સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો
[સન 1820ની આસપાસ]
“બચ્ચા રાનીંગ વાલા! માગ લે.” “બીજું કાંઈ ન જોવે, મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું, દસમે દ્વારે જીવ ચડાવીને જોઈ વળ્યા, પછી સમાધિ ઉતારીને બોલ્યા : “તેરા લલાટમેં પુત્ર નહિ હે, બેટા!” “તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન! મહાત્માનાં બોલ્યાં મિથ્યા થાય, હાથીના દંતશૂળ પેટમાં પેસે, એ આજ સુધી નહોતું જોયું, બાપુ! મારું ખોરડું મહાપાપિયું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું. પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય!” જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમિંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને એ બોલ્યા : “અચ્છા, ભાઈ! તેરે ઘર પુત્ર આવેગા. બરાબર નવ મહિના પીછે; લલાટમેં વિભૂતિકા તિલક હોય તો સમઝના કે શંકરને દીયા. અઠાવીસ [1] વર્ષકા આયુષ્ય રહેગા. નામ ‘બાવા’ રખના.” એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ [2] ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. લોકવાયકા એવી છે કે પોતાનો જીવ પોતે લુંઘિયાના કાઠી રાણીંગ વાળાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા. નવ મહિને દીકરાનો જન્મ થયો. જન્મતાં જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાયું. ફુઈએ ‘ઓળીઝોળી’ કરીને બાવો નામ પાડ્યું. રાણીંગ વાળાએ ઘમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી; દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણી રાણીંગ વાળાની દશા પલટી. મૂળ વીસાવદર અને ચેલણા પરગણાનાં ચોરાશી ગામ ઘેર કરવામાં બે જણાનો હાથ હતો : બાવા વાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રા વાળાના બાપનો; પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા’ સળગાવેલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેર કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઊતરી, જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (કર્નલ વૉકર) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મુકાયો. અને એમાં એણે રાણીંગ વાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રા વાળાના દીકરા હરસૂર વાળાને સોંપી દીધાં. રાણીંગ વાળો બહારવટે નીકળ્યો, અને થોડાં વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો. પણ મરણટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે “બેટા! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહિ.” આજે સુડાવડ ગામમાં કારજ છે. પહેલી પાંતે (પંગતે) રોટલા ખાઈને બાર વરસનો બાવા વાળો સુડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબાલાંબા કાનશિયા જટા જેવા વીખરાઈ પડ્યા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે. “કાં, કાકા!” જેતપુરના દરબાર મૂળુ વાળાએ દેવા વાળાને આંગળી દેખાડીને કહ્યું : “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને?” કાકા દેવા વાળાએ ડોકું ધુણાવ્યું : “હા, બાવો! સાચોસાચ બાવો! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો! બાવો ખરો, મોટા મઠનો બાવો!” “અને આ બાવો લુંઘિયાનાં રાજ કરશે? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું?” “દરબાર!” સનાળીના કશિયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા : “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કંઈકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મંગાવશે.” જુવાનીમાં આવતાં જ બાવે બહારવટું આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુ વાળા સામે : કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવા વાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું, વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. ઝાકાઝીક! ઝાકાઝીક! ઝાકાઝીક! બાવા વાળાની તરવાર ફરવા માંડી. ‘હરસૂરકા વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહિ’, એવી પ્રતિજ્ઞા લઈને