લીલુડી ધરતી - ૨/ધરતીનું સૌભાગ્ય

From Ekatra Wiki
Revision as of 04:55, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધરતીનું સૌભાગ્ય|}} {{Poem2Open}} પણ કોઈ ઊભડ સાથી આવે ત્યાં સુધી હાથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધરતીનું સૌભાગ્ય

પણ કોઈ ઊભડ સાથી આવે ત્યાં સુધી હાથ જોડીને બેઠાં રહેવાનું કેમ પોસાય ? ઓઝતનાં પૂર ઓસર્યા અને ઉઘાડ નીકળ્યો કે તુરત સંતુ અને ઊજમ ખેતરે જઈ પહેાંચ્યાં.

આખી ધરતી અત્યારે સ્નાનપૂત સુંદરી સમી શોભતી હતી. બે વર્ષથી નપાણી પડી રહીને ભૂંડીભૂખ જેવી બની ગયેલી સમગ્ર સીમને જાણે કે કોઈએ ઊટકી–માંજીને ઉજમાળી બનાવી લાગતી હતી. તૃષિત જમીનના અંતઃસ્તલને મુશળધાર મેઘવૃષ્ટિએ પરિતૃપ્ત કર્યું હતું. ધરતીના કણેકણમાંથી એ પરિતોષ ફોરી રહ્યો હતો. મહિનાઓથી કોરી ધાકોર પડી રહેલી કાળી માડી મેઘસ્પર્શે મહેકી ઊઠી હતી. ઊઘડતી ઉષા જેવી અણબોટી તાઝગી ચારેય કોર દેખાતી હતી. માટી સાથે માનવીનાં અંદર પણ પુલકિત થઈ ઊઠ્યાં હતાં. ખેતરોમાં પડેલા ચાસમાં જળસિંચન થતાં, માનવીના લલાટે ઊપસેલી નૂતન ભાગ્યરેખાઓ સમા એ શોભતા હતા. એ એકેએક પરિતૃપ્ત ચાસ એના ખેડનારાઓ માટે મૃત્યુમાંથી જીવનની ગવાહી ગાઈ રહ્યો હતો. ધરતીને એનું સૌભાગ્ય સાંપડ્યું હતું અને એની સાથે માનવીને પણ ક્ષિતિજ પર પોતાના ભાગ્યોદયની ટશર ફૂટતી દેખાતી હતી. સમગ્ર વાતાવરણમાં એક નૂતન આશાનું અશ્રુત ગાન ગૂંજતું હતુ. સૌભાગ્યનષ્ટા ઊજમ અને સંતુનાં મન પણ આ ધરતીનું સૌભાગ્ય જોઈને કોળી ઊઠ્યાં હતાં.

બે વર્ષ પહેલાંની એ અગિયારસની જેમ આજે પણ વર્ષાનાં ​ વધામણાં ને વાવણીની ખુશાલીમાં ઘેરઘેરે મિષ્ટાન રંધાયાં હતાં. ધોરીડા શણગારાયા હતા, ગાડાંની ધરીનાં તથા પૈડાંનાં પૂજન થયાં હતાં, શુકનવંતા ધાન્ય-મગ છંટકાયા હતા.

સંતુ-ઊજમે વિભક્ત થયેલી બેલડીમાં એક જ ધોરી શણગાર્યો હતો અને એકને જ કંકુની અર્ચા કરી હતી. હાદા પટેલની યોજના તો એવી હતી કે કોઈ પડોશીને ત્યાં વાવણાં પતી જાય પછી એનો એક બળદ માગી લેવો અને ઓરણી માટે કોઈના સાથીની સેવાઓ પણ ઊછીની લેવી. પણ હાથિયો ગાજતાં હર્ષઘેલી થઈ ગયેલી ઊજમ અને સંતુ આ પારકા સાથીના આગમન સુધી રાહ જોઈ શકે ખરી : સીમમાં ચારેય કોર થઈ રહેલાં વાવણાં નિહાળીને એમણે ય ઓરણી જોંતરી દીધી.

લાજશરમ કે લોકવાયકાઓની લગીરેય પરવા કર્યા વિના, બાળકી જડીને સતીમાના થાનકમાં સુવરાવીને સંતુંએ એક ખૂટતા ધોરીનું સ્થાન થઈ લઈ લીધું અને બીજા બળદની જોડે ચાસને ચીલેચીલે ચાલવા માંડ્યું. પાછળ ઊજમે ઓરણ કરવા માંડી.

ખેતરને આ છેડેથી પેલે છેડે એક આંટો, બીજો વળતો આંટો, ફરી ત્રીજો આંટો શરૂ થયો.

એક ધોરી અને બીજી, ધરિત્રીના જ અવતાર સમી બે અન્નપૂર્ણાઓ ત્રીજો ફેરો હજી તો અરધે પહોંચ્યાં હશે ત્યાં તો શેઢેથી સમૂહગાન સંભળાયું :

ગઢ ઢેલડી મોજાર,
ખીમરાનાં તરિયા પાણી સંચર્યાં હેજી

સંતુ ચમકીને ઊભી રહી. ઊજમને અચરજ થયું. બોલી :

‘આ ખીમરા કોટવાળનું ભજન ક્યાંથી સંભળાણું ?’

સંતુએ કહ્યું : ‘જો એાલ્યા મારગી બાવા શેઢેશેઢે જાય... ઓલ્યા ભૂચર મોરીને મેળે જાવા નીકળ્યા’તા, ને ભૂતેસરમાં રોકાણાં’તા ઈ માંયલા જ લાગે છે—’ ​ સાધુઓ શેઢશેઢે આગળ વધતા હતા અને ભજનગાન પણ આગળ વધતું હતું :

રણશી ઘેાડાં પાવા જાય.
અવળા ને સવળા રેવત ખેલવે હે જી...

સંતુ થોડે આગળ ચાલીને ફરી આ મીઠાશભર્યા ભજનબોલ સાંભળવા ખમચાઈને ઊભી રહી ગઈ એટલે ઊજમે એને ટપારી :

‘ઈ તો ગાવાવાળા ગાયા જ કરશે, આમ ડગલે ને પગલે ઈ બાવા–સાધુને સાંભળવા ઊભી રૈશ તો તો આખા ખેતરમાં ઓરણી કરતાં સાંજ પડશે, ને તો ય આરો નહિ આવે !’

અને પછી સંતુને બદલે જાણે કે પોતાને જ અથવા તો કોઈક અણદીઠ વ્યક્તિને સંભળાવતી હોય એ ઢબે ઊજમ સ્વગતોક્તિઓ ઉચ્ચારી રહી :

‘એને જાચકને ને જોગટાવને શું ચંત્યા ? આપણે તો લોઈનું પાણી કરીને કણકણ વાવવાનાં ને એમાંથી જતન કરીને કળશી ઉગાડવાનાં. ઈ જાચક તો ચીપિયો ખખડાવતાક ને જે સીતારામ !’ કરીને તૈયાર રોટલો જમી જાવાના...’

સંતુ, ઊજમ અને ધોરી આગળ વધ્યાં, પણ જાણે કે એમને ફરી વાર થંભાવી રાખવા માટે જ ભજનબોલ ઉચ્ચારાયા :

સતી તમે કોના ઘરની નાર,
કિયા રે અમીર ઘરની નારડી હે જી...

આ વેળા તો ઊજમ પણ થોભી ગઈ. ઓરણીમાં બી ઓરી રહેલો એનો હાથ થંભી ગયો. જાણે કે યુગયુગાંતરનો પરિચિત સ્વર ઓળખવા એ મથી રહી.

સંતુએ કહ્યું : ‘આ ઓલ્યા આવ્યો આષાઢીવાળું ભજન ગાતા’તા ઈ માંયલા જ લાગે છે—’

પોતે હમણાં જેને જાચક-જોગટાઓ કહ્યા હતા એમને ધારીધારીને નીરખવા બલકે ઓળખવા ઊજમ અધીરી થઈ રહી. ​અને અચરજ તો એ થયું કે જોગીની જમાત પણ ભજન લલકાર બંધ કરીને શેઢા પર ઊભી રહી ગઈ. એમાંથી એક જુવાન સાધુ કૂદીને ખેતરમાં પ્રવેશ્યો અને ઊજમ સન્મુખ આવી ઊભો. ભગવાંધારી અને જટાધારી માણસે પોતાની કશી ઓળખ આપવાની ય જરૂર ન રહી. એક ક્ષણ કે ક્ષણાર્ધ પૂરતી જ ‘મળી દૃષ્ટોદૃષ્ટ !’ અને બન્નેએ એકબીજાને ઓળખી લીધાં.

સંતુ જરા ક્ષોભ અનુભવતી ખમચાઈને દૂર ખસી ત્યાં તો આગંતુકે બળદની બાજુમાં સંતુને સ્થાને જોતરાઈ જઈને કહ્યું :

‘હાલો ઝટ, ઓરવા મંડો, મોડું થાશે.’

આ અંધારી અને વિચિત્ર ઘટનાથી હેબતાઈ ગયેલી સંતુ આંખ વડે જ ઊજમને મૂંગો પ્રશ્ન પૂછી રહી, ત્યાં તો ઊજમે જ, સ્ફોટ કરી દીધો :

‘સંતુ ! આ તો તારા જેઠ છે ! જરાક ઓરું ઓઢજે—’

*