સ્થળ : કાશ્મીર-શિબિર. વિક્રમદેવ, જયસેન અને યુધોજિત.
જયસેન :
|
ભાગીને એ ક્યાં જવાનો હતો, મહારાજ? પકડીને હું એને આપને ચરણે હાજર કરીશ. પૃથ્વીમાં પેઠેલો ભોરીંગ, એના ભોંણને બારણે આગ સળગાવીએ એટલે આપોઆપ અકળાઈને બહાર આવે. એ રીતે જ આખા કાશ્મીર ફરતી હું આગ લગાડીશ; પોતાની મેળે એ પકડાઈ જશે.
|
વિક્રમદેવ :
|
એની પાછળ પાછળ આટલે દૂર આવ્યા; કેટલાં કેટલાં વનો, નદીઓ ને પહાડો વીંધી નાખ્યાં? અને શું એ આજ આપણા હાથમાંથી જશે? ના, ના, લાવો એને મારે કુમારસેન જોઈએ. એ ન પકડાય ત્યાં સુધી મને ઊંઘ ન આવે. જલદી નહીં પકડાય, તો સારા કાશ્મીરના ટુકડેટુકડા કરીને હું તપાસીશ કે એ ક્યાં છે!
|
યુધોજિત :
|
એને પકડવા માટે મેં ઇનામ કાઢ્યું છે.
|
વિક્રમદેવ :
|
એને પકડ્યા પછી જ બીજાં કામોમાં હાથ દેવાશે. આજ રાજ-ખજાનો ખાલી પડ્યો છે, ને દેશમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. તોય મારાથી પાછું વળાતું નથી. નાસતા દુશ્મને મને આ તે કેવા મજબૂત બંધ બાંધીને બંદીવાન બનાવ્યો છે! અચાનક સદા મનમાં થાય છે, કે ઓ આવ્યો, ઓ દેખાયો, ઓ ખેપટ ઊડે, હવે વાર નથી; ત્રાસેલા હરણ જેવો, હાંફતો હાંફતો ફાળ ભરતો એ શત્રુ આ વખતે તો સાચે જ ઝલાવાનો. જલદી આણો એને જીવતો કે મરેલો! માયાનું છેલ્લું બંધન એ રીતે તૂટી પડવા દો! નહીં તો મારો અધ :પાત થશે.
|
[પહેરેગીર પ્રવેશ કરે છે.]
પહેરેગીર :
|
ચંદ્રસેન રાજા અને રેવતી રાણી મહારાજને મળવા આવે છે.
|
વિક્રમદેવ :
|
તમે બધા ખસી જાઓ. [પહેરેગીરને] મારા પ્રણામ કહીને તેઓને તેડી લાવો.
|
[બીજા બધા જાય છે.]
આફત આવી! મારી સાસુ આવે છે! કુમારની કથા પૂછશે તો શું જવાબ આપીશ? કુમારને માટે માફી માગશે તો શું બોલીશ! અબળાનાં આંસુ મારાથી કેમ કરીને જોવાશે?
[ચંદ્રસેન અને રેવતી આવે છે.]
પ્રણામ, માતા! પ્રણામ, રાજન્!
ચંદ્રસેન :
|
જીવતા રહો, બેટા!
|
રેવતી :
|
વિજયી બનો, મનના સહુ મનોરથ ફળો, વત્સ!
|
ચંદ્રસેન :
|
મેં સાંભળ્યું કે કુમાર તમારો અપરાધી બન્યો છે.
|
વિક્રમદેવ :
|
હા. મારું અપમાન કર્યું છે.
|
ચંદ્રસેન :
|
અપરાધની શી સજા ઠરાવી છે?
|
વિક્રમદેવ :
|
તાબે થઈને ગુનો કબૂલ કરે તો માફી આપીશ.
|
રેવતી :
|
બસ? બીજું કાંઈ નહીં? છેવટે માફી જ આપવાની હોય તો શા માટે આટલાં કષ્ટ વેઠી, આટલાં સૈન્ય લઈ, આટલે આઘે આવ્યા?
|
વિક્રમદેવ :
|
મને ઠપકો ન આપો, માતા! પોતાની પ્રતિષ્ઠા સાચવવી એ રાજાનું પહેલું કર્તવ્ય છે. જે માથું રાજમુગટ ઉપાડે છે, એ માથું અપમાન ન ઉપાડી શકે. નકામો આંહીં નથી આવ્યો.
|
ચંદ્રસેન :
|
વત્સ, એને ક્ષમા કરો, એ અલ્પબુદ્ધિ છે, બાળક છે. ઇચ્છા હોય તો સુખેથી એનો ગાદીહક્ક રદ કરો, રાજ પડાવી લો. દેશવટો દેવો હોય તો પણ ઠીક. પરંતુ કરગરું છું કે એનો વધ કરશો ના.
|
વિક્રમદેવ :
|
ના, વધ કરવા હું નથી માગતો.
|
રેવતી :
|
તો પછી શા માટે આટલાં શસ્ત્રો લાવ્યા? શા માટે આ ધનુષ્યો ને તલવારો? નિર્દોષ સૈનિકોનાં માથાં કાપો છો, અને સાચા અપરાધીને જ ક્ષમા કરશો?
|
વિક્રમદેવ :
|
દેવી! તમારું કહેવું મારાથી સમજાતું નથી.
|
ચંદ્રસેન :
|
કાંઈ નહીં, કાંઈ નહીં. હું સ્પષ્ટ કરીને સમજાવું. કુમારે જ્યારે મારી પાસે સૈન્ય માગ્યું, ત્યારે મેં કહ્યું કે વિક્રમ તો મારું સ્નેહપાત્ર છે, એની સામે યુદ્ધ શોભે નહીં. એ નિરાશાથી કોપે ભરાયલા કુમારે પ્રજાને ઘેર ઘેર જઈને લોકોને ઉશ્કેર્યા! એ કારણે રાણી કોચવાયાં છે; અને એ રાજદ્રોહીને યોગ્ય શિક્ષા કરવા તમને વિનવે છે. પણ, વત્સ, બહુ ભારે સજા ન કરશો, એ બિચારો ગમાર બાળક છે.
|
વિક્રમદેવ :
|
પહેલાં તો એને કેદ પકડીશ. ત્યાર પછી યોગ્ય ઇન્સાફ કરીશ.
|
રેવતી :
|
પ્રજાએ જ એને સંતાડી રાખ્યો છે. પ્રજાને ઘેરે ઘેરે આગ લગાડો, એનાં ભરપૂર ખેતરોને ખાખ કરો, દેશ આખાને ક્ષુધારાક્ષસીના હાથમાં હડસેલી દો; તો જ એ બહાર આવશે.
|
ચંદ્રસેન :
|
હાં, હાં, રાણી, ચુપ કરો! ચાલો, વત્સ, શિબિર છોડીને ચાલો કાશ્મીરના રાજમહેલમાં.
|
વિક્રમદેવ :
|
આપ આગળ પધારો, રાજન્! હું આવી પહોચું છું.
|
[ચંદ્રસેન અને રેવતી જાય છે]
ઓ! ઘાતકી નારી! ઓ નરકાગ્નિ જ્વાળા! મારી સાથેનો આ તારો સંબંધ! આહ! આજ આટલા દિવસ વીત્યે, આ રમણીના મુખ ઉપર હું મારા પોતાના હૃદયની પ્રતિછાયા જોઈ શક્યો! મારા લલાટ ઉપર શું હિંસાની આવી ધારદાર, આવી કાતિલ, આવી કપટભરી રેખા અંકાયેલી પડી છે? મારા કાળજામાં સમસમતી હિંસાના ભાર નીચે શું મારા બન્ને હોઠ પણ આવી જ રીતે લબડી પડ્યા છે! મારી વાણી પણ શું આવી જલદ, આવી ધગધગતી, અને ખૂનીની છરી માફક આવી જ ઝેર પાએલી છે! ના, ના, કદી ન બને; મારી હિંસા તો નથી ક્રૂર, કે નથી વેશધારી! મારી હિંસાની જ્વાળા તો પ્રચંડ પ્રેમના જેવી પ્રબલ, આકાશભેદી, સર્વભક્ષી, ગાંડીતૂર અને ફાટેલી! ના, ના, હું તમારો આત્મજન નથી. વિક્રમ! સંહારની આ રમત સંકેલી લે! થંભાવ, ઓ થંભાવ આ સ્મશાન-તાંડવ! ઓલવી નાખ એ ચિતાને! લોહીના લોભથી તેં લડાવેલાં, હિંસાની પ્યાસમાં સળગતાં એ તારાં પિશાચ-પિશાચીઓ ભલે આજે અતૃપ્ત હૃદયે રોષને દબાવી પાછાં ચાલ્યાં જાય! જવા દે. લોહીનાં પ્યાસીઓ! એક દિવસ તમને સમજાવીશ કે હું તમારો આત્મજન નથી. ગુપ્ત લોભ, દગલબાજ રોષ અને ઓ સળગતી હિંસા! તમને હું હતાશ કરીશ! જોઉં તો ખરો, કે વિષભર્યા નરનારીઓ પોતે જ પોતાના ઝેરની જ્વાળામાં શી રીતે સળગી મરે છે! ઓ રમણીનું મુખ! ભીષણતા, નિષ્ઠુરતા અને કદરૂપતાનું જાણે સૂચિપત્ર!
}}
[ગુપ્તચર પ્રવેશ કરે છે.]
ગુપ્તચર :
|
કુમાર ત્રિચૂડ તરફ ગયાની બાતમી છે.
|
વિક્રમદેવ :
|
વાત ગુપ્ત રાખજે. હું એકલો જ મૃગયાને મિષે ત્યાં પહોંચીશ.
|