સૌરાષ્ટ્રની રસધાર-4/બાળાપણની પ્રીત

From Ekatra Wiki
Revision as of 16:45, 4 March 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાળાપણની પ્રીત| }} <poem> <Center> '''વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાળાપણની પ્રીત

વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી ૰ વાતું ૰ કરે, ૰ બાળાપણની ૰ પ્રીત.

માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊછરતો હતો. ગીરના ડુંગરામાં આથડતાં એની અવસ્થા વધતી જતી હતી. પણ એ નમાયા છોકરાને ઘસીચોળીને નવરાવનાર-ધોવરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રઝળુ છોકરો મોટો થાતાં થાતાં એ રીતે પોતાનાં ખરાં રંગરૂપ ખોઈ બેઠો હતો. કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું : ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તૂંબડાના વેલા પરથી ગોળ મોટાં બે તૂંબડાં ઉતાર્યાં. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસરાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની પાંચ કાતળીઓનો કટકો કાપી લીધો. વાંસને બેય છેડે તૂંબડાં પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યાં. કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર (વાજિંત્ર) ઉપર ચોપડી દીધો. ઉપર મોરપિચ્છનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે એ વાંસ અને તૂંબડાંના પોલાણમાં કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોંકારા દેતું હોય, એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી; ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. છત્રીસે રાગરાગણીઓ એની સામે હાથ જોડીને ઊભાં રહ્યાં :


જંતર મોટે તૂંબડે, બત્રીસે ગમે,
છત્રીસ લવણ રમે, વિજાણંદને ટેરવે.

મોટાં તૂંબડાંવાળું એ બીન : એમાં બત્રીસ તો ગમા ગોઠવેલા : અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગણીઓ વિજાણંદનાં ટેરવાંનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે. ગીરથી થોડું ઢૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ કોઈ વાર પોતાની ભેંસોને ઘોળીને વિજાણંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવાકાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું : “પાણી પાશો?” બેમાંથી એક પનિયારી હજુ કુમારિકા હતી, કુમારિકાએ આ પાણી માગનારા છોકરાની સામે જોયું. જોતાં જ ઘડો સિંચીને કાઢ્યો હતો તે પણ એણે ઢોળી નાખ્યો. જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથણને કહ્યું : “બીન, ઈને પાણી પાજે. મું તો ઈનો વહરો રૂપ ભાળેને ફાટે મરાં, બાઈ!” એટલું બોલી એ રૂપ-નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામળી મથરાવટીએથી મોખરે તાણી લઈ, માથે બેડું મૂકી, ઉતાવળે ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાદ દીધો, “ભણેં શેણીબા! તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સૅ!” વિજાણંદે તરત એ બાઈને કહ્યું : “અરે બાઈ! માણસ કરતાં કાગડો તો ચડિયાતા રૂપવાળો ખરો ને! કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાંયે ઈનો જીવ નો હાલ્યો? હશે!” તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજિયો ચારણ વસે છે. વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂઝે છે. પ્રભુના ચારેય હાથ એ ચારણને માથે છે. એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદરમાન દીધાં. રાતે વાળુ કરતાં કરતાં વિજાણંદે એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી : કૂવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ : વેદાની સાત ખોટની એક જ દીકરી : બાપ એને વારે વારે ‘શેણી! બેટા શેણી!’ કહીને સાદ કરે છે. ઠીક, જીતવા! વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાંઈ! ક્યાં હું નમાયો, નબાપો, નિર્ધન ને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કળી! વાળુ કરીને સહુ ફળીમાં ચંદ્રને અજવાળે ખાટલા ઢાળી બેઠાં છે. ઉનાળાની રાત, એટલે આભ જાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાંની ડાળીઓ સાથે ભાતભાતના ગેલ કરી રહ્યો છે. અને એમાં પોતાની પાંચ ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુનાં સુંવાળાં ટેરવાં અડતાંની વાર જ જાગીને પોતાના વીતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય, પિયુ-વિજોગણ અબળા રોતી હોય, ભાઈવછોઈ બહેન ઝંખતી હોય, પ્રભુએ ત્યેજેલો ભક્ત વલવલતો હોય, અને ધણી વિનાનાં ઢોર ધા દેતાં હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સહુને કલેજે ન કહેવાય, ને ન સહેવાય તેવું કંઈ કંઈ થાવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ, કૂતરાએ ભસવું છોડી દીધું, ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિ:શ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો :


1જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.

[ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા!] વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો : એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને —


ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિજાણંદનાં તૂંબડાં.

એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો, નવે તાંતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી. ને બીનનાં તૂંબડાં ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકાં દેતાં હતાં. જેને કદરૂપો કહીને, અને જેનાં મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી, તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નીરખ્યું. નીરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ-બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સહિયર નથી. ઘરમાં કોઈ બહેન-ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી-પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતાં. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિરધાર કર્યો છે એમ સહુને ખબર હતી. બાપને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રૂજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી. એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર-છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગરાગિણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે, તેને ખેરવવા ઊઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે. પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી, કસુંબો લેવરાવી, વિજાણંદને કહ્યું : “ભાણેજ! ઘણા દી તેં અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારા ઘરમાં આટલી ગાયું-ભેંસુ છે, રિદ્ધિ-સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે તે ચીજ માગી લે, ભાણેજ!” વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે! “કેમ ભા! કેમ માથું નીચું ઢાળી દીધું?” “મામા! શું માગું? રિદ્ધિસિદ્ધિની અબળખા નથી રહી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારુ વેંઢારું?” “વિજાણંદ! માગી લે, હું કહું છું. મારી મોજ મારી જાય નહિ. મને અસદ્ગતિ મળે. માગી લે ઝટ.” “પણ હું માગીશ ઈ તમથી નહિ દેવાય, મામા!” “હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખા મા. માગી લે, ન આપું તો દેહ પાડી નાખું.” “મામા! એક જ માગણી કરું છું : શેણીનો હાથ....” સાંભળતાં જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાનાં બિન્દુ બાઝી ગયાં. કોચવાઈને વેદાએ કહ્યું : “છોકરા, માગવાની રીતે માગવું જોઈએ. તેં આજ મારું મૉત બગાડ્યું : વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર, કે નથી એકેય કૂબો?” “કાંઈ નહિ, મામા, મારી ભૂલ થઈ.” એટલું જ કહી, જંતર ખભે ઉપાડીને ગરીબડે મોંએ વિજાણંદ ખાધાપીધા વગર ચાલી નીકળ્યો, અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીટ પાડવાનું આદર્યું : “વેદા ગઢવી, ભણેં વેણ પાળવો નૂતો તો વેણ દીધો કેવા સાટુ? ચારણ તોરે આંગણે નિસાસો નાખેંને હાલે નીકળ્યો ઈ ખબર છે? તોળું ધનોતપનોત નીકળેં જીસે.” વિમાસણ કરીને વેદાએ કહ્યું : “પાછો વાળી લાવો એને.” પાદરથી વિજાણંદને પાછો વાળી આવ્યા. વેદો ફરી વાર બોલ્યો : “ભણેં ભરવાડા, મોળી સાત ખોટ્યની શેણી ઈ [એમ] નો મળે; શેણીનું કાંડું જોતું હોય તો જા : નવચંદરિયું ભેંસ્યું એક સો ને માથે એક, ભેળિયું કરી લે આવ્ય; એક વરસની અવધ્ય દેતો સાં. પોર બરાબર આ જ તથ્યે જો નો પોગાય, જો એક દીનું મોડું થાય, તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંયે જોવા નૈ મળે. નીકર એક વરસની અવધ્યમાં આવેંને એક સો એક નવચંદરિયું મોળે ખીલે બાંધે જાજે, અને ખુશીથી શેણીને હથવાળે પરણતો જાજે. છે કબૂલ?” “કબૂલ છે, મામા!” એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની પાંચ ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો : “મારી માતાજિયું! ડુંગરામાં નિરાંતે ચરજો. હું હમણાં આવું છું. વરસને વીતતાં વાર નહિ લાગે, અને પછી તમારાં ખાણ નીરનારી, ગોરસડાં મેળવનારી, પાડરું પાળનારી ને વલોણાં ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે’શું. કોચવાશો મા, હો!” ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડાં ચાલ્યાં જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે ‘મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ. ત્યાંથી પાંચ પાંચ નવચંદરી ભેંસો શું મને નહિ મળે? એવા વીસ નેસડાં તો પાંચ મહિનામાં ફરી વળીશ.’