ઋણાનુબંધ/શોધું છું
Revision as of 08:48, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શોધું છું|}} <poem> હું નાની હતી ત્યારે મારાં બા મારા વાળ ઓળતાં...")
શોધું છું
હું
નાની હતી ત્યારે
મારાં બા
મારા વાળ ઓળતાં.
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાંઠી વળાવીને બેસાડતાં.
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતાં.
કાંસકાથી ગૂંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતાં
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઈ
રંગીન રીબન
કે
ચાંદીનાં ઘુઘરિયાળાં ફૂમતાંથી શોભાવતાં.
વાળ ઓળાઈ જાય
એટલે
મને એમની સામે બેસાડતાં
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયા છે કે નહીં!
મને પૂછતાં:
“ગમ્યા ને?”
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વહાલના આવેશમાં આવી જઈ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતાં.
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.
આજે
મારા વાળ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે,
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…