ઋતુગીતો/મેઘ-સેના

From Ekatra Wiki
Revision as of 11:58, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેઘ-સેના|}} {{Poem2Open}} [આ વર્ષાઋતુનું યશ-ગીત પણ ઉપર કહ્યા તે ગીગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેઘ-સેના

[આ વર્ષાઋતુનું યશ-ગીત પણ ઉપર કહ્યા તે ગીગા બારોટે રચ્યું છે. છપ્પનના દુષ્કાળ પછી જે સારું ચોમાસું વરસ્યું, તે સમય પર કરેલ છે. અંતિમ હેતુ તો પોતાને એ દુષ્કાળ પાર ઉતરાવનાર કોઈ પીઠા ખુમાણ નામના કાઠી જમીનદારની પ્રશંસા કરવાનો છે. પરંતુ આપણે સુભાગ્યે કવિએ ઋતુ-વર્ણનની અંદર ક્યાંયે પોતાના દાતાનાં ગુણગાન ન આવવા દેતાં ફક્ત છેલ્લી ત્રણ ટૂકો એ તારીફ માટે અલાયદી રાખી છે. પરિણામે રસાસ્વાદ અખંડ રહે છે. તારીફની ત્રણમાંથી એક જ ટૂક અત્રે આપી છે.] [ગીત સપાખરું]

મળ્યાં વાદળાં ઘઘૂંબી કાળાં મેઘવાળાં ધરા માથે ચોમાસારા સજ્યા ગર્યે સઘણ સામાઢ; વરા ફેરી ધરા સરે ચડી ફોજ ઇંદ્રવાળી, ગાઢા મેઘ ગાજા, ત્રૂટા છપનારા ગાઢ. [1]

કાળાં મેઘનાં વાદળાં ધરતી પર મળ્યાં. ગીરના જંગલે ચોમાસાનાં ઉત્સવ–શણગાર સજ્યા. ઇંદ્રની સેના ધરા પર ચડી. ગાઢો મેઘ ગાજ્યો કે તુરત છપનિયા કાળના ગાઢ વછૂટી ગયા. [1]

વીજળી મશાલુંવાળી ઝળેળી આકાશવેગે, ધરી રંગ લીલાં પીળાં ખેંચિયાં ધનુષ; ચોપદારા લલકારા મોરલા જિંગોર્યા સારા, મેઘ ઓતરાદા ચડ્યા, હરખ્યા મનુષ. [2]

ઇંદ્રજારા છૂટી ધારા, ભોમકારા મચી એલી, નદીયાંરા ભર્યા આરા સ્રોવરારાં નીર; દાદરારા કવેસરા કીરતિ ગેંકિયા દાડી, બાપૈયા બોલિયા ઠારોઠારથા બજીર. [3]

ગંગાજળાં ધધકિયાં, ખળક્યા ડુંગર-ગાળા, પ્રથીવાળાં નદીનાળાં સિંધુ ઢાળાં પૂર, ખંખાળ્યા જમીકા ખાળા, દુઃખ દવા ટાળ્યા ખેહ, નવે ખંડાંવાળાં ઢાળા પ્રગટાણાં નૂર. [4]

વીજળી રૂપી મશાલો આકાશમાં ઝળહળી ઊઠી. મેઘધનુષ્ય લીલા-પીળા રંગો ધારણ કરીને ખેંચાયાં. મોરલા રૂપી બધા છડીદારોએ લલકાર કરીને નેકી પોકારી. ઉત્તર દિશાથી મેઘરાજાને ચડ્યા દેખી માનવી હર્ષ પામ્યાં. [2] ઇંદ્રના જારામાંથી ધારા છૂટી. હેલી (સતત આઠ દિવસની વૃષ્ટિ) મંડાઈ. નદીઓના ને સરોવરોના આરા ભરાઈ ગયા. મેઘરાજાના કવીશ્વરોરૂપી દેડકાં નિરંતર એની કીર્તિ ગાવા લાગ્યાં, અને ઠેરઠેર બપૈયા બોલવા લાગ્યા. [3] ગંગાજળ ધોધમાર વહેવા લાગ્યાં. ડુંગરની ખીણો ખળખળી ઊઠી. પૃથ્વી પરથી નદી–નાળાંનાં પૂર દરિયા તરફ ચાલ્યાં. જમીનનાં પડને પાણી વતી ખંખાળી નાખ્યાં. દુઃખો અને ખરાબ વાયરા નાબૂદ કર્યાં. નવેય ખંડમાં નૂર પ્રગટ્યાં. [4]

પીલંબરી લાલફૂલી લીલંબરી બણી પ્રથી, ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેઘુંબ; પા’ડ ઘેર્યા રીછાંવાળે, ટૂક માથે ઝર્યાં પાણી, જમીં બણી ફળફૂલે ઘણી લૂંબઝૂંબ. [5]

રાંકવાળી મટી ખધ્યા, મો’લ ભાળી થિયા રાજી કેતા માનસ્રોવરારા છલક્યા કિનાર; તૃણચારા કરેવાને મેખીયુંનાં હાલ્યાં ટોળાં ધરાસરે ચોમાસારી ઘૂમે મહીધાર. [6]

પ્રથી ફળી હેમફૂલે, હીંડળી મોલાત પાકી, દુઃખ દવા ગિયા, સુખ થિયા દસે દેશ; નોરતારી રમે નારી ગરબારી મળી નત્યો, વળી પૂંજા અંબકારી કરેવા વશેષ. [7]

પૃથ્વી પીળે, લાલફુલેલ અને લીલે સાળુડે (અંબરે) સજ્જ બની. અને એના માથા પર ઘનશ્યામ મેઘની ગાઢ વૃષ્ટિ છૂટી પડી, રીંછડીઓ (શ્વેત વાદળીઓ)એ પહાડો ઘેરી લીધા. શિખર પરથી પાણી ટપકવા લાગ્યાં. જમીન ફળેફૂલે લૂંબઝૂંબ બની. [5] રંકજનોની ક્ષુધા ટળી, ધાન્યના છોડ દેખીને રાજી થયા. કેટલાંય માનસરોવરોના કિનારા છલક્યા. ઘાસના ચારા કરવાને મહિષીઓ (ભેંસો)નાં ટોળાં ચાલ્યાં. જાણે પૃથ્વી પર ચોમાસા રૂપી વલોણું ઘુમાવાઈ રહ્યું છે. [6] હેમવરણાં ફૂલે પૃથ્વી ખીલી ઊઠી છે. પાકેલા મોલ ઝૂલી રહ્યા છે. દુઃખ ગયાં છે. દસે દિશામાં સુખ થયું છે. નોરતામાં રોજ રોજ નારીઓ ગરબે રમે છે. વળી અંબિકાની પૂજા કરે છે. [7]

ભૂપે દસરારી સારી સવારી બણાવી ભારી, શણગાર્યાં હાથિયારાં અંબાડિયાં સાય; ગામોગામ ધામધૂમ શણગાર્યાં શોક ગળી પૂર્યા અન્નકોટ પાય હરિને પ્રિસાય. [8]

વળ્યાં વર્ષ ભલસરા, ભલાવાળાં રિયાં વેણ, નોંધાણાં કાગળેં જુગોજુગરાં નિશાણ; ઘણા કવિ ઉગારિયા, ઉતારિયા કાળ ઘાટી, ખાટ્યા જશ પરજ્જાંમાં પીઠવા ખુમાણ [9]

રાજાઓએ દશેરાની સવારીઓ કાઢી. હાથીની અંબાડીઓ શણગારી, ગામેગામ શોક ગળી ગયા, ધામધૂમ ને શણગાર મચ્યાં. પ્રભુને ચરણે અન્નકોટ પુરાઈને પીરસાય છે. [8] સારાં વરસ ફરીને આવ્યાં. ભલાં કામો કરનારનાં સ્તુતિવચનો અમર રહ્યાં. એવા જનોની નિશાનીઓ જુગોજુગ સુધી કાગળ પર રહી ગઈ. ઘણા કવિઓને ઉગારીને, આવો છપ્પનિયો દુષ્કાળ પાર કરાવીને પીઠો ખુમાણ ત્રણે પરજોમાં (કાઠીની ત્રણય શાખાઓમાં) યશ ખાટી ગયો. [9]