લીલુડી ધરતી - ૧/આંસુની આપવીતી

From Ekatra Wiki
Revision as of 05:50, 30 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આંસુની આપવીતી

ડેલીના ઊંબરા બહાર વર્ષોથી ઊભડક પગ પર માથું ટેકવીને બેસતા પંચાણ ડોસાએ અત્યારે અફીણના અમલનું પ્રમાણ બેહદ વધી જતાં બંને ગોઠણ વચ્ચે માથું ઢાળી દીધું હતું.

‘આવો જ પહેરો ભરતા રહેજો, પંચાણભાભા !’ કહેતોકને રઘો ડેલીમાં દાખલ થયો.

ડેલીના દરવાજામાં તો ઠીક પણ ઠેઠ રણવાસ સુધી રઘાને અબાધિત પ્રવેશનો અધિકાર હતો. દરબારનાં ગોલાંગોલીઓએ તો આ ચિરપરિચિત માણસને મુજરો જ કરવાનો હતો.

સમજુબાને ઓરડે જઈને બેઠો એટલે રઘાને જોઈને એક ગોલીએ ચક ઉતારવા માંડ્યો, એને સમજુબાએ વારી : ‘રે’વાદે, મોતી ! ચક નથી નાખવો’

અને પછી મોતીને સાંકેતિક ઇશારો કર્યો કે તુરત દાસી ક્યાંક ગાયબ થઈ ગઈ.

સમજુબાની વ્યથાભરી મુખમુદ્રા તરફ રઘો સચિંત નજરે તાકી રહ્યો. તેડું કરવા આવેલ પંચાણભાભાએ કહેલી વાત સાચી લાગી. એક અનંત રુદનની રેખાઓ ઠકરાણાના સોહામણા મુખ પર અંકાઈ ગઈ હતી.

વાતચીતનો આરંભ કેવી રીતે અને કયા મુદ્દાથી કરવો એ અંગેની સમજુબાની મૂંઝવણ રઘો પારખી ગયો તેથી એણે જ ઠાવકે મોઢે શરૂઆત કરી : ​‘પોલીસવાળાંવને પતાવ્યા ને ?’

‘આ ઘડીએ તો પતાવ્યા છે, જેમ તેમ કરીને.’ સમજુબાએ કહ્યું. ‘હવે ફરી દાણ હોળી ન સળગે તો સારું.’

‘જીવાભાઈએ હંધું ય માથે ઓઢી લીધું છે, પછી ફરી દાણ શેનું સળગે ?’ રઘાએ પૂછ્યું, ‘ને પોલીસવાળાંવનાં ય મોઢાં સારી પટ બાળ્યાં છે ?’

‘પોલીસવાળાવ કરતાં ય વધારે તો જીવલાનાં બાળવાં પડ્યાં. તંયે તો માંડ માંડ ઈ માથે લેવા કબૂલ થ્યો–’

‘હા. ઈ તો કિયે કે આ તો ખૂનકેસના મામલા. જલમટીપે ય જડે ને કાળે પાણીએ ય મોકલે. વાંહે મારા બચરવાળ કટંબનું કોણ ?–’

‘બચરવાળ કટંબ !વાત તો સાવ સાચી.’

‘ને કિયે મારી વાંહે મારા ગલઢા બાપને કોણ પાળે ? એને સાંજ પડ્યે તોલો એક અફીણ કોણ આપે ?’

‘ઇયે ય વાત સાચી. ડોહાને બચાડાને અમલ લીધા વિના તો ટાંટિયા તૂટે–’

‘ઈ તો હંધું ય હમજ્યા, મારા ભઈ ! પણ આપણને ગરજ હતી એટલે ગોલાનાં ગોલાપાં કરવાં પડ્યાં.’

‘હેં ?’ રઘો ચોંક્યો.

‘હા. ગોલાનાં ગોલાપાં કરવાં પડ્યાં ભાઈબાપ કરવાં પડ્યાં, ખેાળા પાથર્યા જેવું ય કરવું પડ્યું.’ સમજુબાએ પોતાના અંતરની વેદના કહી સંભળાવી. ‘બંધૂક ભલે શાદૂળભાએ છોડી, પણ આળ તો દરબારની પંડ્યની માથે જ હતું ને ? બેમાંથી કોઈને કેદ જડે તો જીવતર જ રોળાઈ જાય ને ?’

‘સાચી વાત.’ રઘાએ કહ્યું. ‘ઈ તો હંધું ય એાઢી લઈને જીવાભાઈએ સોના જેવું કામ કર્યું.’ ​ ‘સોના જેવું કર્યું !’ સમજુબા વ્યંગમાં બોલ્યાં. ‘સાટામાં સોના ભારોભાર રૂપિયા લીધા છે રોયાએ !’

‘સાચું કિયે છ ?’

‘સાચું નંઈ તંયે ખોટું ?’ જેટલા રૂપિયા પોલીસને બાળ્યા એટલા જ જીવલાને બાળવા પડ્યા. ઈ મૂવો ઓછે લાકડે ક્યાં બળે એમ હતો ?’

‘સહુ ગરજ વરતે, બા !’

‘ચાર ચાર પેઢી આ ઘરની કઢી ચાટીને ઉછરેલા ઈ જીવલાને રોકડા રૂપિયા માગતાં જરા ય આંખ્યની શરમે ય નો નડી. કાળી રાત્યે, પાડાના કાંધ જેવાં ખેતરવાડી ગિધિયાને માંડી દેવાં પડ્યાં–’

‘ખેતરવાડીને શું કામે રૂવો છો બા ? ભગવાન શાદૂળભાને ક્રોડ વરહના કરે !’ રઘાએ કહ્યું. ‘પેટનાં જણ્યાંથી કાંઈ ખેતરવાડી વધારે છે ?’

‘પેટનાં જણ્યાં !’ સમજુબાએ વળી વ્યંગાત્મક સ્વરે કહ્યું.

એ વ્યંગનો અર્થ સમજતાં રઘાને જરા ય વાર ન લાગી, વાસ્તવમાં તો આ દુનિયા ઉપર શાદૂળનું અસ્તિત્વ જ સમજુબાના માતૃજીવનનો ભયંકર વ્યંગ હતો, અને એનું રહસ્ય એક રઘા સિવાય ભાગ્યે જ કોઈની જાણમાં હતું.

‘મેં તો પારકાને પંડ્યનો કર્યો, પણ હું તો નસીબની જ આગળિયાત, તી દીકરો અરઘ્યો જ નંઈ !’ સમજુબા ગદ્‌ગદ્ અવાજે બોલ્યાં. ‘હું તો બાળોતિયાંની બળેલ... હવે લાકડામાં ય નંઈ ઠરું !’

અને ઠકરાણાંનીની ખારેક જેવી આંખોને ખૂણે સાચાં મોતી જેવું એકેક આંસુ ઝબક્યું.

એ આંસુની આપવીતી તો આ ધરતીના પટ ઉપર એકમાત્ર રઘો જ જાણતો હતો :

આજથી ત્રણેક દાયકા પહેલાં સમજુબા થોરડીથી પરણીને ગુંદાસર આવ્યાં ત્યારે જુવાનજોધ તખુભાની આટઆટલા પંથકમાં ​ હાક વાગતી હતી. ઘેરે ગાંડો ગરાસ દૂઝતો હતો. કાયાની લેણાદેણી હતી, દરબારનો દિવસ આવતો હતો. એવામાં તખુભાને કોઈક ગંભીર માંદગીએ ઘેરી લીધા, કેટલાય અસાધ્ય રોગો લાગુ પડ્યા જે આજ સુધી એ વૃદ્ધ માણસને પીડી રહ્યા હતા. પાકા એક દાયકાથી તો તખુભા દરબારગઢની બહાર પગ મૂકી શક્યા નથી. ગુંદાસરના કોઈ માણસે વરસોથી દરબારનાં દર્શન કર્યાં નથી. એકેકથી ચડિયાતા ચેપી રોગો એમની કાયાને કરકોલી રહ્યા છે. વાયકાઓ તે એવી છે કે તખુભાના બન્ને સાથળ કરેકોલાઈ જઈને પોલા ભમ થઈ ગયા છે, ને માંહ્ય કીડા ખદખદે છે. એમના પાસવાનો કહે છે કે દરદીના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ ફૂટે છે અને એ દુર્ગંધને સહ્ય બનાવવા માટે રોજેરોજ પુષ્કળ સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરવો પડે છે.

સુખી દામ્પત્યનાં અનેક હર્યાંભર્યાં સોણલાં લઈને આવેલાં સમજુબાનો જીવનબાગ પુષ્પિત થયા પહેલાં જ મુરઝાઈ ગયેલો. થોડા સમયમાં જ એને અણગમતી પ્રતીતિ થઈ ગયેલી કે પોતે આ અવતારમાં કદીય માતૃપદ મેળવી શકશે નહિ. આ હીણભાગી સ્ત્રી સદાયને માટે માતૃત્વથી વંચિત રહેનાર છે, એનું ભાન થતાં એને ભયંકર આઘાત લાગેલો, અને એના પ્રત્યાઘાત રૂપે એનામાં પાગલપણાનાં પ્રાથમિક ચિહ્‌નો જણાવા માંડેલાં. એને પરિણામે, અત્યંત ગુપ્ત રાખવામાં આવેલી તખુભાની બીમારીની વાત ભાયાતોમાં બહાર પડી ગયેલી. તખુભાના ગરાસ ઉપ૨ નજ૨ ટાંપીને બેઠેલા ભાયાતો આથી રાજી થયેલા. વાવડીવાળા પિતરાઈ વાજસુરે તખુભાનો ગરાસ પચાવી પાડવાના મનસૂબા સેવવા માંડેલા...

પણ સમજુબા આથી નાસીપાસ થાય એવાં નમાલાં નહોતાં. તખુભાને રઘા જેવો જોરૂકો ને અક્કલકડિયો ભાઈબંધ હતો. એણે તખુભાને નિર્વંશ જતા અટકાવવા, ને ગાંડો ગરાસ જાળવી રાખવા એક અજબ યુક્તિ કરી. સમજુબાએ ગોળો ગબડાવ્યો કે હું સગર્ભા છું. રઘાએ ગામ–પરગામમાં તપાસ આદરી કે કોને ત્યાં બાળક ​ અવતરવાની સંભાવના છે ? એ શેાધક નજરે ગુંદાસરમાં જ વેલજી સુથારનું ઘર શોધી કાઢ્યું. અમથી સુથારણને બાળકની આશા હતી, રતાંધળો વેલજી વરસો થયાં બેકાર હોવાથી ધાનધાન ને પાનપાન થઈ ગયો હતો. રઘાએ બરોબર પેંતરો રચ્યો, લાંબી લાલચ આપીને સુથાર દંપતીને સમજાવ્યાં. અમથીને પુત્ર અવતરે તો સમજુબાને સાંપી દેવો, પુત્રી અવતરે તો સહુ લાચાર. પણ રઘાની ધારણા મુજબ ‘ભોળા શંભુએ લાજ રાખી.’ અમથી સુથારણને, રઘાએ જ એ વેળા સમજુબા સમક્ષ ઉચ્ચારેલી ઉક્તિ મુજબ ‘દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો.’ પોતાને પુત્ર જન્મે તો સમજુબાને સોંપી દેવાનો આગોતરો સોદો કરી બેઠેલી અમથીએ પુત્રજન્મ પછી પોતાના જ પ્રાણપુદ્‌ગળને પારકી માતાના હાથમાં સોંપતાં આનાકાની કરેલી, પણ ગરજુ ઠકરાણાંએ કોથળીઓનાં મોઢાં મોકળાં મૂકી દીધાં હતાં. ૨ઘાએ એક વેળા અતિઉત્સાહમાં કહી દીધેલું કે જોઈએ તો, છોકરાની ભારોભાર સોનું જોખી લ્યો !’ આખરે અમથી સોનું દેખીને ચળી ને પેલા દેવના ચક્કર જેવા દીકરાએ દરબારને આંગણે શાદૂળભા નામ ધારણ કર્યું....

પણ રઘાની કામગીરી એટલેથી જ પતે એમ નહોતી. રખે ને આ નાટકનું રહસ્ય બહાર પડી જાય તો ? શકરા જેવા ભાયાતોને આ ગોસમોટાળાની ગંધ આવી જાય તો ? સમજુબા પાસે આ મુશ્કેલીનો પણ ઉકેલ હતો. અમથી સિવાય બીજા કોઈને મોઢેથી આ ગુપ્ત બાતમી જવાનો ભય નહતો. પુત્રની સાચી માતા જ જો અહીંથી દૂર થાય તો સહુ નિશ્ચિંત બની જાય. એ માટે પણ સમજુબાએ રઘાને જ સાધવો પડ્યો. અમથીને રીતસર તડીપાર કરવાની જ યોજના હતી. એક ભયંકર કાવતરું યોજાયું અને રઘાએ એ પાર પાડવાનું માથે લીધું. અમથીને અનેક આંબાઆંબલી બતાવવામાં આવ્યાં; રતાંધળા પતિની રોજેરોજની મારઝૂડથી કંટાળેલી એ ગૃહિણી આખરે રઘા જોડે નાસી છૂટવા તૈયાર ​ થઈ. પણ બદલામાં વળી એણે પોતાની કિંમત માગી. સમજુબાએ એને પગથી માથા સુધી સોના વડે મઢી દીધી, પણ સાથોસાથ એમણે રઘાના કાનમાં પણ એક અત્યંત ક્રર સૂચનની ફૂંક મારી દીધી. એ સૂચન હતું અમથીનું કાટલું કાઢી નાખવાનું. શક્ય હોય તો, આફ્રિકા પહોંચતાં પહેલાં, વહાણમાંથી જ એને ધક્કો દઈને દરિયામાં ફેંકી દેવાની, અને એમ ન બને તો આફ્રિકાને કાંઠે પગ મૂકતાં જ એનો ઘડોલાડવો કરી નાખવાની, અને એ રીતે બધી માલમત્તા પાછી મેળવી લેવાની એ યોજના હતી. એટલું પાર પડે તો પછી પોતાના ઉછીના પુત્રનું જીવનવહેણ સરળ બને ને ભસ્મીલા ભાયાતો પણ હાથ ઘસતા રહે....

બરોબર વીસ વર્ષે રઘો વતનમાં પાછા ફર્યો ત્યારે તો, એના પોતાના જ શબ્દોમાં કહીએ તો, ‘પળ પલટાઈ ગઈ’ હતી. ગુંદાસરનાં જીવનવહેણ, ઓઝતનાં નીરની જેમ પુષ્કળ પ્રમાણમાં વહી ગયાં હતાં.... અમથી નાસી ગયા પછી રતાંધળો વેલજી તો એકલો ઝૂરી ઝૂરીને મરી પરવાર્યો હતો. શાદૂળનાં જીવનમાં એક અણધાર્યું પરિવર્તન આવ્યું હતું. કોણ જાણે કઈ મનોગ્રંથિને પરિણામે એ ખુદ પોતાના પિતાનો શત્રુ બની બેઠો હતો. વેલજીને તો એ ઓળખતો જ નહોતો; એને મન તો તખુભા જ પોતાના પિતા અને પાલનહાર હતા. પણ કમનસીબે બાપદીકરા વચ્ચે કોઈક અભાગી પળે એવી તો અંટસ પડી ગયેલી કે એકબીજા જોડે અબોલા લીધા હોવા છતાં ય એમની આંખો લડતી. સમજુબાના જીવનની આ મોટામાં મોટી વિધિવક્રતા હતી. પોતે પુત્રની બાબતમાં જે ભયંકર કૂડ ખેલ્યું હતું એનો જાણે કે કાવ્યન્યાય મળી રહ્યો હતો. આટઆટલી છળલીલા કર્યા પછી આખરે તો ‘પારકાં તે પોતાનાં થાતાં હશે ?’ એ કરુણ પ્રશ્નાર્થ જ એમણે તો ઉચ્ચારવાનો રહ્યો હતો !

રૂપાં રબારણની હત્યા પાછળ પણ શાદૂળની આ વિચિત્ર ​મનોગ્રંથિ જ મુખ્ય ભાગ ભજવી ગઈ હતી. એક રાતે એણે તખુભાને ઓરડે રૂપાંને જોઈ અને તરત એણે ખીંટીએથી બેજોટાળી બંદૂક ઉતારીને ભડાકો કર્યો. એક જ ગોળીએ રબારણ વિંધાઈને ઢળી પડી. અવાજ સાંભળીને આજુબાજુથી જીવો ખવાસ અને સમજુબા દોડી આવ્યાં. માતાએ ઓરડામાં આવીને જોયું તો શાદૂળના હાથમાંની બંદૂકની નાળ ઢોલિયે પડેલા અપંગ તખુભાની છાતી ઉપર નોંધાઈ હતી. સમજુબા પતિ અને પુત્રની આડે ઊભાં રહ્યાં. ‘પહેલાં પરથમ મને વીંધી નાખ્ય, પછી તારા બાપુનો જીવ લેજે !’ અને શાદૂળને આ પારકી ‘માતા’ પર દયા આવી. નોંધેલી નાળ નમાવી દીધી. બંદૂકનો ઘા કરીને એ ઓરડાની બહાર નીકળી ગયો...

‘રઘા ! મને હવે હાથનાં કર્યાં હૈયે વાગે છે.’ સમજુબાએ પેટબળતરા વ્યક્ત કરી. ‘મેં તો સોનું ભણીને સાટવ્યું પણ કરમે, નીકળ્યું કથીર...’

‘હંધી ય લેણાદેણીની વાતું છે, બા !’ ૨ઘો પોપટવાક્યો વડે આશ્વાસન આપી રહ્યો.

‘પારકે જણ્યે મારું પેટ ને ઠાર્યું !’

‘નસીબની બલિહારી છે, બા !’

રઘાને મોઢેથી સંભળાતાં આવાં ટાયલાં વડે ઠકરાણાંને કશું સાંત્વન મળે એમ નહોતું. એમના હૈયામાં તો એક જુદી જ હોળી સળગતી હતી.

‘પારકો તો પારકો, પણ એક નામલેણું તો છે, એમ સમજીને હું તો મન વાળીને બેઠી’તી,’ સમજુબા બોલ્યાં, ‘પણ હવે તો એમાં ય મૂવા અદેખા ભાયાતુંએ હોબાળો ઉપાડ્યો છે.’

‘હેં ? શું ?’ રઘા માટે આ સમાચાર નવા હતા.

‘રોયા વાજસૂરિયાને કંઈક ગંધ્ય આવી ગઈ લાગે છે.’

‘શેની ?’ ​ ‘શાદૂળભા મારો પેટનો જણ્યો નથી, ઈ વાતની !’

‘જખ મારે છે વાજસૂરિયો. હવે આટલે વરસે ઈ શું કરી લેવાનો હતો ?’

‘એણે વાત વે’તી મેલી છે કે શાદૂળભા રાજબીજ નથી—’

‘મરની વાતું કર્યા કરે ! એમ જોવા જઈએ તો તો આ મોટામોટાં રજવાડાંમાં ય સાચું રાજબીજ ક્યાં જડે એમ છે ?’ કહીને રઘાએ વિવિધ રાજ્યોની વંશાવળી ઊખેળી : ‘વિક્રમગઢના ભૂપેન્દ્રસિંહજી ચારણનું ફરજંદ... દેવળનગરના કિરાતસિંહજી... પરજિયા સોની હાર્યે સાટાપાટા... કંચનપુરના સુરેન્દ્રકુમારસિંહજી... બ્રાહ્મણ દીવાનને ઘેરે જનમેલા. આણી કોર્ય અંજનગઢ જુવો, કે ઓલી કોર્ય સુલતાનપુર જુવો, હનુભા બાપુને યાદ કરો કે થાનપુરવાળા જગદીશસિંહજીને સંભારો, હંધું ય મનમાં જ સમજવા જેવું.... દેખાડો મને ક્યાંય સાચું રાજબીજ સચવાણું હોય તો !’

‘ઈ હંધાં ય સિંહને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ? મોટાં રજવાડાંનું કોઈ નામે ય નો લ્યે, ને આપણાં જેવા ગરીબની ગિલ્લા કરવી સહુને ગમે !’ સમજુબાએ રડમસ અવાજે ઉમેર્યું. ‘સાવઝની બોડમાં કોઈ હાથ નો નાખે; પણ આપણાં ચકલાંના માળા વીંખવા સહુ ધોડ્યાં ધોડ્યાં આવી પૂગે.’

‘કોઈના બાપની હવે દેન નથી, ને તમારો માળો વીંખી જાય.’

‘પીટડિયો વાજસૂરિયો જ વીંખવા તિયાર થ્યો છ—’

‘એની પાસે પુરાવો ક્યાં છે ? આકાશપાતાળ એક કરે તો ય પુરાવો જડે એમ નથી.’ રઘાએ સધિયારો આપ્યો.

‘તને ખાતરી છે ? પુરાવો જડે એમ જ નથી ?’

‘ના.’

પણ રઘાની આટલી ‘ખાતરી’ વડે ઠકરાણાંને ખાતરી થાય એમ નહોતું, પોતે આજે જે બાબતની પૃચ્છા માટે આ માણસને ખાસ તેડાવ્યો હતો, એ બાબતની પેટછૂટી વાત કરી નાખ્યા વિના ​ એના જીવને જંપ વળે એમ નહોતો. એમણે આખરે સઘળી હિંમત એકઠી કરીને પૂછી જ નાખ્યું :

‘અમથી મરી પરવારી છે ?’

‘હા...ના..હા...ના...ના...’ રઘો બોલતાં થોથવાઈ ગયો. ભલભલા ચમ્મરબંધીને ય ભૂ પાઈ દેનારો આ માણસ ઠકરાણીના જાજરમાન વ્યક્તિત્વ સમક્ષ જૂઠ્ઠું ન બોલી શક્યો.

‘જેવું હોય એવું બોલી નાખજે.’ સમજુબાએ આદેશ આપ્યો.

‘હવે શું કામે સંભારો છો એને ? ઈ તો વા વાળ્યા, ને દા’ ગાળ્યા—’

‘ના, દા’ ગાળ્યા નથી હજી.’ ઠકરાણાં બોલ્યાં. ‘હવે જ સાચો દા’ લાગવાનો ભો છે. એવો દા’ લાગે કે મારું આખું જીવતર સળગી જાય. ખુમાણ કુળનું જડાબીટ નીકળી જાય... બોલી નાખ્ય, રઘા જેવું હોય એવું બોલી નાખ્ય. અમથી જીવે છે કે મરી ગઈ છે ?’

‘જીવે છે.’ રઘાએ નીચી મૂડીએ જવાબ દીધો.

‘જીવે છે ?’ સામેથી એ જ શબ્દોનો કરડાકીભર્યો પડઘો પડ્યો, ‘અમથી હજી જીવે છે ?’

રઘો મૂંગો રહ્યો.

સામેથી એનો એ જ પ્રશ્ન વિવિધ સ્વરૂપે ને ઉત્તરોત્તર વધારે ઉગ્રતાથી પૂછતો રહ્યો :

‘પેટના જણ્યાને પૈસા માટે વેચી નાખનારી ઈ નઘરોળ્ય હજી જીવે છે ?... તેં હજી લગણ એને જીવતી રે’વા દીધી છે ? એને આફ્રિકે લઈ ગ્યો તંયે દરબારની મોઢે તું શું કોલ દઈને ગ્યો’તો ? બોલ્ય, કેમ મૂંગો થઈ ગ્યો ?’

રઘા પાસે આ મૌનનું કારણ જ ક્યાં હતું ?

‘આટલાં વરહ અમને ઊઠાં જ ભણાવ્યાં ને ?’ કહીને ઠકરાણાંએ રઘાની જ એક ઉક્તિનું વ્યંગાત્મક પુનરુચ્ચારણ કરી ​ બતાવ્યું : ‘અમથી તો આફ્રિકે ગયા પછી ઝેરી તાવમાં મરી ગઈ !... અમથીને સાટે તેં તો હવે અમારાં મોત કરાવ્યાં !’

રઘો ગુનેગારની અદાથી નીચી મૂંડીએ ભોંય ખોતરતો રહ્યો એટલે સમજુબાએ એની ઊલટતપાસની ઢબે પૂછવા માંડ્યું :

‘તને સોંપ્યું’તું ઈ કામ તેં કર્યું કેમ નહિ ?’

‘બા ! સાચું કહું ? મારો જીવ ના હાલ્યો !’

‘શું બોલ્યો ?’

‘મારો જીવ નો હાલ્યો !’

‘જીવ નો હાલ્યો ? બાપુએ સોંપેલું કામ કરતાં જીવ નો હાલ્યો ? સાટામાં ગાંસડોએક રૂપિયા લેવા બહુ વા’લા લાગ્યા, ને કામ કરતાં જીવ નો હાલ્યો, કાં ?’

‘મારું કેવું માનશો, બા ?’ રઘાએ નિખાલસપણે નિવેદન કર્યું, ‘તમે સોંપ્યું’તું ઈ કામ કરવા તો ગ્યો, પણ મને બિચારી બાઈની દયા આવી. વહાણમાં બેઠા પછી મધદરિયે તો માલમના દેખતાં કાંઈ થાય એમ જ નહોતું; પણ આફ્રિકાને કાંઠે ઊતર્યા પછી—’

‘કાંઠે ઊતર્યા પછી તેં શું કર્યું, બોલ્યની ?’

‘કાંઠે ઊતર્યા પછી મેં વખનો વાટકો ઘોળ્યો’તો, પણ એને પાતાં મારી આંખ્યમાં આંસુ આવી ગ્યાં.’

‘આંખમાં આંસુ આવી ગ્યાં ?’

‘હા, સાચું કહું છું. આ કઠણ છાતીવાળા રઘાની ય પાંપણ ભીની થઈ ગઈ, ને હાથ થથરી ગ્યો. હાથમાં લીધેલો વખનો વાટકો ઢોળી નાખ્યો !’

‘પછી ? પછી !’ ઠકરાણાને હવે આ કિસ્સામાં વધારે રસ પડ્યો.

‘પછી તો અમે ઘરસંસાર માંડ્યો’

‘વેલકા સુતારનો સંસાર ભાંગીને ?’ ​ ‘ઈ તો આમેય ભાંગ્યો’તો ને આમેય ભાંગ્યો’તો જ ને ?’

‘એટલે તેં એને સાજો કરી દીધો, કેમ ?’

‘જેમ બોલવું હોય એમ બોલો, બા ! તમે તો મારાં માવતરને ઠેકાણે છો, ન્યાંકણે પારકા મલકમાં મારું કોણ ? એમ સમજીને અમે બે ય જણાં સાંઢેવાડે ભેગાં રિયાં એમાં શું ગનો કરી નાખ્યો ?’

‘ભેગાં રિયાં તો ભલે રિયાં, પણ પાછાં નોંખા શું કામે પડ્યાં ? ને કાળે પાણીએથી પાછાં મલકમાં શુ કામે ગુડાણાં ?’

‘સાચું કઉં, બા ? આફ્રિકાનાં જંગલી આરબાંને સીદીડાંની વચાળે રહેવું અમને ગમ્યું નંઈં. આપણા મલકનાં હવાપાણી વિના અમને ચેન નો’તું પડતું. ને મારી વાંહે વળી આફ્રિકાની સરકારનાં વારન્ટ ફરતાં’તાં. અમથી મને રગી રગીને કીધા કરતી’તી કે એક વાર મને આપણો મલક બતાડ્ય ! ઈ વન્યા મારું મોત નંઈ સધરે... એટલે અમે જેમ ખોટે નામે ભાગી ગ્યાં’તાં, એમ વળી ખોટે નામે દેશમાં પાછાં આવ્યાં.’

‘તું પાછો તો આવ્યો, પણ આટલાં વરહથી અમથીને ક્યાં સંતાડી છે ?’

‘મેં સંતાડી નથી, બા ! ઈ એની મેળે જ ભાગી ગઈ છે !’

‘ભાગી ગઈ છે ?’

‘હા કાબૂલીવાળાંવની હાર્યે... અંત્યે તો અસ્ત્રીની જાત્ય. સ્વારથની સગી નીકળી. આંયાં મારી ભેગી ગુંદાસરમાં આવશે તો ગામ એને સખે નઈં રેવા દિયે, એમ સમજીને કાબૂલીવાળાં ભેગી હાલી નીકળી.’

‘પણ હાલી નીકળીને ગઈ ક્યાં ?’ સમજુબાએ મુખ્ય ચિંતાનો સવાલ પૂછયો.

‘ઈ આણી કોર્ય નથી. ફકર્ય કરશો મા. ઈ તો કાબૂલીવાળાં ​ ભેગી કલકત્તા કોર્ય ઊતરી ગઈ છે. ટાઢે પાણીએ ગઈ !’ કહીને રઘાએ સમજુબાને વળી સધિયારો આપ્યો. ‘ઈ આજ દી લગણ જીવતી રહી હોય તો મૂવેલી જ સમજો ની !’

‘ઈ તો જાણે કે સમજી. પણ કાલ્ય સવારે આ વાજસૂરિયો હોબાળો સળગાવે, વાત બેચરાઈ જાય, ને—’

‘વાતમાં શું માલ છે ?... એની સાબિતી શું ? એનો સાક્ષી–સાહેદ કોણ ? એક મારા સિવાય કોઈને આ વાતની જાણ નથી. ને મને તો મારીને રાઈ રાઈ જેવડા કટકા કરી નાખે તો ય મારા મોઢામાંથી એક હરફ નો નીકળે—’

આટઆટલી હૈયાધારણ મળ્યા પછી સમજુબાને કાંઈક ટાઢક વળી. છતાં બોલ્યાં :

‘રઘા ! શાદુળભાની ને મારી બેયની જીવાદોરી તારા હાથમાં છે, હો !’

‘એમાં આ રઘાને રહેવું પડશે બા ? તમે હજી આ ભામણ ઓળખ્યો નહિ. ખરે ટાણે હું માથું વધેરી દઈશ, પણ તમને કોઈને ઊની આંચ નહિ આવવા દઉં—’

‘બસ તો, તારે ભરોહે મારે ભવસાગર તરવાનો છે—’

‘બેડો પાર થઈ ગ્યો સમજી લ્યો ! વાજસૂરિયા જેવાને તો હું ચપટીમાં રોળી નાખીશ. આ રઘાને હજી ય તમે ઓળખ્યો નહિ. મને ખોળિયું ભલે ને ભામણનું જડ્યું, ભાલું તોળતાં હજી ભૂલ્યો નથી હું—’

‘હું ક્યાં નથી જાણતી ?’

‘તો ઠીક, તમતમારે મઝા કરો મૂળાને પાંદડે. આ રઘલો જીવે છે ત્યાં લગણ તમારા હંધા ય દશ્મન ઝખ મારે છે !’

સમજુબાના મનમાં ઘોળાતી સઘળી શંકા-કુશંકા નિર્મૂળ કરી રઘો ઊઠ્યો ત્યારે રાત બહુ વીતી ગઈ હતી. ડેલીને ઓટલે ઊભડક બેસીને ઝોકાં ખાઈ રહેલા પંચણભાભાને અમલનું ઘેન ​વધારે પડતું ચડી જતાં સાષ્ટાંગ દંડવત સ્થિતિમાં સુઈ ગયો હતો. જતી વેળા પણ રઘો એને ઉદ્દેશીને કહેતો ગયો :

‘ડોસા ! આવો જ ચોકીપહેરો કરતા રહેજો ડેલીનો !’.

*

સમજુબા સાથેની વાતચીત પછી સંક્ષુબ્ધ થઈ રહેલો રઘો હૉટેલના મેડા પર જઈને ખાટલામાં પડ્યો, પણ એને ઊંઘ ન આવી. વર્ષોથી શાંત પડેલાં સ્મૃતિઓનાં સ્તર આજે ઊખળી પડતાં આ ભેદી માણસ ભયંકર અસ્વસ્થતા અનુભવી રહ્યો. વર્ષોથી ભૂતકાળના પટારામાં ભંડારી રાખેલી અમથીની યાદ તાજી થતાં રઘાનું અંતર વલોવાઈ રહ્યું. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. સમજુબાની આંખમાં આંસુ જોઈને રઘાએ એમની સમક્ષ પોતાની અતીતની કિતાબ ખુલ્લી મૂકી દીધી હતી, એને પરિણામે ઠકરાણાંની આંખમાં આંસુ તો સુકાઈ શક્યાં, પણ હવે આ મર્દ માણસનો અશ્રુપ્રવાહ કોઈ રીતે અટકી શકે એમ નહોતો.

ગારદ કરી નાખવાના હીન ઉદ્દેશથી પોતાની સાથે લઈ જઈને પછી જેની જોડે પોતે ગુહસંસાર માંડેલો એ અમથી સુથારણ તો રઘાના જીવનમાંથી ક્યારની લુપ્ત થઈ ગઈ હતી. રઘાને અત્યારે જેની યાદ પજવી રહી હતી અને આંખમાંથી ચોધાર આંસુ વહાવી રહી હતી, એ તો એક ત્રીજા જ જીવની યાદ હતી. લોકલાજે ફરજિયાત વછોડેલા પોતાના જ એક પ્રાણપુદ્‌ગળની યાદ હતી.

ભીડેલાં કમાડ પર બહારથી સાંકળ ખખડી અને ‘દૂધ લેજો !’. ની બૂમ સંભળાઈ ત્યારે જ રઘાને ખ્યાલ આવ્યો કે અતીતની પરકમ્મા કરવામાં પરોઢ થઈ ગયું છે. પોતે ઝટઝટ મેડા પરથી નીચે આવવા નીસરણી પર પગ મુક્યો, ત્યાં તો બીજી બૂમ સંભળાઈઃ

'રઘાબાપા ! દૂધ લેજો, દૂ...ધ !’

તખુભાને ઓરડે શાદૂળને હાથે ગોળીએ વીંધાયેલી રૂપાં રબારણના પતિ વેજલ રબારીની એ બૂમ હતી. ​ ‘ધીરો ખમ્ય, ધીરો ! તું કાંઈ ઘોડે ચડીને આવ્યો છો ?’ રઘાએ રબારીને પ્રેમભર્યો ઠપકો આપીને શાન્ત કર્યો. બારણું ઉઘાડીને એમણે એક મોટી કડાઈમાં હૉટેલના વપરાશ માટેનું રોજિન્દુ પંદર શેર દૂધ રેડાવ્યું.

‘આજ તો કાંઈ બવ નીંદર ચડી ગઈ રઘાબાપા !’

‘ભાઈ ! ઊંઘને તો શાસ્તરમાં વેરણ કીધી છે. ઈના કોઈ ભરોસા નૈં—’

રઘાએ ઠાવકે મોઢે ઉત્તર તો આપ્યો, પણ ઉતાવળમાં ભીની પાંપણ લૂછવાનું ભૂલી ગયો હોવાથી ત્યાં તોળાઈ રહેલાં આંસુ વેજલની નજરમાં અછતાં ન રહી શક્યાં.

‘રઘાબાપા ! તમે રૂવો છો ? શું કામે, શું કામે ?’

રઘો વેજલને શી રીતે સમજાવે કે ‘ભાઈ ! મારું દુઃખ પણ તારા જેવું જ છે, આપણે બે ય સમદુખિયાં છીએ, ને આપણા બેઉના જીવનમાં વિયોગ સરજાવનાર ગામના દરબાર છે ?’