સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ચારણી ખજાનો

From Ekatra Wiki
Revision as of 11:17, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચારણી ખજાનો

ગ્રામ્યજીવનનાં આવાં ગૌરવ-ગીત : ભેંસોને પણ એ અમરત્વ આપે. એમાંથી ગ્રામ્યવાસીઓનું વીરત્વ આકાર ધરે છે. ગરીબ માલધારીઓને, બલકે પશુઓને સુધ્ધાં એવા રોમાંચકારી બિરદે બિરદાવતી એ ચારણ-સંસ્થા આજે ભ્રષ્ટ થઈ છે. અને બીજી બાજુ આવાં ગીત રચનાર તથા પ્રાચીન ઇતિહાસની ગાથાઓ કંઠે રાખનાર, હકીકતોના ખજાના જેવા ચારણ રાવળો ટપોટપ મરવા લાગ્યા છે. ડોળિયા ગામના વૃદ્ધ રાવળ ગીગા ભગતને ‘મળું, મળું’ કરતાં તો એણે પ્રાણ તજ્યા ને એની સાથે એની આપ-રચી ઉચ્ચ કાવ્યધારા પણ ગઈ. એનો ઇતિહાસ-ભંડાર પણ ગયો. સામત રાવલ નામનો એક પુરાતની વહીવંચો પણ બાબરિયાવાડની જૂની ને બારીક માહિતી સાથે ઓચિંતો અદૃશ્ય થયો. નવી ઓલાદે એવા બુઝર્ગો પાસેથી જૂનો વારસો મેળવી લેવાની પરવા ન કરી, અને મારા જેવાને હવે એ વાતનો સદાનો ઑરતો કરવો રહ્યો. એવા લોકોનો ઉપયોગ આપણી કોઈ સાહિત્ય સંસ્થાએ ન કર્યો. તો પછી ફોર્બસ સભા જેવી લાખોના વહીવટ કરતી સંસ્થાનું સ્થાન ક્યાં છે? દસ ‘રાસમાળા’ ભરી શકાય એટલી સામગ્રીનો આવી કોઈ ‘સભા’એ લગારે ભાવ નથી પૂછ્યો. અને તો પછી ‘ચારણો ખુશામદખોર થઈ ગયા’ એવી ફરિયાદ કરવાનો અધિકાર પણ આપણને ક્યાં રહ્યો છે! ટુકડો રોટલાને ખાતર પોતાની રત્ન જેવી કવિતાને ચાહે તેવા નાલાયક માણસ પર ઢોળવા જતાં બુદ્ધિશાળી ચારણો બારોટોને આત્મગૌરવ અને સત્યપરતાની રોટલી પૂરી પાડવા આજે ક્યાં કોઈ તૈયાર છે! છતે સાધને પણ આ ચારણ-બારોટનું સ્થાન ભ્રષ્ટ થતું દેખીને ઇતિહાસ-સામગ્રીના એક મહાન વિનાશનો આપણને જતે દહાડે પસ્તાવો થશે, તે વાત વિચારતાં વિચારતાં દાઝે બળતાં આટલું લખી જવાય છે, ભાઈ!