગ્યાં. એ રજપૂતીની પતાકાઓએ ગામગામના શ્રીમંત શેઠિયાઓને પોતાના દિવસ પૂરા થયાની લાલ ઝંડી દેખાડી. પીપરડી ગામના રજપૂત રમખાણોમાં પ્રતાપ શેઠે એ રાતી ધજાનું દર્શન કર્યું. આ સાહેબી તૂટશે: તૂટતાં તૂટતાં બેશક એકાદ દસકો તો લાગવાનો. એ દસ વર્ષ નવી તૈયારીની પૂરતી મહેતલ આપી રહે છે. એ મહેતલ વાણિયાના પુત્રને માટે પૂરતી કહેવાય. ઇતિહાસના કારમા યુગ-પલટાને પાર કરતો કરતો વૈશ્ય આજ સુધી મોજૂદ રહ્યો છે, કેમ કે એણે પરિવર્તનોને પિછાન્યાં છે, ને પરિવર્તનોમાં બંધબેસતું ચક્ર બની જવાની બુદ્ધિ એની જીવતી રહી છે. પ્રતાપ શેઠે એક બાજુથી પોતાની નબળી દશા પર વાટો કરી લીધો. ઓરડા ઓઢી ઓઢીને વસ્ત્રહીન હાલતમાં બેઠેલી ગરાસણીઓને બાજરો પહોંચતો કરવાની ગલતી એણે વખતસર સુધારી લીધી. એની કોમળ આંખે ફરી એક વાર કરડાઈ ધારણ કરી લીધી, ને બીજી તરફ એણે પોતાના બાર વર્ષના કિશોરનું ભણતર સંભાળવા ઇંદ્રનગરમાં વસવાટ લીધો. કિશોર હાઈસ્કૂલમાં બેઠો ને પિતાએ કાઉન્સિલના ગોરા ઉપપ્રમુખની નવી યોજનાઓમાં પોતાની વ્યાપારી કુનેહનું સ્થાન શોધી લીધું. ઇંદ્રનગરની પેઢી એણે જમાવી નાખી. પીપરડીમાં એણે આરબોના પહેરા ગોઠવ્યા. બાર રૂપિયાનો દરમાયો ખાનાર આરબ, અફીણ ખાનાર રજપૂતોનાં માથાં ભાંગી જાણે છે, ને બાપુકી જમીનને માટે જીવન કાઢી આપવાનું કહ્યા કરનાર ગરાસિયાનો તો શો ડર હોઈ શકે આ બાર રૂપિયામાં પોતાની જાનફેસાની કરી દેખાડનારી આરબી નિમકહલાલીને? રોજ સાંજરે કિશોર નિશાળેથી પાછો ફરતો ત્યારે પ્રતાપ શેઠ પ્રથમ પહેલી તો એની ડોક તપાસતા. ડોકમાં પાવલીની માદળડી પહેરેલી છે કે નહિ! ને માદળડીને હાથમાં રમાડી પ્રતાપ હિસાબ ગણતો: નવ ને ત્રણ બાર, બાર ને ત્રણ પંદર—આજ એ પંદર વર્ષનો જુવાનજોધ હોત. આજ એ કોલેજનું એક વર્ષ વટાવી ગયો હોત. એને હું દાક્તર બનાવત? ઈજનેરીમાં મોકલત? આઈ.સી.એસ. થઈ શકે તેવો એ તેજસ્વી હોત કે નહિ? કેમ ન હોત? મારું પ્રથમ યૌવન જ એના શક્તિ-કણો બાંધનારું હતું. તે દિવસ હું મુંબઈથી પાછો આવ્યો ત્યારે લોકો નહોતાં વાતો કરતાં કે અદાલતમાં એ ચાર વર્ષનો પણ સર્વને સાત વર્ષના જેવડો લાગેલો? હમીર બોરીચો જ મને કોઈ કોઈ વાર નહોતો કહેતો કે એની મા વગર એ આખો દિવસ ઘરને ઓટે એકલો ભૂખ્યો ને તરસ્યો બેઠો રહેતો? બ્રાહ્મણો નહોતા બોલતા કે તે દિવસની રમઝટમાં એ છોકરો નવી નવાઈનો જીવતો રહ્યો? પિતા પોતે જ એક વાર માની જોડે નહોતા વાતો કરતા કે છોકરો વાણિયણને પેટ પડ્યો હોત તો પીપરડી જેવાં પાંચ ગામનો ગરાસ પોતાને ઘેર બાંધી લાવત? આજ એ ક્યાં હશે? હશે જ શેનો? અનાથાલયના બુઢ્ઢા સંચાલક જીવે છે કે નહિ? —પૂછું તો ખરો. કિશોરના શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં એણે કોઈ ભક્તજનની માળાના મણકા જેવી સ્મૃતિઓના જાપ જપ્યા. પંદર વર્ષ: જોબનજોધ હોત! કોલેજમાં - ઇજનેરીમાં - દાક્તરીમાં - આઈ.સી.એસ.માં - ક્યાં હોત! કાઉન્સિલના ઉપપ્રમુખની પાસે અંગ્રેજી વાતો કરવાની મને મૂંઝવણ જ શાની રહી હોત? એને જ ગોરા પોશાકમાં સજાવીને ન મોકલત? આંખો ફરી એક વાર ભીની બની. કિશોર પિતાને ક્લાસની વાતો કરી રહ્યો હતો: “બાપુજી, આજે ચિતોડના રાણા સંગ ને એના ભાઈ જેમલ પૃથુરાજની વાર્તા ચાલી હતી. સંગ સૌથી મોટો—એને દેશવટો મળ્યો’તો. જેમલ ને પૃથુરાજ કેવા ક્રૂર! સંગ જેવા મોટા ભાઈને દેશવટે કઢાવ્યો, બાપુજી!” બાપુની આંખમાંથી દડ દડ ચાર ટીપાં દડ્યાં. “બાપુજી, એ તો ચોપડીઓની વાત. ખોટી વાત. જોડી કાઢેલી વાત. તમને રડવું કેમ આવે છે?” “તારો મોટો ભાઈ આજે પંદર વર્ષનો...” એટલું કહી પ્રતાપ શેઠ ઊઠ્યા. એણે ગાડી જોડાવી. એ કપડાં પહેરતાં હતા ત્યારે કિશોરની બા આવ્યાં. એણે કહ્યું: “હિસાબ ગણવામાં તમે ભૂલ કરી છે.” “શેનો હિસાબ?” “કિશોરે મને કહ્યું. આપણો મોટો આજે પંદરનો ક્યાંથી હોત? બારનો હોત. કિશોરને ને એને ત્રણ વર્ષનો ફેર—ભૂલી ગયા?” “મારી ભૂલ થઈ.” “એવી ગઈ-ગુજરી યાદ કરવાનું હમણાં રહીને રહીને ક્યાંથી સૂઝ્યું છે? કિશોર મારો હેમખેમ રહે તો ઘણું છે. માદળડી નાખ્યા પછી નખમાંય રોગ રહ્યો છે? કેવો ડિલ કાઢી રહ્યો છે! તમે મને મૂરખી ને વહેમીલી કહેતા હતા. આજ તો રાતા પાણીએ રોતા હોત—જો હું મૂરખી ન થઈ હોત તો!” “સાચું છે.” કહીને પ્રતાપ શેઠ ઘરના વાતાવરણમાંથી વેગભેર બહાર નીકળી ગયા. અનાથાલયને દરવાજે એણે ગાડી ઊભી રાખી ત્યારે અંદરથી હાકોટા સંભળાતા હતા: “ખબરદાર, એય બાડા, ફરી વાર ખીચડી માગવાની નથી. નહિતર ચામડું ચીરી નાખીશ.” ગાડીનો ઘમકાર સંભળાયો એટલે એક આદમી બહાર આવ્યો. એની ઉંમર ઓગણીસ-વીસ વર્ષની હતી. એની જમણી કાખમાં લાકડાની ઘોડી હતી. એનો ડાબો પગ લૂલો હતો. એનું મોં જાણે કે કોઈ સ્વતંત્ર ઘાટ નહોતું ધરાવતું. કોઈ ચોક્કસ બીબામાં ઢાળેલાં ઢાળકી જેવી એની સિક્લ હતી. એણે ખબર આપ્યા: જૂના સંચાલક ગઈ કાલે જ ગુજરી ગયા. “તમે કોણ છો?” “આંહીંનો આસિસ્ટંટ છું. અંદર પધારો ને? છોકરાં ખાઈ રહ્યાં છે. આપને ગીતો સંભાળાવીએ.” પ્રતાપ શેઠ અંદર ગયા અને છોકરાઓએ આ લાકડાની ઘોડી પર ઠેકતા માણસનો ઇશારો થતાં અરધું ખાધેલું પડતું મૂકીને ઝટપટ હાથ ધોઈ હારબંધ ગોઠવાઈ ગીત ઉપાડ્યું: નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નઇં...ઈં...ઈં....ઈં. પ્રતાપ શેઠનું ધ્યાન એ ગીતમાં નહોતું. છોકરાં પોતપોતાનાં શકોરાંને ચાંચોના પ્રહાર કરતા કાગડા તરફ ઘાતકી નજર કરીને કાગડા ઊડે તે માટે સ્વરોને વધુ કર્કશ બનાવતાં હતાં. “તમે આંહીંના છો?” “આંહીંનો અનાથ જ છું.” “કેટલાં વર્ષથી?” “બાર.” “તમારા વખતમાં કોઈ બાળક આંહીંથી ગુમ થયેલો?” “હા, એક હોઠકટો હતો.” “કેવડો હતો?” “ચારેક વર્ષનો, પણ હઠીલો હતો. સલામ નહોતો ભરતો.” “ભાગી ગયો છે?” “શું થયું તે ખબર નથી.” “હોઠકટો હતો?” “હા, એના હોઠને દવાખાને નસ્તર મુકાવવું પડેલું.” “કેમ?” “કૂતરીએ વડચકું ભરેલું.” “કેમ કરતાં?” “કૂતરીને ધાવવા વળગેલો.” લાકડાની ઘોડીવાળા માણસે હસવું ખાળવા મોં આડે હાથ દીધા. “તમે આંહીં શું કરો છો?” “મને આસિસ્ટંટ કાર્યકર્તા તરીકે નિમણૂક મળવાની છે. જૂના ‘સાહેબજી બાપુ’ મરી ગયા તેમણે એક સીલબંધ કવર રાણી સાહેબને સોંપવા મૂકેલું છે. એમાં બધું લખ્યું હશે.” “ઠીક.” કહીને પ્રતાપ શેઠ ચાલવા લાગ્યા. “આ તકતીઓ જોઈ આપે? રૂપિયા પાંચસોમાં અમર નામ થઈ શકે છે. અહીં આપના કોઈ સદ્ગત બાળકના સ્મરણાર્થે....” લૂલો જુવાન એવું બધું બોલતો રહ્યો, ને ગાડી ચાલી ગઈ.