ફેરો/૧૧

From Ekatra Wiki
Revision as of 10:29, 8 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧|}} {{Poem2Open}} સૂરજ આથમતો હતો પેલા પર્વતની પાછળ. સમુદ્રનાં ઊછળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧

સૂરજ આથમતો હતો પેલા પર્વતની પાછળ. સમુદ્રનાં ઊછળતાં ઊછળતાં રૉયલ બ્લ્યૂ જળમાં રંગબેરંગી માછલાં સપાટી પર આવી આવીને ઊંડે ક્યાંક ખોવાઈ જતાં હતાં. કિનારાની એક પ્રલંબ નાળિયેરીની છેક ટોચની ડાળે ભગવાં વસ્ત્રો પરિધાન કરેલો, શ્વેત જટા-દાઢીવાળો કોઈ અવધૂત પુરુષ અધ્ધર લટકતો હતો અને તેનાં ચરણ પ્રાણપણે પકડી હું તેને ટીંગાતો ઝૂલતો હતો. પવનનો એક હડદોલો આવ્યો. હું નાળિયેરીન જરઠ દેહ સાથે ભટકાયો. ખિસ્સામાંથી મારી પેન પડી ગઈ. એને લેવા અનાયાસે જ જમણો હાથ છૂટી ગયો...એ...ગઈ...ગઈ. ‘જોજો હાથ છોડી દેતા, બાબા.’ ત્યાં તો શ્વેતકેશી યોગીની પાંખો હાલવા લાગી...આ દેવદૂત મને ઉગારી શકે તો પછી... નાળિયેરી સમૂળી હચમચવા લાગી. હું લોલકની જેમ તાલબદ્ધ હીંચવા લાગ્યો.... ‘જરા કાન ખોલી સાંભળો મહેરબાન, તમારા કાન ફક્ત પાંચ જ મિનિટ માટે મને આપવા કૃપાવંત થજો મારા સાહેબો...’ હું ઝબક્યો. સાંભળવાના કંઈ પૈસા પડતા નથી. આપનો કીમતી સમય વધારે નહીં લઉં. (આ માણસે મને ઊંઘમાંથી જગાડ્યો તોયે ગમ્યો.) પેસેન્જરમાં પ્રવાસ કરતાં ભાઈબહેનોને અમારી પ્રખ્યાત બનાવટ ગંગા-જમના દંતમંજન એક વાર અજમાયશ કરી જોવાની હું ભલામણ કરું છું. કોઈ માતા યા ભ્રાતાના દાંત દુખતા હોય, કાળી કળતર થતી હોય, દાંતના દુખાવા પર દાક્તરોની દવાઓ કરી કરી પૈસાનાં પાણી કર્યા પછી હારી ખાઈને કૂવે પડવાનું મન થતું હોય, નાતવહેવારમાં ગળ્યું દાંતે ન અડાડી શકાતું હોય, તેમને ડૂબતાના તણખલા તરીકે અમારું આ ગંગાજમના દંતમંજન વાપરી જોવાની વિનંતી કરું છું. અમારી આ બનાવટનું નામ ગંગા-જમના હેતુ સમજીને જ રાખ્યું છે. જમના મૈયા કાળાં છે ગંગાજી ગોરાં છે. જમના જેવા શ્યામ દાંતને ગંગા જેવા સફેદ કરવા માટે અમે જનતાના લાભાર્થે દરેકના ખિસ્સાને પરવડે તે રીતે આ મંજન બહાર પાડ્યું છે. શરીરને કડવા રસની ખાસ જ જરૂર છે. મીઠો રસ પેટમાં પધરાવીને આપણા બદન ને દાંતોની પાયમાલી આપણે હાથે કરી વહોરીએ છીએ. અમારું આ મંજન લીમડાની છાલના રસમાં ઘૂંટીને બનાવેલું છે, જેથી શરીરને પૂરતો કડવો રસ મળી રહે. આ ઍલોપેથિક નહીં, પણ આયુર્વેદની જડીબુટ્ટી જેવું દંતમંજન છે.’ સહેજ શ્વાસ લઈ ખોંખારો ખાઈ એણે વળી આગળ ચલાવ્યું : ‘તમારામાંથી કેટલાંયે જાત્રાએ જતાં હશે. તો શું પરુવાળા દાંતે તમો માતા જેવી પવિત્ર નદીઓમાં મોં ધોઈ આચમન કરશો? તમારા રોગિષ્ઠ દાંતના જંતુઓથી બીજા યાત્રિકોને અભડાવશો મારી બહેનો? હું કોઈને ખોટું બોલી છેતરવા માગતો નથી... ફક્ત પાંચ મિનિટ... એક શીશીના માત્ર ચાર આના, જે ચાના સ્પેશિયલ કપ બરાબરના છે, મારા ભાઈઓ. આ ડબ્બામાં મહાત્મા ગાંધી જેવી તપોમૂર્તિના સોગંદ ખાઈને કહું છું કે કોઈનો પણ દાંત દુખતો હોય, દાઢ હાલતી હોય તો તે મને બતાવે અને પાંચ જ મિનિટમાં અમારા ગંગા-જમનાનો ચમત્કાર જોેઈ લ્યે.’ ડબ્બામાં કોઈ સસળ્યું નહીં એટલે પેલાએ જાહેર કર્યું : ‘મારી માતાઓ, બીજું સ્ટેશન આવવાને પાંચ જ મિનિટની વાર છે. કોઈની પણ ઇચ્છા હોય તો મૂંઝાયા વિના તુરત બોલી દો. પાણીના દામે દાંતની દવા આપનાર કોઈ માઈનો લાલ નહીં આવે. એક માજીએ, ‘એલા ભઈ, આ દાંત જો ને’ કહી એક હાલતો દાંત દેખાડ્યો. મંજનવાળાએ મંજન કાઢી ચોપડ્યું. અર્ધો ડબ્બો રસપૂર્વક જોઈ રહ્યો હતો. કો’ક બબડતું હતું – અભણ લોકો આવા ઊંટવૈદામાં ભોળવાય છે. ત્યાં તો ચીપિયા વડે ચૂલામાંથી કોલસો ઉપાડે તેમ પેલાએ માજીનો દાંત ઉપાડ્યો. મેં મારી બત્રીસી ઉપર સડસડાટ જીભ ફેરવી લીધી. ભૈના દાંત તો દૂધિયા છે. નવા ઊગવા માટે પડે છે; પણ મારા દાંત એક વાર જો હાલ્યા, તો...માજીનો દાંત કોઈ ચમત્કારિક તાવીજ હોય એમ દરેકને દર્શન કરાવી એણે બારી બહાર ફેંકી દીધો. માજી હસતાં હતાં. છીંદરીના છેડેથી અધેલી છોડી બે શીશી ખરીદી લીધી. મારી પત્નીના દાંત તમાકુવાળાં પાન ખાવાની એના કાકાએ નાનપણમાં પાડેલી ટેવને કારણે પીળા હતા. મને ય લેવાનું મન થઈ આવ્યું, પણ સંકોચ થયો, પરંતુ મારો વિચાર અને એનો આચાર – આ પહેલવહેલી વાર – એક થયાં. વગરપૂછ્યું એણે શીશી લીધી. સ્ટેશન આવ્યું. પેલા સેલ્સમૅન અને ચમત્કારિક મંજનવાળો બેઉ ઊતરી ગયા.