ઋણાનુબંધ/મારી કવિતા
Revision as of 08:39, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી કવિતા|}} <poem> મારી કવિતા એટલે એક છોકરમત દોરડાં કુદાવતી...")
મારી કવિતા
મારી કવિતા
એટલે
એક છોકરમત દોરડાં કુદાવતી રમતી
કલ્લોલતી અલ્લડ કિશોરી!
પોતાના પાંચ પાંચીકા માટે
સાગરનાં રત્નોનેય રવડતાં મેલી દે!
એના છુટ્ટા વણઓળેલા વાળ પરની હવામાં
થોડે દૂર રહી ગયેલો માતાનો હેતભર્યો હાથ વરતાશે!
વારંવાર પોતાની જીભથી ચાટેલા
એના રતુંબડા હોઠ પર
કોઈ સવાર સતત ઊગી રહી છે
જેને સંધ્યા જ ન હોય!
એની છાતી પર પ્રતિપળ મ્હોરતાં ફૂલ—
પૃથ્વી આવી પણ હોઈ શકે
એવી પ્રતીતિ કરાવે છે…
સપનાં અને વેદના
સાથે સૂઈ શકે એવું એ એક જ સ્થાન!
પથ સીધો કે ખડકાળ
એ ચાલી શકતી જ નથી
દોડ્યે જાય છે—ઝરણાની જેમ
એનાં પગલાંનેય છે પાંખો!
એને તમે નહીં પકડી શકો;
એ તો દોડ્યે જાય છે એક હરણની પાછળ
ગહન વનમાં એ પોતે જ થઈ જાય છે
એક રણ…
એક હરણ…!