સોરઠી બહારવટીયા - 2/૯

From Ekatra Wiki
Revision as of 10:19, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯|}} {{Poem2Open}} બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાપુનું ગામતરૂં થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફ્રાબાદ સુધીનો દરિયા-કિનારો પણ એ ઘોડાંના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે. મારગ જે મુંબઈ તણે જળબેડાં નો જાય, શેલે સમદર માંય જહાજ જોગીદાસનાં. [મુંબઈ નગરને જળમાર્ગે જ્હાજો જઈ શકતાં નથી. કેમકે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.] એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા, વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા, અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઉપડી ગઈ. “આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિ.” એવા સોગંદ લઈને ઠાકોર ઉભા થયા. હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારે દિશાએથી ઠાકોરની ફોજ બહારવટીયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઉઠી. મુંઝાએલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે. ક્યાં જવું તે કાંઈ સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે. એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા. જોગાનુજોગે પાદરમાં જ એક પુરૂષ ઉભો છે. ઘોડી પાદરમાં ઉતરતાંની વારજ બેય જણાએ અન્યોન્યને ઓળખી લીધા. “ભીમ પાંચાળીઆ રામ રામ!” “ઓહોહોહો! મારો બાપ! જોગીદાસ ખુમાણ!” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના

ચારણે બહારવટીયાને બિરદાવ્યો: 

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ; નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો! [હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા પણ રાજા રૂપી સર્પોને પોતાના કરંડીયામાં પકડી પાડે છે પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદ પર ન મોહાયો. તે તો ફુંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.] “ભીમ પાંચાળીઆ! આજ એ દુહો ખેાટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસીઓ કરંડીઓ પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.” દોટ કાઢીને ભીમ પાંચાળીઆએ જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી. અને બેાલ્યો “એમ તે ક્યાં જઈશ બાપ? તો પછેં ભંડારીયાને પાદર નીકળવું નો'તું. રોટલા ખાધા વિના જઈશ તો તો ચારણને મરવું જ પડશે?” “હાં હાં, ભીમ પાંચાળીઆ, મેલી દ્યો, આજ તો ઉલટું રોટલા ખવરાવ્યે મરવું પડશે.” “પણ શું છે એવડું બધું?” “વાંસે ઠાકોર વજેસંગજી છે, ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.” “હવે ભેટ્યાં ભેટ્યાં વેરીઓ! જોગીદાસ શીરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગે ભંડારીઆને સીમાડે ઉભા થઈ રહેવું પડે, મારા બાપ! મુંઝાઓછો શીદ? ઉતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.” જોગીદાસ અચકાય છે. “અરે બાપ! કહું છું કે તારુ રૂંવાડુ ય ખાંડુ ન થાવા દઉં. એલા ઝટ આપણે ખોરડે ખબર દ્યો કે ઉભાં ઉભાં રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.” જમવાની વરધી આપીને ચારણ ભંડારીઆને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે ચાલ્યા. હાથીની રૂપેરી અંબાડી ઉપર રૂદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે

કડકે જમીનું પીઠ, વેમંડ પડ ધડકે વજા! નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભાના ધણી! [હે વજેસંગજી! હે પેરંભ બેટના ધણી! તારે ઘેરે તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.] “ખમા ગંગાજળીયા ગોહેલને! બાપ અટાણે શીદ ભણી?” “ભીમ પાંચાળીઆ, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.” “જોગીદાસ તો મારા ખોળામાં છે બાપા! તમે શીદ ધોડ કરો છો?" “ભીમ પાંચાળીઆ, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે કે કાં હું નહિ, કાં જોગીદાસ નહિ.” “પણ બાપા! ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકુ શીરામણી સારૂ ઉતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમે ય શીરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શીરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી ઉતરીને જરાક આંટા મારો." “ભીમ પાંચાળીઆ! તમે મારા શત્રુને આશરો દીધો?” “એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને બાપા! હું તો ગા'છુ. મારૂં પેટ ચીરવા કાંઈ હિન્દુનો દીકરો હાલશે? અને આ તો જોગીદાસ જેવો પરોણો પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય! ને પછી કયાં પકડાતો નથી? ભાવેણાના મહારાજને તો હજારૂં હાથ છે, બાપા!” ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઉતરી ગયો. “પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય?” એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું. “ઉતરો, ઉતરો હેઠા બાપા!” ચારણે ફરીવાર આજીજી કરી. “ભીમ પાંચાળીયા!” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યું, “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો તો મહારાજની માએ ધુળ ખાધી કહેવાય, ખબર છે કે?” “બેાઘા કામદાર!” કોચવાયેલા ચારણના મ્હોંમાંથી વેણ વછૂટી ગયું, “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે, બાકી તો વાણીઆ બ્રાહ્મણની માને અનાજ વીણતાં વીણતાં ધુળની ઢફલી હાથમાં આવે તો મ્હોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી!” ચારણનું મર્મ-વચન સાંભળીને ઠાકોરનું મ્હોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળીયા! જાઓ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે. એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાઓ, હું આજ જોગીદાસને જાવા દઉં છું." ઠાકોર હાથ વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.