ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/આંધું
આંધું
ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ આ બધું એકદમ ચઈ રીતે બન્યું? મીં આભલા હાંમું જોયું. આભલું કાળું ડિબ્બાંગ થ્યું’તું. સૂરજદાદા તો વાદળાંમાં હંતાઈ જ્યા’તા. મનમાં વહવહો થ્યો. હજુ તો ખાસ્સી મજલ કાપવાની’તી નઅ આંય તો ધૂળની ડમરીઓ ઊડવી શરૂ થઈ’તી. હવારથી જ ના પાડતો’તો, પણ કમુની બા ચ્યાં માંનઅ એવી છઅ! કેય કઅ ટેસન જઈનઅ હટાયૈણ કરી જ આવો. હું થાય! આવવું પડ્યું. પણ કમુની બાનઅ બચારીનઅ ચ્યાં ખબર હતી કઅ આંમ આંધુ આવશીં!
પરથમી પર વાદળાંની ઝાંય પડતી’તી. મનઅ થ્યું કઅ પરથમી ચ્યમ મેલી મેલી દેખાય છઅ? ધૂળ હાંમુ જોયું તો ધૂળેય મેલીદાટ કઅ પછ કાંક કઉતુક થ્યું છઅ! ઉં કાંય વધારે વચારું, તે પે’લાં હુહવાટા મારતો વાયરો મારા બે પગ વચાળે થઈનઅ ભાગી જ્યો. ધોતિયું રામાપીરની ધજાની પેઠે હવામાં ફડફડ થવા માંડ્યું. હું ધાર્યું છઅ આ ભગવાનિયાએ! હાળો જંપવા જ દેતો નથી. ગઈ સાલ દકાળા. નઅ ઉણ આંધાંબાંધાં રમતાં મેલ્યાં છઅ. શાંતિથી જીવવા દે બાપા!
એકાએક મારા પગ તો ફાંગા પડવા લાજ્યા. એક ડગ મેલું, નઅ બે ડગલાં પાછો પડું. એક પગ ધૂળમાં ઠરાવું, નઅ બીજો ધૂળમાંથી ફગી જાય. મનમાં તો થ્યું: ભોળા ભૈ! હવઅ તમારું નામું નંખાઈ જ્યું હમજો.
મીં વગડામાં નજર નાંખી. વગડો ધૂળમાં રમતો’તો. સેતરોમાં આભનો રા’ય કે દેખાતો નો’તો. જાંણી આ પરથમી પર હું એકલો જ હોઉં! મનઅ તો બીક લાજી. મીં દોટ લીધી. પણ હાંમી દશમાં દોડાયું જ નઈ. જાંણી મારી છાતી જ ચીરઈ જઈ. ભોળા, ચ્યમ આંમ રાંક થઈ જ્યો? કુદરત આગળ ચેવો હેંચકા લેવા માંડ્યો? ઈમ છઅ તાણ – મારી અંદર કોક ખાખલી કૂટતું’તું.
કાળધબ્બ દિશાઓ જાંણી મન ભરખી જવા માગતી હોય, ઈમ મનઅ જ લાજ્યું. ધૂળના ગોટેગોટા ઊડતા’તા. નઅ મારો જીવ મૂંઝાતો’તો. પાછળ ઘૂઘરા જેવું રણક્યું. ઉં ભડકી જ્યો. લમણો વાળીનઅ જોયું તો ઊંટગાડી, કુની ઊંટગાડી છઅ એય મનઅ તો હમજાતું ન’તું, મોં આગળથી નેકરી જતી ધૂળઅ ખાળવા મીં હાથની છાજલી કરીનઅ ઊંટગાડી આવતી’તી ત્યાં એકીટશે જોયા કર્યું. આટઆટલા આંધામાંય ઊંટ તો રમઝટ કરતો’તો. મારાથી હાશ બોલાઈ જ્યું, પણ તોય મનમાં હતું કઅ ઊંટગાડી હશીં કુની? ઝાઝું કાંઈ વચારું તે પે’લાં તો ધૂળમાં ધબધબ કરતી ઊંટગાડી મારી અડોઅડ આયીનઅ ઊભી રઈ જઈ. માં ઝાંઝામાંઝા થતી આંશ્યોએ જોયું તો શનો સેનામો હાથમાં દોરી પકડીનઅ ઊંટનઅ ડચકારા કરતો’તો. કુણ જાંણી મારાથી નેહાકો નંખાઈ જ્યો.
– હવઅ નેહાકા નાંગ્યા વન્યા આવી જાઓ ઉપર પટ્યોલ!
– લારી તો ઊંધી નઈ પડનઅ!
– પડી પડી હવઅ. આ લારી શના રાવતની છઅ. પાંચ વરહનો અનુભવ છઅ.
ચાણનો ય ધૂળ હાળે જુદ્ધ ચડ્યો’તો. પછએ મારઅ તો બોલવા જેવું હતુંય હું? સેતરની વાડ કૂદતો હોઉં ઈમ કૂદકો મારી નઅ ચડી જ્યો ઊંટગાડી પર.
ઊંટગાડી કિચૂડાટ કરતી ચાલ છઅ, ના ધૂળની ડમરીઓ મારા માથામાં વાગઅ છઅ. આંધાનું જોર હવણ વધ્યું છઅ. ધૂળની ડમરીઓ ભમ્મરીઓ ખાતી ખાતી ઊડી રઈ છઅ. એક હાથમાં દોરી નઅ બીજા હાથમાં હોટી પકડીના શનો અડીખમ બેઠો છઅ. ઈના ફાળિયાનો એક છેડો લબડી પડ્યો છઅ. એ બોલતો નથી. નઅ મારા રુવાડાંમાં બીક પેહવા માંડી છઅ. પણ ચ્યમ? આ વગડોય મારો વાલીડો સૂમસામ થઈ જ્યો છઅ. જાંણઅ રણમાં આ એક જ ઊંટગાડી હેંડી રઈ છઅ. અડખેપડખે જાંણી કાંઈ નઈ. બધું પાધરપટ, શનો ઊંટનઆ હોટી ફટકારઅ છઅ નઅ મારો જીવ ઊંચોનેચો થાય છઅ. એકદમ ઉત્તર દિશાથી ધડડ કરતો પવન છૂટ્યો. મારા તો હાંજા ગગડવા માંડ્યા.
– શના, ભૈલા હાચવજે!
– વાંધો નઈ આવઅ.
– પણ તોય.
– તમતમારે ફકરચિંત્યા ના કરો ભોળીદા!
મીં હોઠ પીસીનઅ જોશભેર આવેલા પવનઅ બૈડા વચ્ચે ખાળ્યો. મારો બેટો પવનઅ આંમ વાગતો હશીં ઈની તો ખબરેય નઈ. ઊંટગાડી હેંડતી’તી ત્યાં રસ્તામાં ધૂળ માથોડાં માથોડાં ઊંચી ઊછળતી’તી. મોં ખોળામાં ભાળ્યું. થેલી પર અનઅ ઝબ્બાની ચાળમાં ધૂળના ઢગલા થઈ જ્યા’તા. પરભુદાનું કણઝીવાળું સેતર આયું નઅ બધું ધબોધબ થઈ જ્યું. આડા દા’ડે આંયથી ગાંમ ચોખ્ખુંચણાક દેખાતું’તું. પણ હાલ ગાંમ તો હું મા’દેવનું મંદિરેય દેખાતું નથી. બધું ચ્યાં ગાયબ થૈ જ્યું? મીં મનમાં પોકાર પાડ્યો. પણ શનો તો ઊંટનઅ હોટીઓ મારીનઅ આડઅધડ ઊંટગાડી હલાવતો’તો. કણઝીવાળું સેતરેય પળવારમાં ખોવાઈ જ્યું.
મારાથી રે’વાંણું નઈ.
– શના, રસ્તાની તો સરત રહી છે. કઅ નઈ ભૈ’લા!
– હા, ચ્યમ ઈમ પૂછ્યું?
– તો ગાંમ ચ્યમ દેખાતું નથી?
– મી આંગળી કરી, ઇની ધારે ધારે જુવો!
ઈની આંગળી ધારે ધારે જોઈનઆ ઉં હસ્યો. એય બેવડ વળી જ્યો. મનઅ કેવાનું મન થ્યું: હાળા, શનિયા! મારી મશકરી કરઅ છઅ? પણ ઉં કાંય બોલ્યો નઈ. કોક દા’ડો કાંમમાં આયેલા માંણહનઅ અડધૂત નો કરાય. નકર આ શનિયું સેનમું મારી મશકરી કરઅ?
મારા મનમાં ઝબકારો થ્યો, શના હાંમું જોયું. એ હજુયે હસતો’તો. શનાએ મારી મશકરી ચ્યમ કરી, ઈની થોડી થોડી ગમ મનઅ પડવા માંડી. એ સેનમું ચ્યમ આટલું બધું ફાટી જ્યું છઅ. ઊંટગાડીવાળું થ્યું ઈમઅ તોર કરવા માંડ્યું. બેપાંચ વરહ મોર તો મારા સેતરમાં જ વાઢવા આવતું’તું. ભૂલી જ્યું બધું – નઅ મનઅ એક વરહ પે’લાની વાત હૈયે આઈ જઈ. ઉં તો સેતરમાં હતોય નઈ. નઅ ઈણે મારા સેતરના લેમડા પરથી લેમડો વાક્યો’તો. પણ પછઅ યાદ કરી ભોળીદા! શનાના તમી ચેવું બોલેલા?
નએ મારાં તો જાંણી હાતેય વો’ણ ડૂબી જ્યાં. શના પાંહે ધારિયું પડ્યું’તું. શનાનો હાથ વારેઘડીએ ધારિયા પર જતો’તો, મીં એ ભાળ્યું, જાંણી માં મારો જ વિસવા ગુમાઈ દીધો!
એક રસ્તો પૂરો થ્યો. ઘણાબધા રસ્તા આયા. આવા રસ્તા તો મીં આ પંથકમાં એ દીઠા જ નો’તા. ઝેણા હતા તાણઅ સેતરમાંથી બારોબાર બોર ખાવા આઘે આઘે વગડામાં ભાગી જતા’તા. એટલઅ અજાંણ્યું તો હું હોય! કદાચ આ નેળિયાં હશીં પણ અજાંણ્યા નેળિયામાં શનો હું કાંમ લાયો હશીં! મનઅ તો વસી જ જ્યું કઅ આ શનિયો હવઅ ફસાવવાનો. ઊંટગાડીમાંથી ઊતરી જઉં, એવું એવું થતું’તું. પણ ઊતરીને આ જવું? પછઅ મારું રણીધણીય કુણ?
મીં બોલવા માટઅ હોઠ ફફડાયા પણ ફોગટ. વળી પાછું મનમાં એવુંયે ખરું કઅ બોલવા જઉં નઅ મોંમાં ધૂળ ધરબાઈ જાય તો!
ભલે ધરબાય.
આ શનિયો મનઅ સેતરી રયો.
પણ ઉં કાંય નીં બોલ્યો. મૂંગા મૂંગા હેડતી ઊંટગાડીનાં પૈડાં હાંમું તાકી રયો. પૈડાંય હલઅ તો ઝાંખઝાંખા ફરતાં’તાં. કાળાભમ્મર ધૂળના ગોટા મારી અનઅ શનાની વચ્ચે થઈનઅ ગબડવા લાજ્યા. દાઢી પર ધૂળની કણીઓ વાગતી’તી, પણ આ શનિયાનએ કાંય લાજશરમ છઉ કઅ નઈ. ઘાલીનઅ બસ દેવાડવા જ માંડ્યો છઅ તે!
શનાની પીઠ પર ટાપલી મારવાનું મનઅ મન થ્યું, મી હાથ ઊંચો કર્યો નઅ ઝટ પાછો ખેંચી લીધો. પણ કુણ જાંણઅ મારી વૃત્તિ શનો પામી જ્યો હોય ઈમ ઈણે પાછું વળીનઅ જોયું. મનમાં ગભરાટ વછૂટ્યો. ગામમાં શનાની છાપ બહુ હારી નથી, તે હું હારી પેઠે જાણતો’તો. જેવું ઈણે પાછું ફરીનઅ ન્યાળ્યું એવું જ મીં મોં ફેરવી લીધું. વળી આંશ્યો બરાબરનો નઅ પેલું યાદ અવઅ તો? તે વખતે મોં ઈનઅ બરાબરનો રગરગાયો’તો, એ યાદ આવતાં મનઅ ગરવ થયો. મીં મૂછ પર તાવ મેલ્યો. મૂછ પરથી હાથ વાળું, તે પેલાં તો એ બોલ્યો:
– ભોળા ભૈ! પેલું યાદ છઅ તેમનઅ
– ચીયું ભૈ!
– તમારા સેતરમાંથી ઊંટ હાટુ મીં લેમડો પાડ્યો’તો એ –
મનઅ સંકેત કરતો હોય ઈમ એ થોડું ખંધુ હસ્યો. પછઅ બૈડા ઉપર ઊડી આવેલા ફાળિયાના છેડાનઅ હરખો કરીનઅ રાગડો તાણવા માંડ્યો. મનઅ તો હુંનું હું થઈ જ્યું. હવડાં હૂધી મારા મનમાં જે શંકા હતી તે હાચી પડી. તો ઈમ કેનઅ કઅ તું એટલા માટઅ આ નેળિયામાં લાયો છઅ. ઉં એકદમ ગભરાઈ જ્યો. આ વાત શનિયો હજુ ભૂલ્યો નથી. કે’વું પડઅ!
મારા મનમાં સઘળું ઘૂંટાતું હતું: શનાએ લારી ભરીનઅ લેમડો પાડ્યો’તો. સેતરમાંથી બહાર કાઢીનઅ ઊંટગાડીમાં નાંખી દીધો’તો. ના તમીં હડફડ હડફડ આયા’તા. ભૂલી જ્યાં ભોળા ભૈ! તમારા લેમડા પર શનો પાલો પાડવા ચડ્યો છઅ એવું જાંણીનઅ જ તમીં આયેલા, તોય તમીં તો કશું જાંણતા ના હોય ઇમ બોલેલા, ‘આ ચીયા નેનડિયાએ લેમડો પાડ્યો?’ છોકરો બોલેલો: ‘શનાકાકાએ.’ તાણઅ તમીં બોલેલા: ‘મનઅ કીધા વન્યા મારા લેમડા પર તું ચડ્યો જ ચ્યમ? જોના આ લેમડો બુઢ્ઢો કરી નાંશ્યો છઅ તીં! ના, ના, તું મોટો જાટલીબંધ થઈ જ્યો છઅ નઈ! ઉનાળામાં બેહવા થાય એટલે છાંયડાવાળું ઝાડ હતું, તે એય બુઠ્ઠું કરી નાંશ્યું. ગાડીમાંથી કાઢી નાખ લેમડો નકર જોયા જેવું થાહઅ!’ નઅ બાપડા શનાએ લેમડો, નેચઅ નાંખીનઅ ઊંટગાડી મારી મેલી’તી. આ બધું તમનઅ તો ચ્યાંથી યાદ હોય ભોળીદા!
બધું મારા મનમાં ઘૂંટાતું જતું’તું. નઅ ઉં અમળાતો’તો. ઊંટના ખવડાવવા દન રૂઠ્યો હોય કઅ કોય લેમડો પાડવાની ના પાડઅ! પણ મીં એવું કરેલું ઈનું કારણ ગામપંચાયતની ચૂંટણીમાં શનાએ મનઅ મત ન’તો આલ્યો, તે હતું. ‘પણ હવઅ ઈનું હું છઅ ભૈ શના’ એવું કરગરવાનું મનઅ મન થ્યું. પણ આ માથાનો ફરેલો અવળું કરે તો – તે દા’ડે કોકની આગળ લવેલો: ‘ભોળાનઅ ચકૈડીભમૈડી નો કરું, તો મારું નામ શનો રાવત નઈ! આજ મનઅ ચકૈડીભમૈડી કરવાનો ઈનો લાગ છઅ, આ અજાંણ્યા નેળિયામાં ઈમનમ મનઅ લાઈનઅ નથી નાંખ્યો હો.
શનાએ ઊંટગાડી ઊભી રાખી.
મારો જીવ ઊંચો થઈ જ્યો.
– ચ્યમ શના, હું થ્ય ભૈ!
– ધૂળ જાંમ થઈ જઈ છએ. આગળ નેકળાય એવું નથી.
– હું કરીશું?
– આંધું હેઠું પડવા દો, પછઅ નેકળીએ.
હાથમાં સાહેલી હોટી ઊંટગાડી પર પછાડીના ઈણે મૂકી દીધી. પછઅ ધારિયાના હાથા પર હાથ મૂક્યો. મારા હાજા ગગડી જ્યા. શનાના મોં પર કડપ દેખાતી’તી. હવામાં હલતી ઈની મૂછો જોઈનઅ મનઅ કહઈ યાદ આયી જ્યો.
– ટેસન જ્યા’તા ભોળા ભૈ!
– હા, ભૈ! હટાણું કરવા યો’તો.
– તમનઅ ખબર હતી કઅ આંધું આવશ?
– ના ભૈ! ના.
– તમનઅ એય ખબર નઈ હોય કઅ આમ એકલા જ મારી ઊંટગાડીમાં બેહવું પડશીં.
– ના.
– આ વગડામાં આંય આપણા બે વન્યા કોઈ માંણહ ભાળો છો?
– ના.
– તમી અનઆ ઉં. બે એકલા જ છીએ, નઈ!
– હા.
– બીક તો નથી લાગતી ન!
– ના, તું હંગાથ છએ પછઅ.
બોલતાં તો ઉં બોલ્યો પણ મનમાં થ્યું: મનઅ બીજા કોઈની નઈ પણ હવડાં તો તારી બીક લાગઅ છઅ. તું ધારિયું હેઠું મેલી દેનઅ ભૈ! પણ શનાએ ધારિયું હેઠું નોં મેલ્યું. ઉપરથી ધારિયાની ધાર પર આંગળી ફેરવવા લાજ્યો. મારા તો પગ પાંણી પાંણી થઈ જ્યા. આવી હાલતમાંય શનાનઅ કે’વાનું મન થઈ જ્યું: આ બધાં નખરાં મેલીનઅ ભલા’દમી ઊંટગાડીનઅ આંયથી કાઢવાનું કાંક કરઅ. પણ ઉં કાંક બોલું તો મારું આવી જ બનઅ નઅ! એટલી નોં બોલ્યો. પણ શનામાં રામ વસ્યો કઅ હું? ઈ ધારિયું ઊંટગાડીમાં પાછું મેલી દીધું. અનઅ હાથમાં હોટી લઈનઅ ઊંટનઅ ફટકારી. ઊંટ ભડચ્યો. રવમાં નઅ રવમાં થોડું દોડી જ્યો. ધૂળના ઢસામાંથી ઊંટગાડી નેંકળી તો ખરી, પણ આગળ ધૂળના ઢગલા જ ઢગલા. ઊંટ ઊભો રઈ જ્યો. શનો ઊંટનઅ હોટીઓ માર માર કરતો’તો. ઊંટ માંડ બેચાર ડગલાં ભરતો’તો. મનઅ તો ઈમ થતું’તું ક હવઅ ચાણઅ ગાંમનું પાદર આવઅ ના આ બધામાંથી છૂટું! શનાનો ભરોસો નઈ. વંઠેલ છઅ. મનમાં આવી જાય તો માથું વાઢી લેય. આંય ખબરેય કુના પડવાની’તી કઅ શનાએ આંમ કર્યું. ધાર કઅ ભોળા! એવું થાય તો હું કરઅ? કરી રયા. હું કરીએ? ગાંમ વચાળે હોય તો બેપાંચ ભૈભાંડુનો ટેકો મળી જાય. ટેકાના લીધએ તો ઊંચા થઈનઅ બોલાય છઅ ગામમાં. આંય ચ્યમ બોલાતું નથી? ચ્યાંથી બોલાય! આ શનિયો મારાથી બે વેંત ઊંચો અનઅ જાડાપાડા જેવો છઅ. નઅ ઉં રયો હાંટીકડો. એ ધારઅ તો આંય મારી ચકૈડીભમૈડી કરી નાંખઅ હોં!
આવું વિચાર્યા પછઅ તો મનઅ બહુ બીક લાજી. હવઅ શનો પાછો હળવળતો હતો. ચોક્કસ આઈ બન્યું. ઉં કોકડું વળીનઅ બેહી રયો. મારા અનઅ શના વચ્ચે ઝાઝું અંતરેંય નો’તું. હળવે રહીનઅ ધારિયાનો ગોધો મારઅ તોય છાતીમાં ગોબો પાડી દેય. ‘ચેતી જવું હારું’ ઈમ વિચારીનઅ ઉં ઊંટગાડીમાં જરા પાછો ખસ્યો.
– ચ્યમ પાછા ખસ્યા, ભોળા ભૈ!
– અમથો.
– છેવાડા બેઠા છો, તીં ગોટમડું ખાઈ જશો તો ધૂળમાં પાછા હોધ્યાય નઈ જડો. કાંક પકડો!
મીં ઊંટગાડીનું કડું ઝાલ્યું.
હવઅ આંધું જરા હળવું થ્યું’તું.
આભલું થોડું થોડું ભળાવા માંડ્યું. તોય વાદળાં તો હતો જ પણ આ ઊંટનઅ હું થ્યું છઅ હેંડતું જ નથી. ‘મારનઅ લ્યા શનિયા હોટી!’ ઉં મનમાં કૂદ્યો. પણ થોડું અજુગતુંયે લાજ્યું. શનાનઅ હવડાં શનિયો ને કે’વાય ભોળા!
– ભોળા ભૈ! ઓરા આવો.
ઉં જરાય ચસક્યો નઈ. ઓરો બોલાવી નઅ ધારિયાનો ગોધો મારવો એ નઈ! આંય છેવાડા હારા. તું કાંય કરવા જાય તો તરત ઠેકડો તો મારી હકાય!
– ભોળીદા! ગજબ થઈ જ્યો. આ વગડામાં ઝાડ તો જુઓ. ચેટલાં બધાં પડી જ્યાં છઅ!
– હા, મારું બેટું! આ ધૂળ ઊડતી’તી તી કાંય દેખાણું જ નઈ!
– લ્યો, આ રસ્તા વાચાળ એક ઝાડ આડું પડ્યું છઅ. હું કરીશું?
ઊંટગાડી હવઅ આગળ નઈ જાય. જબરો હલાડો થ્યો. વિઘન ઉપર વિઘન. હવઅ હેઠઅ ઊતરવું પડશી. નઅ ઊતર્યા પછઅ કાંક થવાનું. ઝાડ ખસેડતાં શનિયો અપલખણ કરવાનો. ભોળા, હવઅ બરાબરની ઘડીઓ આયી છઅ, બાંયો ચડાવો.
– ભોળા, ભૈ! હેઠા ઊતરો હેઠા. ઝાડ તો ખસેડવું જ પડશીં.
– હા, હેંડ ભૈ!
શનો ધારિયું લઈનઅ આગળ થ્યો.
મનઅ ફરી ફફડાટ પેઠો. મારો વાલીડો ધારિયું તો હેઠું મેલતો જ નથી. ઈનઅ આઘો રાખવા મીં કીધું: ભૈ શના, ઝાડ કાંય મોટું જણાતું નથી. તું થાચેલો છઅ. હાહ ખા હું ઈનઅ ઉલાળી મેલું છું. એ ના પાડવા જતો’તો, પણ મી ઈનઅ હાથ લાંબો કરીનઅ રોકી લીધો. શનો ઊંટગાડીનો ટેકો લઈનઅ ઊભો રયો. મનઅ નિરાંત થઈ. ઝાડનું થડ તો આઘું હતું. ઈનું એક ડાળું રસ્તો રોકીનઅ પડ્યું’તું. ઈનઅ ઉલાળવામાં મનમાં કાંઈ જોર પડઅ ઈમ હતું નઈ. તાકાત કરીનઅ મીં ઝાડનું ડાળું ઊંચું કર્યું. ડાળું ઊંચું થ્યુંયે ખરું. મનઅ હતું કઅ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉલાળી મેલું છે. ઉલાળીયે મેલત, પણ ઊછળેલી ડાળનો ગોધો આંશ્યમાં વાજ્યો નઅ ઉં ગડથોલું ખૈ જ્યો. હેઠો પડ્યો. મી ઊંચકેલું ડાળું મારા પર જ પડ્યું. હું દબાયો.
હાં હાં ભોળા ભૈ! કરતો શનો ખભે ધારિયું મેલીના ધાયો. ઈનઅ આવતો ભાળીનએ મારા તો રાંમ રમી જ્યા. ઉં એવી રીતનો કચડાયો કઅ ડાળું ઊંચું કરતાં વાર થાય ઈમ હતી, નઅ આ શનિયો તો જમની જ્યમ ઉપર આયીનઅ ઊભો રેઈ જ્યો. હવઅ? ઉં આંશ્યમાં આજીજીના ભાવ કરીનઅ શના હાંમું જોઈ રયો. પણ શનો ઈમ છોડઅ કાંઈ! ઈણે તો ધારિયું ઊંચું કર્યું. આંધાવેગથી મારા ઉપર ધારિયું ધસી આવતું મીં ભાળ્યું. મનઅ વસી જ જ્યું કઅ હવઅ માથું રંગઈ જવાનું. મીં આંશ્યો મેંચી દીધી. એક-બે ને તઈણ–
મારી છાતી ઉપરના ભાગમાં એકીહારે બેત્રણ વાર ટચાકા થયા. મારી તો આંશ્યો ખૂલી જ જઈ. ભાળ્યું તો જે ડાળાં નેચઅ ઉં ભેરવાયો’તો એ ડાળું અનઅ ઝાડનું થડ જુદાં પડ્યાં’તાં. મીં શના હામું આંશ્યો મટમટાઈનઅ તાક્યા કર્યું. શનો મારી હાંમું જોઈ રયો’તો. મારા પર પડેલું ડાળું ઊંચું કરતાં બોલ્યો:
– ચ્યમ હજુ પડી રયા છો? થઈ જાઓ બેઠા પટયોલ!
ડાળું ઉલાળીનઅ ઉં ઊભો થયો.
શના હાંમુ મીટ માંડવાની મારી તાકાત નો’તી. હું મૂંગો મૂંગો બૈડો ખંખેરતો ઊંટગાડી પાહે આયો. રસ્તા વચોવચ પડેલા ડાળાના ધારિયામાં ભરાવીનઅ વાડમાં ઉલાળી મેલતાં શનાએ વધામણી કરી:
– આંધું મટી જ્યું છઅ. હવઅ કશો ભો નથી. બેહી જાઓ લારીમાં.
ઊંટની દોરી હાથમાં ખેંચીનઅ શનાએ મારી હામું જોઈનઅ હસી લીધું. (‘નકલંક’)