શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૭. અર્જુનને
તમારા માટેનું જે લક્ષ્ય,
જે મત્સ્ય તે ક્યાં છે?
સાત સાત સાગરોમાં ઊછળનારું જળ,
પડછંદ પ્રપાતોએ ગર્જનારું જળ,
કલ કલ નિર્ઝરોએ નર્તનારું જળ,
સરોવરમાં લહેરખીએ લળનારું જળ,
આટલું બધું ધીર
આટલું બધું શાંત-સ્થિર
ને આટલું બધું સ્તબ્ધ-શુષ્ક તો આજે જ લાગ્યું! –
– જ્યારે એની હથેલી દમયંતીની હથેલી-શી સાવ ખાલી હતી
ને નહોતું કોઈ મત્સ્ય;
નહોતો એમાં કોઈ સાચો સળવળ-સંચાર!
લક્ષ્યસિદ્ધિના સોનલ-સ્વપ્ને
મત્સ્ય સમી તમારી ચમકીલી આંખો,
બુઝાયેલા દીપ સરખી છેક જ ધૂમ્રગ્રસ્ત!
પ્રત્યંચા પર ચઢેલું શર
સાવ દિશાશૂન્ય – દિઙ્મૂઢ!
પંડમાંની સમસ્ત ગતિ અવરુદ્ધ,
– ઓટની જ પરાકાષ્ઠા!
મન – મતિ આમૂલાગ્ર સ્થગિત!
વરસવાનું વીસરી ગયેલા
મેઘ સમા સમયનું જાણે ક્ષણેક્ષણ
નિઃસીમ ઝાંઝવામાં અગાધ વિસ્તરણ!
અરે બંધુ! ક્યાં સુધી આમ ખડા રહેશો?
ત્રાજવાનાં પલ્લાંમાં ક્યાં સુધી આમ રહેશો કિંકર્તવ્યમૂઢ?
ઊતરી જાઓ, ઊતરી જાઓ એ પલ્લાંમાંથી
ને વળી જાઓ પાછા,
વહેલી તકે તમારા જૂના ને જાણીતા ગુપ્ત આવાસમાં…
પછી ભલે એ હોય લાક્ષાગૃહ!
હવે તો પાંચાલીની આંખમાં જોઈને
કહી શકે તો એકમાત્ર કૃષ્ણ જ –
મત્સ્યાવતારખ્યાત કૃષ્ણ જ કહી શકે
તમારા માટેનું જ લક્ષ્ય – જે મત્સ્ય –
જળનું જે સ્વર્ણિમ ફળ
તે ક્યાં છે… ક્યાં છે…
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૮૫)