સૌરાષ્ટ્રની રસધાર-4/ભૂત રૂવે ભેંકાર
નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં ઘરનાં નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખાબોચિયામાં પડીને ટપક! ટપ! ટપક! ટપ! એવા ભાતભાતના સૂર કાઢી કાંઈક વાતો કરતાં હતાં. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે — “ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.” “શું ચમત્કાર?” “કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરેહાલ ચારણ, વાર્તા-કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંઈક થાવો છે, બા? સહુને આપે તેમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે’તું નહોતું : અને ચારણને ઉતાર આવી ગયેલો : એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો : ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીકઠીક જામી ગયું : અને નાડ્યું ત્રુટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું : ‘લ્યો ગઢવા!’ ગઢવો : ‘આ ક્યાંથી, બાપ?’ આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’ ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ : શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો : ગામેતીને પગે પડીને બોલ્યો : ‘બાપ, ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો! મને આજ નવું જીવતર દીધું.’ ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ?’ ‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું, એ તો તું વિના બીજો કોણ કરે?’ ‘ના, ભાઈ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને! કોણ આવ્યું’તું?’ ‘અરે, બાપ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું!’ સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો!’ “આવો ચમત્કાર બન્યો, ભાઈ!”
“ઓહોહોહો! હજીયે શું માંગડા વાળાનો છુટકારો નહિ થયો હોય?” માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ! વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડા વાળાની.” અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ? માંગડો વાળો કોણ? ક્યાંનો?” “માંગડો વાળો આપણી ધાંતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠા વાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.” એમ થાતાં તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર ઝણેણાટી બોલાવતાં એ વાતડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :
હુઈ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.
દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’ પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ1ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું : ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા : અરે, હાય હાય! હું ગા’ની વારે ન ચડું! એવી ઊંઘ!
ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.
[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે; આહા! સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની — ઝંખના હોય છે.] અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા.
ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.
ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.
અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પૂરવ ભવની પ્રીત, મળિયાં તમસું માંગડા!
[હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાતજાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધાં છે.] માટે —
માઢ ઉપર માંડેલ છે, પીતળિયા પાસ,
(એની) સોગઠિયું સગા, મારતો જા તું માંગડા!
[હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.] “ના, ના, પદ્માવતી! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહિ. પણ તું વાટ જોજે. હમણાં પાછો વળું છું. પછી રમી લેશું.” ઘોડો દોડાવી મૂક્યો. ગયો! ગયો! ત્રીસ-ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.
જીવતો પાછો જા, વઢિયાની વેળા નહિ,
રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.