મેઘાણીની સમગ્ર નવલિકા 2/સદાશિવ ટપાલી

From Ekatra Wiki
Revision as of 08:58, 15 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સદાશિવ ટપાલી
[૧]

“થાવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે!” આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાળોટાના રણકાર સારા બોલ્યા. “જોયું! મારી તાળી પણ સાક્ષી પૂરે છે!” એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહી-છલકતી પીઠ પાછળ દોડી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દૃષ્ટિ તીણું ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુક્લાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો. લોટ માગવાનો વ્યવસાય મોળો પડ્યો હતો. મોરુકા વખતની કણબણો ખોબા ભરીને લોટ દેતી, તે હવે રાંધણિયામાંથી જ ‘હાથ એઠા છે, મા’રાજ!’ કહીને શુક્લોને વિદાય દેતી. જાત-મહેનતના ધંધામાં હીણપ લાગતી, એટલે ભવાનીશંકરકાકાની ડેલીએ શુક્લ ન્યાતના નવરા બ્રહ્મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે સદાશિવ ટપાલીની ચર્ચા મંડાઈ. “ભવાનીકાકા! ઘર બંધાવા દ્યોને બાપડાનું! બિલાડાની જેમ ‘વઉ! વઉ!’ કરી રહેલ છે!” “એમ કાંઈ ઘર બંધાશે! મોટો ભાઈ કુંવારો મૂઓ, તેનાં લીલ પરણાવ્યાં નથી, બાપનું કારજ કર્યું નથી. અરે, પોતેય જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પે’રી લીધા છે. આટલી પેઢીથી ન્યાતનાં ભોજન ઊભે ગળે ખાધાં છે, અને હવે ખવરાવવામાં ઝાટકા શેના વાગે છે!” “બાપના વખતનું કંઈ ઘરમાં ખરું કે નહિ, ભવાનીકાકા?” “ખોરડું છે ને! શીદ નથી વેચતો?” “પણ પછી એને રે’વું ક્યાં?” “એને શું છે! વાંઢો છે. આપણા ખડવાળા ઓરડાની ઓસરીને ખૂણે ભલેને રોજનાં બે દડબાં ટીપી લ્યે; કોણ ના પાડે છે?” “પણ અત્યારે કોણ એ ખોરડાનાં નાણાં દેતું’તું?” “ન્યાતનું મોં મીઠું થતું હોય, ન્યાતનો ધારો સચવાતો હોય ને એનું પણ સારું થતું હોય તો હું રાખી લઉં.” “હા! ભવાનીકાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે. દીકરા મોટા: જુવાન દીકરી ઘરમાં: પોતાનું ત્રીજી વારનું પરણેતર... વસ્તાર તો વધે જ ના!” “ભવાનીકાકાને સળંગ ઓસરીએ એના બે શીરાબંધ ઓરડા ઊતરે હો!” “મારે તો ઠીક, સાંકડ્યેમોકડ્યે ચલાવી લેવાય. પણ આ તો ન્યાતનું ભૂષણ નથી રે’તું: ન્યાતનો ધારો તૂટે છે, શુક્લ બામણનાં બસો કુટુંબોનાં મોઢાંમાંથી મીઠો કોળિયો જાય છે.” એ વખતે જ ભવાનીશંકરકાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઈ ઓરડે ચાલી ગઈ. મંગળાની હેલ્ય ઉપર કાગડો બેસે એ રીતે ઊડી-ઊડીને બ્રાહ્મણોનાં હૈયાં એ રૂપ ઉપર રમવા લાગ્યાં. કોઈ ટીખળીએ કહ્યું: “કાકા! સદાશિવને જમાઈ જ ન કરી લેવાય?” “નરહરિશંકર!” કાકા કોચવાઈ ગયા: “કાગડાને મોતીના ચારા નીરનાર હું ગમાર નથી. હું અંબાજીનો ઉપાસક દ્વિજ-પુત્ર છું. દ્વિજોનો પણ શુક્લ છું. એથી તો દીકરીને દૂધ પીતી કરીશ, પણ કઠેકાણે કેમ નાખીશ?” જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં, ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર, લઠ્ઠ પગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. “દાક્તર સાહે...બ’, ‘ફોજદાર સાહે...બ’, ‘હીરાચંદ પાનાચંદ’, ‘સપાઈ દાદુ અભરામ’, ‘પગી ઝીણિયા કાળા’ અને ‘મેતર માલિયા ખસ્તા’ એવા સિંહનાદે એક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો સદાશિવ સડેડાટ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડ્યા વિના, ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો શુક્લ, અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે ‘મારો કાગળ છે!’ તો જવાબમાં ‘ના જી’ને બદલે એકલી ‘ના’ જ કહેવાની સદાશિવિયાની તોછડાઈને કારણે નગરશેઠે પોસ્ટખાતાને ફરિયાદ કરી હતી. ‘નૉટ-પેઇડ’ થયેલું પરબીડિયું છાનું વાંચવા દઈને પાછું લઈ જવાની એણે ના પાડેલી, તેથી મ્યુનિસિપાલિટીના નવા ‘કાઉન્સિલર’ જમિયતરામભાઈનો એ ગમારે ખોફ વહોરેલો. પરિણામે એના ખોરડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તે નહોતી મળી. પણ સદાશિવ ટપાલીનો કોળીવાડાને, કુંભારવાડાને તેમ જ ઢેઢવાડાને ભારી સંતોષ હતો. ઘર-ધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તડમાંથી સેરવી આવતો. ઢેઢવાડાના કાગળો એ ઠેઠ રામદેવ પીરના ઘોડાની દેરી સુધી જઈને આપી આવતો. માલિયા ઝાંપડાનું રજિસ્ટર આવેલું, તેની પહોંચ પોતે છાંટ લીધા વગર જ લઈ લીધેલી. અને ગલાલ ડોશી કહેતાં કે, “મારા દીકરાનું મનીઆડર આવેલું તે દિ’ હું ખેતર ગઈ’તી તે સદાશિવ બાપડો દિ’ આથમતાં સુધીમાં ત્રણ આંટા ખાઈને પણ તે દિ’ ને તે દિ’ પૈસા પોગાડ્યે રિયો’તો. તે દિ’ જો મને નાણાં ન મળ્યાં હોત ને, તો તળશી શેઠ ઉધાર માંડીને બાજરો આપવાનો નો’તો!” ને, તે સાચે જ શું સદાશિવ રૂપાળો હતો? હા; એની સચોટ સાક્ષી જો’તી હોય તો પૂછો ભવાનીશંકરકાકાની જુવાન દીકરી મંગળાને. પણ ના, ના; મંગળાને એમાં શું પૂછવું છે? બ્રાહ્મણ માબાપનું કિશોરબાળ પૂછ્યે જવાબ પણ શો આપવાનું હતું! પોસ્ટ-ઑફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી, ત્યારે સદાશિવ એને બેડું ચડાવવા આવતો ખરો; પણ એ કદી હસ્યોય નહોતો, મંગળાની સામે ટીકતોય નહોતો; બની શકે તેટલો છેટો રહીને બેડું ચડાવતો. ગામની મેમણિયાણીઓ આડાં બેડાં નાખીને જોરાવરીથી મંગળાનો વારો ટાળતી, ત્યારે સદાશિવ ખડે પગે ઊભો રહીને મંગળાને રક્ષણ દેતો. પણ એ કાંઈ પ્રેમ કહેવાય! પ્રેમ શું એવો મૂઢ હોય! પ્રેમની તો અદ્ભુતતા હોવી જોઈએ ને! મંગળા તો ગામની કન્યાશાળામાં પાંચ ગુજરાતી ભણી હતી. દાક્તરે દીકરીઓને અંગ્રેજી શીખવવા ઘેર એક માસ્તર રાખ્યો હતો. ત્યાં જઈને અંગ્રેજી ભણવા માટે પણ મંગળાએ મન કરેલું. પણ ભવાનીશંકરકાકા તો શુક્લની દીકરી અર્ધે માથે અને ખસી ગયેલે ઓઢણે ‘વંઠેલ’ ભાષા ભણવા બેસે તે કલ્પનામાત્રથી જ કંપી ઊઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી, અને કન્યા શાળાના મેળાવડાઓમાં ગીત-ગરબા તેમ જ સંવાદોમાં પાઠ લેવા દીધેલા, તે તો કોઈ સારો મૂરતિયો મેળવવાના હેતુથી. કોઈ દરબારી કે સરકારી અમલદાર મળી જાય, તો મંગળાને પણ ભયોભયો: પોતાનો પણ વશીલો: દીકરાઓને કન્ટ્રાક્ટનાં બહોળાં કામકાજ હાથમાં આવે... એ બધું એમની ગણતરી બહાર નહોતું.

[૨]

શુદ્ધ શુક્લ-ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળી: ઇડર રાજના ‘પબ્લિક પ્રોસિક્યૂટર’ રાંડ્યાં. ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી. એની ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યૂટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સાર્ટફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ ભવાનીશંકરકાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી? મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઈ રહેવાનાં હતાં. ટૂંકામાં, પ્રોસિક્યૂટર પચાસ માણસોની જાન લઈને એક દિવસ આવ્યા. ઇડરના ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઈને એક કલાક માટે પ્રોસિક્યૂટરની જાનમાં આવ્યા, તે બનાવે તો આખા ગામને હેરત પમાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાનીશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેંત અધ્ધર ચાલતા થયા. પ્રોસિક્યૂટરે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને ઢેઢવાડા ધરાયા ને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્યાં. ઈડર રાજનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી જલસા કરાવી ગયું, એ તો અવધિ થઈ ગઈ. આવી જાહોજલાલીથી પરણી ઊતરેલી પંદર વર્ષની ઉગ્રભાગી મંગળા ઈડર રાજ્યના પ્રોસિક્યૂટરની અર્ધાંગના બની. ‘અર્ધાંગના’ શબ્દ આંહીં અલંકારમાં કે કટાક્ષમાં નથી વાપરેલો. સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો, ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો. ઈડર રાજના પ્રોસિક્યૂટરની પડખોપડખ બેઠેલી બહેન મંગળા એના પિતા ભવાનીશંકર પંડ્યાને તો બરોબર કોઈ ઘટાદાર આમ્ર-વૃક્ષને વળુંભતી માધવી-લતા સમાણી લાગી હતી. પણ આ તો આડા ઊતરી જવાયું. કહેવાનું એ હતું કે, બહેન મંગળા પરણીને સિધાવી તેના વળતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો. પોસ્ટ-ઑફિસ સામે એક બગીચો હતો, તેના બાંકડા ઉપર બેસીને બે-ચાર પૈસાનાં ભજિયાં કે ગાંઠિયા ખાઈને ફુવારાના નળનું પાણી પી લેતો. વાણિયાની દુકાનનાં ભજિયાં-ગાંઠિયા ખાઈને સદાશિવ ટપાલીએ બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો, એનું એક કારણ કહેતાં ભૂલી જવાયું છે. જે દિવસ મંગળાના વિવાહની ચોરાસી જમી, તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું સહેજ જળી ગયેલું રેશમી પીતામ્બર પહેરી, પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસતનો ચકચકિત લોટો લઈ ચોટલી ઓળી, ખાસું ચાર ઇંચનું ત્રણ-પાંખિયાળું ત્રિપુંડ તાણી જમવા ગયો. પણ પંગતમાં બેસવા ગયો ત્યારે એને દરેક તડાએ ‘આંહીં નહિ... આંહીં જગ્યા નથી...’ કહીને તારવેલો, ટલ્લે ચડાવેલો. ચોરાસીની ન્યાતમાં તે દિવસ સદાશિવ ટપાલીની દશા દ્રૌપદી-સ્વયંવરમાંના દાસી-પુત્ર કર્ણના જેવી થઈ હતી. દાઝમાં ને દાઝમાં ગમારે બોળી માર્યું કે “શું હું શુક્લ બ્રાહ્મણ નથી?” એ વખતે કોઈકે અવાજ કર્યો: “વાં....ઢો! ત્રીસ વરસનો ઢાં...ઢો!” કોઈ શિકારી શ્વાનના જૂથને સિસકારે તેવી મજાની આ શબ્દોની અસર થઈ હતી: ખિખિયાટી અને હસાહસ ચાલ્યાં હતાં. કોપાગ્નિમાં સળગતા સદાશિવે જવાબમાં હૈયે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે “વાંઢો-વાંઢો કરતા લાજતા નથી? શા સારુ પારકાને તેડાવીને દીકરિયું દઈ દિયો છો? શું અમે મજૂરી કરીનેય બાયડીનાં પેટ પૂરતા નથી? શું અમને બાયડી વા’લી નથી? શા સારુ પારકાને—” એ જ વખતે કાકો ભવાનીશંકર શુક્લ આ રંગભૂમિ પર દેખાયા. એણે સદાશિવની બોચી ઝાલી આટલું જ કહ્યું: “હું સમજું છું તારા પેટનું પાપ. જા! બાપનું કારજ કર્યા પછી જ પંગતમાં બેસવા આવજે!” સદાશિવ ટપાલી ઘેર ચાલ્યો ગયો. પછી એ આખા બનાવમાંથી ફક્ત એક જ બિના એ વારેવારે સંભારતો, ને મનમાં ને મનમાં બબડતો કે, ‘તે વખતે બાઈઓની પંગતમાં મંગળા બેઠી’તી ખરી! એણે ખિખિયાટા કર્યા’તા ખરા? આજ બે વરસે હું શા સાટુ નીમ તોડીને ન્યાતમાં ગયો? મંગળાને છેલ્લી વાર જોઈ લેવાનો મોહ કેમ ન છોડ્યો? એ ત્યાં બેઠી હતી ખરી? એ હસી હશે ખરી? એના દેખતાં જ શું આ ફજેતી થઈ?’ તે દિવસથી સદાશિવ ઉઘાડેછોગ વાણિયાનાં ભજિયાં ખાઈને ન્યાત ઉપર દાઝ કાઢતો હતો.

[૩]

ભવાનીકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો થેલો ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળે છે. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો છે. બન્ને એકલા છે: બન્ને મૂંગા છે: બન્નેને તાપમાં તપતાંતપતાં, બસ, કેવળ પંથ જ કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વાદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા; અને બીજાના માથા પર અનેક માનવીઓનાં સુખ-દુ:ખની છૂપી-અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ-તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ સદાશિવના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર, એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્નેનું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઈ-શોષાઈ જતી: સદાશિવનું જીવન-વહેણ પણ એકલતાની ધરતીમાં ઊતરીને વરાળ બની જતું. પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાને તો એક ચપતરી મોકલવાનું પણ કોઈ સરનામું નહોતું. ઘણી વાર તેની આંગળીઓ ત્રમ્-ત્રમ્ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત ‘તમો સુખી છો?’ એટલું જ લખીને ચોડ્યો હતો. સરનામું ‘બેન મંગળા, ઠે...’ એટલું લખતાં તો આંગળીઓ પરસેવે ટપકી ગયેલી; ને એ કવરની ઝીણીઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે, કોઈ ન દેખે તેમ, નદીમાં પધરાવી દીધેલી. જગતમાં ‘વાંઢા’ જેવો કોઈ ગહન કોયડો છે ખરો? એને કોઈ પડોશમાં ઘર ન આપે: કોઢિયા ને રક્તપીતિયા જેવો એ ભયંકર છે. એનું ટીખળ સહુયે કરે; પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ છે. પાડોશના બાળકને જો એ પીપરમીટ લાવીને આપે, તો તે ઘડીથી ‘બબલીની બા’ અને આ પીપરમીટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલીક ‘ડીગ્રી’ને ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ ‘બબલીના બાપા’ રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરાં સમજે કે, ‘પીટ્યો અમને સંભળાવવા સારુ આરડે છે!’ એ જો મૂંગો મરી રહે, તો ‘હલકા મનસૂબા’ ગોઠવતો લાગે. એની આંખો અમસ્થી જોતી હોય તો પણ ‘ચકળવકળ’ થતી લાગે. એની અનંત વેદનાઓને વ્યક્ત થવામાં સભ્ય વાક્ય એક જ: ‘મારે રોટલા-પાણીની વપત્ય વડે છે!’

[૪]

“મારું કરમ ફૂટી ગયું, ભાઈ! દીકરી મંગળાનો ચૂડો ભાંગ્યો.” “ઓચિંતાનું શું થયું?” “હરિ જાણે! જમાઈની કાયા તો કંચન સરખી હતી; પણ એકાએક હૃદય બંધ પડી ગયું. ઓછામાં પૂરું દરબારે મકાન પણ પાછું લઈ લીધું; જમીન આપી’તી તે રાજમાં દાખલ કરી દીધી, અને દીકરીને પહેર્યે લૂગડે બહાર કાઢી.” “આ તે શો કોપ!” “હું જાણું છું, ભાઈ, જાણું છું: દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમુખો સદાશિવિયો તે દિ’ નિસાપો નાખી ગયેલો ને શરાપી ગયેલો. વાઘરીવાડે જઈને કાંઈક કામણટુમણ પણ કરાવતો હતો. એનાં પાપ મંગળાની આડાં ફરી વળ્યાં.” ભવાનીકાકાની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે: જમાઈરાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહિ પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું. એ માધવી લતાનો ઓધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઈ પડ્યો હતો.

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની કીકી એની કેડ્યે રમે છે. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી. વરના પિત્રાઈઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઈ આ ‘રાંડમૂંડી’ને માસિક બે રૂપિયા જિવાઈના ઠરાવી આપ્યા છે. ભવાનીકાકાને નવી વહુથી થયેલી બાળગોપાળ-વાડી બહોળી હોઈ આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું; પણ મંગળાનો રંડાપો એને ભારી ઉપયોગી થઈ પડ્યો: નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંગળા જ કરશે; અને એટલી બધી સુવાવડને કારણે નવી મા માંદાંસાજાં રહે છે, તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે. નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી ગોહિલવાડમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઈ રંગ ઊઘડતો! ભવાનીકાકાને નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા પર પછેડી લઈ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘર-કામ હોય, તેથી બળતે બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઈને જ સદાશિવ હલકારાનો કેડો જાતો. એ રીતે કોઈકોઈ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ટપાલી — ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથું જણ ભળતું: રાંડીરાંડ મંગળા. મંગળાની કીકી સારુ સદાશિવ પોતાની કેડ્યે પીપરમીટની પડીકી ચડાવી રાખતો. કોઈકોઈ વાર થેલો ઝાડના થડ પાસે મેલીને માટી ખોદી આપતો, ગાંસડી ચડાવતો; પણ અગાઉની માફક જ મૂંગો રહેતો. સામી મીટ માંડતો હતો ખરો, પણ સસલાની માફક બીતોબીતો. હા! ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઊગ્યું: આ ઓરિયાની અંદર મંગળા થોડેક વધુ ઊંડાણે ઊતરી જાય... એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે... એ ક્ષણે જ પોતે નીકળે... નાની કીકી રોતી હોય, મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મૂંડો જરીક બહાર દેખાતો હોય, તે નિશાનીએ દોડીને પોતે મંગળાને એ દડબાં નીચેથી બહાર કાઢે, પાણી છાંટે, પવન નાખે, જીવતી કરે; ને પછી— આહાહા! પછી શું? અદ્ભુત કોઈ નવલકથાના વીરની માફક મંગળાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી; ઘર માંડવું હતું: આ માટીથી ઓરડો લીંપાવવો હતો. મંગળાને માથે ભલે વાંભ એકનો ચોટલો ન હોય, ભલે મૂંડો જ રહે, ભલે એનું રૂપ શોષાઈ ગયું, સદાશિવ તૈયાર હતો. પણ જીવતર ક્યાં નવલકથા છે! આવા કશા જ દટણપટણની જરૂર ન પડી. એવો એક દિવસ સીધીસાદી રીતે આવી ગયો કે જ્યારે દુ:ખના ડુંગરા હેઠ ચંપાતાંચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા-મારવાની હિંમત ભીડી. મંગળા એટલું જ બોલી: “આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુ:ખ ભોગવવાય હું તૈયાર છું.” સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યું: “આ નદીની સાક્ષી: આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.”

વૈશાખ શુદ પાંચમની રાતે નદી-કાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ શુક્લ બ્રાહ્મણોના હાથની ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્યાં: પરણવા બેઠેલાં ટપાલી સદાશિવનું ને વિધવા મંગલાનું, તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું. વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો. બેશુદ્ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બડબડતો હતો. ગામના બ્રાહ્મણો એને ‘સાળો વીશવો આર્યસમાજીડો!’ કહી ઓળખતા. ત્રણેય જણાં એક પખવાડિયે દવાખાનામાંથી સાજાં થયાં. સદાશિવને પોસ્ટ-ખાતામાંથી ‘બરાબર નોકરી કરતો નથી’ તે કારણે રજા મળી. કોળીવાડને પડખે એ બેય જણાંને ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું. કોળીઓ ભેગા થઈને કહે, “મા’રાજ! તું જો કે’તો હો ને, તો અમે ઈ પચાસેય શુક્લોનાં ઘરમાં આવતા અંધારિયે ગણેશિયા ભરાવીએ.” સદાશિવે હસીને ના પાડી. ને દુનિયા શું આટલી બધી નફટ છે! એની નફટાઈની અને એના ભુલકણા સ્વભાવની તે શી વાત કરવી! સદાશિવ અને મંગળા રોજ પેલા ઓરિયાની માટી લાવે છે, ચોમાસે સીમમાંથી ખડની ગાંસડીઓ લાવે છે, ઉનાળે કરગઠિયાંની ભારીઓ લાવે છે: નફટ લોકો એ ચંડાળોથીયે બેદ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે! બે વરસમાં તો કીકી પણ પોતાની નાનકડી ભારી માથે લઈને માબાપની વચ્ચે ઊભતી થઈ ગઈ. હૈયાફૂટાં ગામ-લોકો એ ત્રણ ગાંસડીઓ પર જ શા સારુ અવાયાં પડતાં હશે! — ને શાં ઘોર પાપ બિચારા ભવાનીકાકાનાં, કે સગી આંખે એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડ્યું! ઓ અંબાજી મા! કયા ઘોર પાપે!