ઋણાનુબંધ/રક્તરંગી નીલિમા
Revision as of 16:39, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રક્તરંગી નીલિમા|}} <poem> દિવસ અને રાતના સંધિકાળને નીરખવામાં...")
રક્તરંગી નીલિમા
દિવસ અને રાતના સંધિકાળને
નીરખવામાં
ખ્યાલેય ના રહ્યો
અણીદાર પથ્થર અને પગના સંયોગનો.
ધાર્યા કરતાં ઘા ઊંડો હતો.
ઘરમાં આવી
બ્લ્યૂ બાથટબમાં
નળ નીચે પગ ધર્યો
એ પહેલાં તો જાણે
ટબમાં નીલ ગગનના
સંધ્યાકાળના રક્તરંગ છંટકાઈ ગયા.
પળભર માટે દુ:ખ વિસરાયું;
પાટો બાંધ્યો
પણ ધસી આવતા લોહીને પાટો ચૂસી ન શક્યો.
વહી જતા લોહીની મને ક્યાં નવાઈ છે?
દર ચાંદ્રમાસે આકાર ધર્યા વિના વહી જતું લોહી જોઉં છું
વહી જતું લોહી…
વહી જતી શક્તિની લાલિમા…
એ લાલિમા સાથે
હું જ
ઢળી જતી
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.