અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મહીડાં

From Ekatra Wiki
Revision as of 17:57, 21 June 2021 by HardikSoni (talk | contribs)
Jump to navigation Jump to search

હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
         મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ! ચોળી છંટાશે, નાથ!
         મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નન્દાશે ને ગોરસ વહી જાશે,
         ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ :
                  હલકે હાથે તે નાથ!

નાની-શી ગોરસીમાં જમનાજી ઊછળે
         એવી ન નાથ! દોરી રાખો રે લોલ;
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
         હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
                  હલકે હાથે તે નાથ!

(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)