શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝાંઝરીબહેન પરબના ગોળામાં
બાબાભાઈ તો બગીચામાં એક મસમોટા લીમડાના ઝાડ હેઠળ બેસીને મોજથી લેસન કરતા હતા. લેસન કરતાં કરતાં ક્યારે એમની આંખ મળી ગઈ ખબર નથી. થોડી વારમાં એમના કાને કલ કલ… કલ કલ અવાજ પડ્યો! કોણ હશે? અવાજ નજીક ને નજીક આવતો ગયો. બાબાભાઈ વિમાસણમાં પડ્યા: કોનો અવાજ હશે આ? એમણે જરા ધારીને જોયું તો એ તો પેલી ઝરણી — એમનાં ઝાંઝરીબહેન! પેલા ભૂરા-ભૂખરા પારનેરાના ડુંગરામાંથી આવે છે ને એ જ! બહુ મીઠડાં. પાણી તો કાચ જેવું, ચોખ્ખું ને ચમકતું. પીએ તો કોપરા જેવું લાગે. આંખમાં દીવા ચમકે એમ ઝાંઝરીના પાણીમાં નાની નાની માછલીઓ ચમકે! ઝાંઝરીબહેન તો કલ કલ ગાય ને છલ છલ નાચે. એમના પાણીમાં કલાકો સુધી પગ ઝબોળીને બેસી રહેવાનું મન થાય. બાબાભાઈને એ ઝાંઝરીબહેન સાથે ભારે દોસ્તી. રોજેરોજ નિશાળ છૂટે કે બાબાભાઈ એની પાસે પહોંચી જાય. કપડાં કાઢી મન મૂકીને નહાય ને જોડે આવેલા ભાઈબંધોનેય બરોબર નવડાવે! નાની નાજુક હથેલીઓથી પાણી છાંટે ને ખડખડ હસે! કેટલીક વાર તો પોશ પોશ પાણી પીતા જાય ને પાણીમાં આળોટતા જાય. ઝાંઝરીબહેનની જોડે એય તાનમાં આવીને ગાય. ગાય ને કૂદે. કૂદે ને નાચે!
ચોમાસામાં તો ઝાંઝરીબહેન બરોબરનાં ખીલે! શિયાળેય એમની સુંવાળી સોબત મળે. પણ પછી આકાશમાં સૂરજ આકરો થવા માંડે ને ઝાંઝરીબહેન સુકાવા લાગે. પગમાંની ઝાંઝરી ખોવાઈ જાય તેમ આ ઝાંઝરીબહેન પણ પેલા ડુંગરામાં ક્યાંક ખોવાઈ જાય… બાબાભાઈને તો જરાયે એ ન ગમે, પણ કરે શું? આષાઢે વાત જાય. વાદળભૈયા આવે ને ઝાંઝરીની ચિઠ્ઠી લાવે ત્યારે વાત!…
બાબાભાઈને કંઈ ઝાંઝરીબહેન વિના ડુંગરામાં મજા આવે? તેઓ તો હવે બગીચામાં આવીને બેસવા લાગ્યા. નિશાળેથી છૂટે ને સીધા આવે પેલા મીઠડા લીમડાની હેઠે. એની લીંબોળીઓ વીણે, થોડી ચાખેય તે ને પછી લેસન કરતા જાય. વચ્ચે વચ્ચે ઝાંઝરીની કલ કલ પણ યાદ કરી લે. આજેય લેસન કરતાં કરતાં જરા ઝોકું આવી ગયું ને સપનામાં ઝાંઝરીબહેન ઝણકી ઊઠ્યાં. કહે:
‘બાબાભાઈ, ઓ બાબાભાઈ!’
‘શું છે, ઝાંઝરીબહેન?’
‘પેલો અષાઢ આવે ત્યાં સુધી મને તમારી પાસે રાખો ને?’
‘તે મારી ક્યાં ના છે, તમે આવો તો તો મજા જ પડે ને!’
‘તો આવું છું!’
‘ભલે!’
‘પણ ક્યાં રાખશો?’
‘તમે જ કહો ને?’
‘કહું? પેલી પરબ છે ને ત્યાં!’
‘પણ ત્યાં ક્યાં રહેશો?’
‘પેલા કાળી માટીના ગોળામાં!’
‘ભલે! પણ ત્યાં તમને ગાવાનું ને નાચવાનું ફાવશે?’ બાબાભાઈએ પૂછ્યું.
‘હા! કહું… કેવી રીતે? પરબનાં પાણી પીનારાં હરખમાં ગાશે ને નાચશે ત્યાં હુંય એમના હરખમાં ઊછળતી ગાઈશ ને નાચીશ!’
‘વાહ રે વાહ! ત્યારે તો તમે સૌની અંદર કલ કલ કરવાનાં!’
‘હં! હવે તો —
‘માટલીનું પાણી હું થઈશ,
તરસ્યાને પીવા જો દઈશ,
ખૂબ ખૂબ રાજી હું રહીશ,
રોજ તારા મનમાં હું ગૈશ!’
<Poem2Open}} અને એ ઝાંઝરીબહેન તો પછી બાબાભાઈની રજા લઈને દોડ્યાં સીધ્ધાં પેલી પરબ પર ને લહેરવા લાગ્યાં ત્યાં કાળી માટીના લિસ્સા ચમકતા ગોળામાં.
તમેય જો એ કાળા ગોળાનું પાણી પીશો ને તો લીમડા જેવા લીલાછમ થશો, હોં! તાપથી બળશોય નહીં ને થાકશોય નહીં. તમારું મન ઝરણાની માછલીની જેમ રમશે! પેલા બાબાભાઈ તો રોજ પરબ પર જઈ તરસ્યાંને પાણી પાતાં પાતાં ઝાંઝરીબહેન જોડે અલકમલકની વાતો કરે છે! તમનેય એ વાતો સંભળાય, જો તમે ઝાંઝરીબહેનની હારે હેતથી હળ્યાંમળ્યાં હો તો!!