સોરઠી બહારવટીયા - 2/૧૬

From Ekatra Wiki
Revision as of 10:51, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬|}} {{Poem2Open}} તલવારનો ફડાકો બોલ્યો, કે તૂર્ત જોગીદાસે ઘોડી થો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬

તલવારનો ફડાકો બોલ્યો, કે તૂર્ત જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ જોયું. પૂછ્યું “શું થયું ભા! ફડાકો શેનો સંભળાણો?” માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં. કોઈએ જવાબ ન દીધો. “નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે.” જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મરતો, તરફડતો દીઠો. “આ કોણ ભાઈ?” “આપા! આ મૂળા પટેલનો દીકરો: જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી'તી અને જેના ચાળીશ ઢાંઢા ઈ તોપખાંનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું, ઈ કમતીયાનો આ છોકરો.” “બાન પકડ્યો'તો ને?” “હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી: આખે માર્ગે ગાળ્યું કાઢી આપા! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફુલ ઝરતાં'તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.” “બાનને માર્યો? બુરૂં કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રીયા. બાનને માર્યો! શું કહેવું ભાઈ? આ પાપનો તો સાત જન્મે ય આરો વારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.” ડુંગરાનાં ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટીયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળીએ અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારૂં ખાવા પીવાનું ને સૂવા બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા. અંગારા તૈયાર થયા. લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રેતો દેખીને નાનો નરસી બોલ્યો “હેઠ્ય કાયર! રોવા બેઠો છે! આપણે તો ખુમાણ ખોરડું! સાવરીયાઓને ખેાટ્ય બેસે. બચાડા બારવટીયા વળી અંગારા શું ચાંપશે? આમ જો! આમ આપણી જાણે ચાંપી લેવાય!” એટલું કહેતો નરસી ઉભો થયેા. ઝગતા અંગારા ઉપર સબ! સબ! સબ! પગ માંડીને ચાલ્યો ગયો. પગતળીયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા. બહારવટીયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિમ્મત સામે જોઈ રહ્યો. એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને 'ખુમાણુ ખોરડું' કેમ કહ્યો?” “આપા! એનો કાકો ધરમશી પટેલ પાંચસેં ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને? કુંડલા પંથકના પટેલીયા તો કરાફાત છે આપા!