કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫. સરોવર

From Ekatra Wiki
Revision as of 05:04, 20 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. સરોવર

ન્હાનાલાલ


                  ૧
નરી સરલતા કોણ પૂજશે ?
નથી તેજ, નથી તરંગ :
શાન્ત, વિમલ, વિરલ, રમ્ય :
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી !

                  ૨
અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને,
પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત;
અન્તરિક્ષના રંગ ધરી સૂતું,
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી !

                  ૩
એ સુન્દરતા કોણ નીરખશે ?
કોણ સ્હમજશે ? કોણ સુહવશે ?
કોણ નીર ચંચુ ત્ય્હાં ભરશે ?
તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું, મુજ લાડિલી !

                  ૪
વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે,
પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે;
સઉ શમશે, સઉ શમશે, ઊતરશે,
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી !

                  ૫
મુજ કુંજ પેલી જો ! ઝૂલે;
પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે;
મ્હારાં-ત્હારાં કંઈ કંઈ કુસુમ મધુરાં ખીલે :

સખી ! તુજ હૃદયજલ ત્ય્હાં અમલ સીંચી શોભજે,
                  મુજ લાડિલી !
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૫-૬૬)