સરસ્વતીચંદ્ર ભાગ ૪/પુત્રી.

From Ekatra Wiki
Revision as of 09:48, 25 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુત્રી.|}} {{Poem2Open}} મ્હારી માવડી ! શાને તું આમ આંસુંડાં ઢાળે રે ?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુત્રી.

મ્હારી માવડી ! શાને તું આમ આંસુંડાં ઢાળે રે ? એક તમ્બુમા માનચતુર, ગુણસુન્દરી, સુન્દર અને ચંદ્રાવલીની વાતો ચાલી. બીજામાં બે બ્હેનોની ચાલી. એક ઠેકાણે ચન્દ્રાવલી જ બોલતી હતી. બીજામાં કુમુદ જ બોલતી હતી. દશ વાગ્યા, અગીયાર વાગ્યા, બાર વાગ્યા, ને ભોજનની વેળા થઈ. ચંદ્રાવલીએ ગુણસુન્દરીને બુદ્ધિધનના ઘરના કાળથી માંડી આજની સવાર સુધીની કુમુદની કથા કહી દીધી ને ગુણસુન્દરી ભૂતકાળનો શોક છોડી શાંત થઈ, પુત્રી નીતિથી ભ્રષ્ટ નથી થઈ જાણી નિવૃત્તિ પામી, અને માત્ર ભવિષ્યના વિચારમાં પડી. એ વિચાર ભોજન પછી કરવાનો ધાર્યો.

કુમુદ પોતાની વાત અર્ધી પણ પુરી કરી શકી નહી અને પોતાને આવેલાં સ્વપ્નનો ઇતિહાસ સરસ્વતીચંદ્રે લખેલો આણ્યો હતો તે બ્હેનને બતાવવાનો તો બધોયે બાકી રહ્યો. ભોજનવેળા થઈને તેડું આવ્યું ત્યારે કુસુમે ક્‌હાવ્યું : “તમે બધાં ત્યાં જમી લ્યો અને અમારે માટે પાસેની રાવઠીમાં બે થાળીયો ભરીને મુકો.” સુન્દર તંબુ બ્હાર તેડવા આવી ઉભી – કુસુમ બ્હાર જઈ બોલી : “બ્હેનને હજી પોતાનું મ્હોં બતાવવાનો અધિકાર મળ્યો નથી. કાકી, અમારી થાળીયો મોકલો. જમવું હશે તો જમીશું ને નહી જમવું હોય તો તે જમનાર સુન્દરગિરિ ઉપર અભ્યાગત ઘણાય બેાલાવીયે એમ છે. બ્હેન વટલી તો આમ પણ વટલે – બ્હેન મોઇ જાણી તે કુસુમને પણ એવી જ જાણજો! કાકી, મ્હારું હવે ત્યાં કામ નથી.”

સુન્દર૦- હું તમને બેને બોલાવવાને આવી છું.

કુસુમ૦– કામ વગર બોલાવે તે નકામું ને અધિકાર વિના આવીયે તે ખોટું.

સુન્દર૦– બોલાવીયે તે અધિકાર ને જમવાનું એ કામ.

કુસુમ૦– મન વગરનું માન ને માન વગરને પરોણો – એ દૂરથી જ નમસ્કાર કરવા જેવાં છે. ​સુન્દર૦– તું નહી માને. મ્હારી કુમુદ માનશે – મને માંહ્ય આવવા દે.

કુસુમ૦– અમે બે જણ જઈએ ત્યારે આવજો. હવે કુમુદબ્હેનને "મ્હારી ” કહેવાનું ખાલી સુવાસલું નહીં જોઈએ.

સુન્દર કુસુમને હડસેલી નાંખી તંબુમાં ગઈ. કુમુદ ઉઠી સામી આવી. કાકી ભત્રીજી ભેટી પડ્યાં ને રોઈ પડ્યાં ને સુંદરે કુમુદને છાતી સરસી ડાબી દીધી. બે છુટાં પડ્યાં ને એક કોચ ઉપર બેઠાં. કાકી સામી ંઆંખો ક્‌હાડતી કુસુમ એક પાસ સામી ઉભી. થોડી વાર ત્રણમાંથી કોઈ બોલ્યું નહી. અંતે સુન્દર બેલી : “કુમુદ, અમે તને બહુ દુઃખી મેરી ખરું ?”

કુમુદ૦– ના, કાકી, હું હવે સાધુસંગતિમાં પરમ સુખી છું, પણ કાઈ જાણેલી દીકરીને જીવતી જાણી સઉને જે ક્લેશ થયો હશે તેનું હું કારણ થઈ પડી.

સુન્દર૦– બેટા, હવે એ ગઈ ગુજરી જવા દે. ચન્દ્રાવલીએ ભાભીજીના હૃદયમાં અર્ધું અમૃત રેડ્યું છે ને બાકીનું રેડવું એ તમે બે બ્હેનોના હાથમાં છે. તમારા વિના કોઈ જમે એમ નથી – ક્‌હે તો ત્હારી ગુણીયલને પોતાને મોકલું, ને ગમે તો તે બેલાવે છે માટે મ્હારી જોડે ચાલ.

કુમુદ૦– કાકી, હું સાધુઓ ભેગી જમી છું ને મ્હારી હયાતી પ્રકટ કરવાથી સઉને સુખ છે કે દુ:ખ તે જોવાનું બાકી છે.

સુન્દર૦- તે સઉનું થઈ ર્‌હેશે. હવણાં તો તું ચાલ નક્કી, તું કુસુમ જેવી કઠણ નથી.

કુમુદ૦- જેવી આજ્ઞા બ્હેન, ચાલો.

બે જણ ગયાં. ગુણસુંદરી એની વાટ જોઈ ઉભી હતી. કુમુદ પાસે ગઈ ને માતાને ચરણે માથું મુકી એને પગે પડી, પણ બોલાયું નહી.

હાથવતે એને ઉઠાડતી ઉઠાડતી ગુણસુંદરી બોલીઃ “ઉઠ, કુમુદ ! ઘેલાં ન ક્‌હાડ. જેને માથે પુરુષો, અને તેમાં પણ વડીલ જેવા વૃદ્ધો, છત્રની પેઠે વરસાદ અને તડકામાંથી રક્ષણ કરનાર છે તેવી સ્ત્રીયોએ પોતાનાં બાળકની પણ ચિંતા કરવી અયોગ્ય છે. ત્હારે ને મ્હારે બેને પગે લાગવાનું સ્થાન વડીલ છે માટે તેને પગે લાગ.”

કુમુદ ઉઠ્યા વિના રોતે થડકાયલે સ્વરે બોલી: “તેમને તો પ્રથમથી જ પગે લાગી ચુકી છું.” ​ગુણ૦– તેમને પગે લાગી તો મને હજાર વાર તું પગે લાગી. હવે તો મ્હારે તેમને પગે લાગવાનું બાકી રહ્યું છે કે મ્હારે માથે એમના જેવું છત્ર છતાં મ્હારું હૃદય મ્હારા હાથમાં ન રહ્યું. ગમે એટલું પણ હું યે સ્ત્રી તે સ્ત્રી જ.

માનચતુર પાસે આવી કુમુદને ઉઠાડવા લાગ્યોઃ – “કુમુદ, બેટા, હવે ઉઠ – હવે તો જેટલી વધારે વાર તું પગે પડી રહીશ એટલી ગુણીયલને શિક્ષા થાય છે.”

કુમુદ તરત ઉઠી ને રોતી રોતી નીચું જોઈ સામી ઉભી રહી. એની આંખોમાં અને ગાલો ઉપર આંસુ છલકાઈ રહ્યાં હતાં.

માન૦– કુમુદ, ચન્દ્રાવલીએ ત્હારા દુઃખની જે વાત કરી છે ને ત્હારા સદ્ગુણની જે વાત કરી છે તે પછી મ્હારે કે ગુણસુંદરીયે તને કાંઈ ક્‌હેવાનું રહ્યું નથી. હવે થઈ ગયું ભુલી, કરવાનું શું તે જ વિચારવાનું છે. માટે આપણે જમી લઈએ તે પછી ત્હારે જે ક્‌હેવું હોય તે કુસુમને કહી દેજે ને ચંદ્રાવલી પણ અંહી જ ભોજન લેશે. તેમણે જ અમને તને જીવાડીને સોંપી છે તો ત્હારી ચિંતા કરવામાં તેમને પુછ્યા વિના ડગલું નહી ભરીયે. સુંદર, ત્યાર સોરાં સંભારજો કે ચન્દ્રકાંતને પણ બોલાવીયે ને આપણા વિચારમાં એમને યે ભેળવીયે.