સત્યના પ્રયોગો/પ્રિટોરિયામાં

From Ekatra Wiki
Revision as of 10:56, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદીને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. વકીલે કોઈ માણસને સ્ટેશન પર નહોતો મોકલ્યો. પાછળથી હું સમજી શક્યો કે હું પહોંચ્યો તે દિવસ રવિવાર હોવાથી, કંઈક અગવડ ભોગવ્યા વિના એ કોઈને મોકલી શકે એમ નહોતું. હું મૂંઝાયો. ક્યાં જવું એના વિચારમાં પડયો. કોઈ હોટેલ મને નહીં સંઘરે એવી મને ધાસ્તી હતી. ૧૮૯૩ની સાલનું પ્રિટોરિયા સ્ટેશન ૧૯૧૪ના પ્રિટોરિયા સ્ટેશન કરતાં જુદું જ હતું. ઝાંખી ઝાંખી બત્તીઓ બળતી હતી. ઉતારુઓ પણ ઘણા નહોતા. મેં બધા ઉતારુઓને જવા દીધા અને વિચાર્યુ કે, જરા નવરો થાય એટલે ટિકિટકલેક્ટરને મારી ટિકિટ આપીશ અને એ મને કોઈ નાનકડી હોટેલ અથવા કોઈક મકાન બતાવે તો ત્યાં જઈશ, અથવા તો રાત સ્ટેશન ઉપર પડયો રહીશ. આટલું પૂછવા પણ મન નહોતું વધતું, કેમ કે અપમાન થવાનો ડર હતો.

સ્ટેશન ખાલી થયું. મેં ટિકિટકલેક્ટરને ટિકિટ આપીને પૂછવાનું શરૂ કર્યું. તેણે વિનયપૂર્વક જવાબો આપ્યા, પણ મેં જોયું કે તે બહુ મદદ કરી શકે એમ નહોતું. તેને પડખે એક અમેરિકન હબસી ગૃહસ્થ ઊભો હતો. તેણે મારી સાથે વાત શરૂ કરીઃ

‘હું જોઉં છું કે તમે તદ્દન અજાણ્યા છો અને તમારે કોઈ મિત્ર નથી. મારી સાથે આવો તો હું તમને એક નાનકડી હોટેલ છે ત્યાં લઈ જાઉં. તેનો માલિક અમેરિકન છે અને હું તેને સારી રીતે ઓળખું છું. મને લાગે છે કે એ તમને સંઘરશે.’

મને કંઈક શક તો આવ્યો, પણ મેં આ ગૃહસ્થનો ઉપકાર માન્યો એને તેની સાથે જવાનું કબૂલ કર્યું. તે મને જૉન્સ્ટનની ફૅમિલી હોટેલમાં લઈ ગયો. પ્રથમ તેમણે મિ. જૉન્સ્ટનને એક કોરે લઈ જઈ થોડી વાત કરી. મિ. જૉન્સ્ટને મને એક રાતને સારુ રાખવાનું કબૂલ કર્યું. તે પણ એવી શરતે કે મને ખાવાનું મારી કોટડીમાં પહોંચાડે.

‘હું તમને ખાતરી આપું છું કે મને તો કાળાધોળાની મુદ્દલ ભેદ નથી. પણ મારી ઘરાકી કેવળ ગોરાઓની જ છે. અને જો તમને ખાણાઘરમાં ખાવા દઉં તો મારા ઘરાકો કોચવાય અને કદાચ જતા રહે.’ મિ. જૉન્સ્ટને કહ્યું.

મેં જવાબ આપ્યો, ‘મને તમે એક રાતને સારુ સંઘરો એ પણ હું તો તમારો ઉપકાર સમજું. આ મુલકની સ્થિતિથી હું કંઈક કંઈક વાકેફ થયો છું. તમારી મુશ્કેલી હું સમજી શકું છું. મને તમે સુખેથી મારી કોટડીમાં પીરસજો. આવતી કાલે તો હું બીજો બંદોબસ્ત કરી લેવાની ઉમેદ રાખું છું.’

મને કોટડી આપી. હું તેમાં પેઠો. એકાંત મળ્યે ખાણાની રાહ જોતો વિચારગ્રસ્ત થયો. આ હોટેલમાં ઘણા ઉતારુઓ નહોતા રહેતા. થોડીવારમાં ખાણું લઈને વેટરને આવતો જોવાને બદલે મેં મિ. જૉન્સ્ટનને જોયા. તેણે કહ્યું, ‘મેં તમને અહીં પીરસાશે એમ કહ્યું એની મને શરમ લાગી. તેથી મેં મારા ઘરાકોને તમારે વિશે વાત કરી ને તેઓને પૂછયું. તેમને તમે ખાણાઘરમાં જમો એ સામે કશો વાંધો નથી. વળી તમે અહીંયાં ગમે તેટલી મુદત રહો તેમાંયે તેમને અડચણ નથી. એટલે હવે તમારી ઇચ્છા હોય તો તમે ખાણાઘરમાં આવો અને તમારી મરજીમાં આવે ત્યાં લગી અહીં રહેજો.’

મેં ફરી ઉપકાર માન્યો, અને હું ખાણાના ઓરડામાં ગયો. નિશ્ચિંતપણે ખાધું.

બીજે દિવસે સવારે વકીલને ત્યાં ગયો. તેમનું નામ એ. ડબલ્યુ. બેકર. તેમને મળ્યો. અબદુલ્લા શેઠે તેમને કંઈક વર્ણન મને આપ્યું હતું, એટલે અમારી પહેલી મુલાકાતથી મને કાંઈ આશ્ચર્ય ન લાગ્યું. તે મને ભાવથી ભેટયા ને મારે વિશે થોડી હકીકત પૂછી, જે મેં તેમને કહી. તેમણે કહ્યું, ‘બારિસ્ટર તરીકે તો તમારો ઉપયોગ અહીંયાં કંઈ જ થાય એમ નથી. અમે સારામાં સારા બારિસ્ટરોને આ કેસમાં રોકી લીધેલા છે. કેસ લાંબો અને ગૂંચવાડા ભરેલો છે, એટલે તમારી પાસેથી તો મને જોઈતી હકીકત વગેરે મળી શકે એટલું જ કામ હું લઈ શકીશ. પણ મારા અસીલ સાથે પત્રવ્યવહાર કરવાનું હવે મને સહેલું થઈ પડશે, અને જે હકીકત તેમની પાસેથી જોઈશે તે તમારી મારફતે હું મંગાવી શકીશ, એ ફાયદો છે ખરો. તમારે સારુ ઘર તો હજી સુધી મેં નથી શોધ્યું. તમને જોયા પછી શોધવું એમ મેં વિચાર રાખ્યો હતો. અહીં રંગભેદ બહુ છે, એટલે ઘર શોધવું સહેલું નથી. પણ એક બાઈને હું જાણું છું. તે ગરીબ છે, ભઠિયારાની સ્ત્રી છે. મને લાગે છે કે એ તમને રાખશે. એને પણ કંઈક મદદ થશે. ચાલો, આપણે તેને ત્યાં જઈએ.’

આમ કહીને મને ત્યાં લઈ ગયા. બાઈની સાથે મિ. બેકરે એક બાજુએ જઈ થોડી વાત કરી અને તેણે મને સંઘરવાનો સ્વીકાર કર્યો. અઠવાડિયાના ૩૫ શિલિંગથી મને ત્યાં રાખ્યો.

મિ. બેકર વકીલ તેમ જ ધર્મચુસ્ત પાદરી હતા. હજુ તેઓ હયાત છે ને હાલ કેવળ પાદરીનું જ કામ કરે છે. વકીલાતનો ધંધો છોડી દીધો છે. પૈસેટકે સુખી છે. તેમણે હજુ મારી સાથે પત્રવ્યવહાર કાયમ રાખ્યો છે. કાગળોનો વિષય એક જ હોય છે. જુદી જુદી રીતે ખ્રિસ્તી ધર્મની ઉત્તમતા વિશે પોતાના કાગળમાં મારી સાથે ચર્ચા કરે છે, અને ઈશુને ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વીકાર્યા વિના અને તેને તારણહાર માન્યા વિના પરમ શાંતિ મળવાની નથી એ વસ્તુનું પ્રતિપાદન કરે છે.

અમારી પહેલી જ મુલાકાત દરમિયાન મિ. બેકરે ધર્મ સંબંધી મારી મનોદશા જાણી લીધી. મેં તેમને કહી દીધું : ‘હું જન્મે હિંદુ છું. એ ધર્મનું પણ મને બહુ જ્ઞાન નથી, બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું ક્યાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ, એ બધું હું જાણતો નથી. મારા પોતાના ધર્મની ઊંડાણથી નિરીક્ષણ કરવા ઇચ્છું છું. બીજા ધર્મોનો પણ અભ્યાસ યથાશક્તિ કરવાનો મારો ઇરાદો છે.’

આ બધું સાંભળી મિ. બેકર રાજી થયા અને મને કહ્યું, ‘હું પોતે સાઉથ આફ્રિકા જનરલ મિશનનો એક ડિરેક્ટર છું. મારે પોતાને ખરચે મેં એક દેવળ બાંધ્યું છે. તેમાં વખતોવખત હું ધર્મનાં વ્યાખ્યાનો આપું છું. હું રંગભેદ માનતો નથી. મારી સાથે કેટલાક સાથીઓ પણ કામ કરનારા છે. અમે હમેશાં એક વાગ્યે થોડી મિનિટ મળીએ છીએ અને આત્માની શાંતિ તેમ જ પ્રકાશ (જ્ઞાનના ઉદય)ને ખાતર પ્રાર્થના કરીએ છીએ. એમાં તમે આવશો તો હું રાજી થઈશ. ત્યાં મારા સાથીઓની પણ તમને ઓળખાણ કરાવીશ. તેઓ બધા તમને મળીને રાજી થશે. અને તમને પણ તેમનો સમાગમ ગમશે. એવી મારી ખાતરી છે. હું કેટલાંક ધર્મપુસ્તકો પણ તમને વાંચવા આપીશ. પણ ખરું પુસ્તક તો બાઇબલ જ છે. તે વાંચવા મારી તમને ખાસ ભલામણ છે.’

મેં મિ. બેકરનો ઉપકાર માન્યો અને એક વાગ્યે તેમના મંડળમાં પ્રાર્થનાને સારુ, બની શકે ત્યાં લગી, જવાનું કબૂલ કર્યું.

‘ત્યારે આવતી કાલે એક વાગ્યે અહીં જ આવજો અને આપણે સાથે પ્રાર્થનામંદિરમાં જઈશું.’

અમે છૂટા પડ્યા. ઘણા વિચારો કરવાની હજુ મને નવરાશ નહોતી. મિ. જૉન્સ્ટન પાસે ગયો. બિલ ચૂકવ્યું. નવા ઘરમાં ગયો. ત્યાં જમ્યો. ઘરધણી બાઈ ભલી હતી. તેણે મારે સારુ અન્નાહાર તૈયાર કર્યો હતો. આ કુટુંબની અંદર તુરત ભળી જતાં મને વાર ન લાગી. ખાઈપરવારીને દાદા અબદુલ્લાના જે મિત્ર ઉપર મને કાગળ હતો તેમને મળવા ગયો. તેમની ઓળખાણ કરી. તેમની પાસેથી હિંદીઓની હાડમારીની વિશેષ વાતો જાણી. તેમણે પોતાને ત્યાં રહેવાનો મને આગ્રહ કર્યો. મેં ઉપકાર માન્યો અને મારે સારુ જે વ્યવસ્થા થઈ હતી તેની વાત કરી. જોઈતુંકારવતું માગી લેવા તેમણે મને આગ્રહપૂર્વક કહ્યું.

સાંજ પડી. વાળું કર્યું. ને હું તો મારી કોટડીમાં જઈ વિચારના વમળમાં પડયો. મેં મારે સારુ તુરત કંઈ કામ જોયું નહીં. અબદુલ્લા શેઠને ખબર આપી. મિ. બેકરની મિત્રાચારીનો શો અર્થ હોઈ શકે? એમના ધર્મબંધુઓ પાસેથી હું શું મેળવીશ? મારે ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં સુધી જવું? હિંદુ ધર્મનું સાહિત્ય ક્યાંથી મેળવવું? તે જાણ્યા વિના ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ મારાથી કેમ જાણી શકાય? એક જ નિર્ણય કરી શક્યો : મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાતપણે કરવો, અને મિ. બેકરના સમુદાયને, તે તે વખતે ઈશ્વર સુઝાડે તે જવાબ આપી દેવો. મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યાં લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો. આમ વિચાર કરતાં હું નિદ્રાવશ થયો.