બૃહદ છંદોલય/પરિશિષ્ટ2
અહીં આ ક્ષણે આપની સન્મુખ ઉપસ્થિત રહીને મૌન દ્વારા મારા હૃદયનો ભાવ વ્યક્ત કરું એમ વિચાર્યું હતું. ક્યારેક શબ્દ દ્વારા જે કહેવાતું નથી તે મૌન દ્વારા કહેવાતું હોય છે. પણ આજનો પ્રસંગ એ ઔપચારિક પ્રસંગ છે. આવા પ્રસંગોમાં શિષ્ટાચારની એક પરંપરા હોય છે અને શબ્દ દ્વારા એ પરંપરાનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. કાવ્યમુદ્રા ટ્રસ્ટે એનો પ્રથમ કાવ્યમુદ્રા અવૉર્ડ મને અર્પણ કર્યો એ માટે ટ્રસ્ટનો અને એના સૌ કાર્યવાહકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને અવૉર્ડની પરંપરાનું ભાવિ ઉજ્જ્વળ હજો એવી શુભેચ્છા પાઠવું છું. આટલા શબ્દો શિષ્ટાચારની પરંપરાનું પાલન કરવા માટે પર્યાપ્ત ગણાય, પણ આ પરંપરામાં આદાનપ્રદાનનો શિષ્ટાચાર પણ અભિપ્રેત છે. પુરસ્કૃત વ્યક્તિને આ અવૉર્ડ કવિતા માટે અર્પણ કરવામાં આવે છે. એથી એ કવિતાના સંદર્ભમાં કંઈક વક્તવ્ય રજૂ કરે એવી પુરસ્કર્તાઓની અપેક્ષા હોય છે. એથી આજકાલ હું જે કાવ્યો લખી રહ્યો છું એના સંદર્ભમાં મારું વક્તવ્ય રજૂ કરવાની રજા લઉં છું. આજકાલ હું પ્રેમ, મૈત્રી અને મેનહેટ્ટન વિશે કાવ્યો લખી રહ્યો છું. પ્રેમ અને મૈત્રીનાં કાવ્યો તો હું ૧૯૪૩થી આજ લગી – સિત્તેર વર્ષોથી લખી રહ્યો છું. પણ મેનહેટ્ટન વિશેનાં કાવ્યો એ ગુજરાતી ભાષામાં મારું નવું પ્રસ્થાન છે. ૧૯૮૫થી મેં એ કાવ્યો લખવાનો આરંભ કર્યો હતો. એથી આ પ્રસંગે એ કાવ્યોના સંદર્ભમાં વક્તવ્ય રજૂ કરવાનો ઉપક્રમ છે. પણ એ કાવ્યોના સંદર્ભમાં વક્તવ્ય રજૂ કરું તે પૂર્વે એ કાવ્યોની ભૂમિકાનો ઉલ્લેખ કરું તો એ ભૂમિકા હું એ કાવ્યો કેમ એટલે કે શા માટે લખી રહ્યો છું અને કેવાં કાવ્યો લખી રહ્યો છું એ સમજવામાં સહાયભૂત થશે. કવિતા મારા રસનો વિષય છે. કવિતા ઉપરાંત મારા અન્ય ત્રણ રસના વિષયો છે: ઇતિહાસ, ફિલસૂફી અને વિજ્ઞાન. ૧૯૪૬થી ૧૯૪૮ લગી બે વરસ મેં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજી સાથે બી. એ.નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસક્રમમાં એક વિષય હતો પાશ્ચાત્ય વિવેચન. એથી ઍરિસ્ટોટલનું ‘પોએટિક્સ’ વાંચવાનું થયું હતું. ‘પોએટિક્સ’ના ૯મા પ્રકરણમાં ઍરિસ્ટોટલે કહ્યું છે, ‘Poetry is something more philosophical and more worthy of serious attention than history, for while poetry is concerned with universal truths, history deals with particular facts.’ કવિતા સાથે ઇતિહાસ અને ફિલસૂફીના સંબંધ વિશે ઍરિસ્ટોટલનું આ વિધાન વાંચ્યું ત્યારથી ઇતિહાસ અને ફિલસૂફી મારા રસના વિષયો છે. ૧૯૫૭માં મનુષ્યે સ્પુટનિક દ્વારા પૃથ્વીની ભ્રમણરેખાને ભેદી અને અવકાશયુગનો આરંભ થયો. પછી ૧૯૬૧માં યુરી ગેગેરીને અવકાશયાન દ્વારા અવકાશમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને મનુષ્યની અવકાશયાત્રાનો આરંભ થયો હતો. આ એક મહાન ઐતિહાસિક ઘટના ઘટી ત્યારથી વિજ્ઞાન મારા રસનો વિષય રહ્યો છે. ૧૯૪૪થી ૧૯૪૬ લગી બે વરસ મેં અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારે અંગ્રેજીના મારા અધ્યાપક હતા સંતપ્રસાદ ભટ્ટ. એમની પ્રેરણાથી મેં એલિયટનાં કાવ્યો વાંચ્યાં હતાં. ત્યારથી આજ લગી હું એલિયટનાં કાવ્યો સતત વાંચતો રહ્યો છું. ૧૯૪૬થી ૧૯૪૮ બે વરસ હું અભ્યાસ અર્થે મુંબઈમાં રહ્યો ત્યારે આરંભમાં જ મને હરિશ્ચંદ્ર ભટ્ટનો પરિચય થયો હતો. હરિશ્ચંદ્ર ભટ્ટ ગુજરાતમાં યુરોપીય કવિતાનો પરિચય કરનાર અને કરાવનાર સૌપ્રથમ કવિ હતા. એમની પ્રેરણાથી યુરોપીય કવિતામાં મારો પ્રવેશ થયો હતો અને પ્રથમ બૉદલેરનાં કાવ્યો અને પછી રિલ્કેનાં કાવ્યો વાંચ્યાં હતાં. ત્યારથી આજ લગી હું બૉદલેર અને રિલ્કેનાં કાવ્યો સતત વાંચતો રહ્યો છું. બે વરસ હું મુંબઈમાં રહ્યો ત્યારપછી પણ ૧૯૬૦ લગી વરસમાં ચાર-પાંચ મહિના ઉનાળા અને શિયાળાની રજાઓમાં સ્વજનો અને મિત્રોની સાથે મુંબઈમાં રહ્યો હતો. આ દોઢેક દાયકાના સમય દરમિયાન કોલાબાથી બોરીબંદર લગીના વિસ્તારોમાં રોજ સવારે કે સાંજે, મધ્યાહ્ને કે મધરાતે રાજમાર્ગો અને ગલીઓમાં ફર્યો હતો અને મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોનો અનુભવ કર્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૬ લગીના એક દાયકાના સમય દરમિયાન એલિયટ, બૉદલેર અને રિલ્કેનાં કાવ્યોની પ્રેરણાથી અને મારા અનુભવ પરથી મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રો વિશે – ‘ફાઉન્ટનના બસસ્ટૉપ પર’, ‘ચર્ચગેટથી લોકલમાં’, ‘હોર્ન્બી રોડ’, ‘ગાયત્રી’, ‘પાત્રો’ આદિ કુલ ૧૬ કાવ્યો લખ્યાં હતાં. ૧૯૫૬માં આ ૧૬ કાવ્યોનો એક ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ શીર્ષકથી પ્રગટ કર્યો હતો. ૧૯૪૩થી કાવ્યો લખવાનો આરંભ કર્યો હતો. ૧૯૪૩થી ૧૯૫૮ લગીના લગભગ દોઢેક દાયકાના સમય દરમિયાન પાંચ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. પણ પછી ૧૯૫૯થી ૧૯૯૬ લગીના લગભગ ચારેક દાયકાના દીર્ઘ સમય દરમિયાન કાવ્યો લખવાનું થયું ન હતું. આ મારો મૌનનો સમય હતો. પણ મારું એ મૌન વ્યર્થ કે વંધ્ય ન હતું. એમ હોત તો ૧૯૯૬થી પુનશ્ચ કાવ્યો લખવાનું થયું તે ન થયું હોત. મૌનના આ દીર્ઘ સમય દરમિયાન કાવ્યોની અનુપસ્થિતિમાં મેં મારા ત્રણ રસના વિષયો – ઇતિહાસ, ફિલસૂફી અને વિજ્ઞાન વિશે સતત યથાશક્તિ-મતિ વાચન-મનન કર્યું હતું. ઇતિહાસના વાચન-મનનમાં મને ભારત, ગ્રીસ અને રોમના ઇતિહાસમાં વિશેષ રસ છે. ઈ. પૂ. ૩૦૦૦ની આસપાસ એશિયામાં મેસોપોટેમિયા, ઇજિપ્ત, ભારત અને ચીનમાં મનુષ્ય નગરોમાં વસ્યો હતો અને એણે સંસ્કૃતિનો વિકાસ કર્યો હતો. કાલક્રમે પ્રથમ ગ્રીસ અને રોમમાં અને ત્યારપછી યુરોપ અને અમેરિકામાં સંસ્કૃતિનો વિસ્તાર થયો હતો. આજે હવે સમગ્ર પૃથ્વી પર સંસ્કૃતિ અસ્તિત્વમાં છે. ભવિષ્યમાં એમાં સતત પરિવર્તનો અને વિકાસ થશે. પણ હવે પછી ભવિષ્યમાં સંસ્કૃતિનો વિસ્તાર થશે તો તે અવકાશમાં જ થશે એમ મને મારા ઇતિહાસના વાચન-મનન પરથી સમજાયું છે. ફિલસૂફીના – સવિશેષ તો ઈશાવાસ્ય ઉપનિષદની ફિલસૂફીના મારા વાચન-મનન પરથી અને એમ સમજાયું છે કે આપણા પ્રાચીન પૂર્વજોએ એમની આંતરસ્ફુરણાથી બ્રહ્માંડનાં રહસ્યોને પામવાનો ભવ્ય પુરુષાર્થ કર્યો હતો. આજે હવે અવકાશયુગમાં વિજ્ઞાનીઓ એમની બુદ્ધિમત્તાથી બ્રહ્માંડનાં રહસ્યોને પામવાનો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને યુગો લગી કરશે – અને તે પણ સર્વસ્વીકાર્ય પ્રમાણ સાથે. વિજ્ઞાનના વાચન-મનનમાં મને જીવવની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનમાં, જીવવિજ્ઞાનમાં વિશેષ રસ છે. કલ્પનાતીત એવી કોઈ ક્ષણે જળમાં જીવન, સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાણુ ઉત્પન્ન થયું હતું. પછી અકલ્પ્ય એવા અતીતમાં જીવન, (જીવાણુ) જળની સીમાને અતિક્રમીને ભૂમિ પર વસ્યું હતું. આજે હવે એણે મનુષ્ય રૂપે પૃથ્વીની ભ્રમણરેખાને ભેદી છે. એથી હવે ભવિષ્યમાં એ ભૂમિ પરથી, પૃથ્વી અવકાશમાં વસશે. ઉત્ક્રાંતિના ક્રમમાં આમ થવું અનિવાર્ય છે. મનુષ્યના વિસ્મય અને કુતૂહલનો કોઈ પાર નથી. એના પરિશ્રમ અને પુરુષાર્થનો કોઈ અંત નથી. એથી એની એ જીવનયાત્રા અવિરત અને અવિશ્રામ હશે અને અંતે મનુષ્ય અવકાશને એની માનવતાથી મઢશે. એમ મને મારા વિજ્ઞાનના વાચન-મનનથી સમજાયું છે. અહીં પાદટીપ રૂપે નોંધવું જોઈએ કે ઉત્ક્રાંતિના અબજો વર્ષના ઇતિહાસમાં જીવનનું, જીવનું જળમાંથી ભૂમિ પર વસવું અને ભૂમિ પરથી, પૃથ્વી પરથી અવકાશમાં વસવું, એ બે મોટી ઘટનાઓ ઘટી છે અને એમાંની બીજી ઘટના તો આપણા જીવનકાળમાં ઘટી છે એનું આપણને ગૌરવ હોવું ઘટે. તો આ ભૂમિકા સાથે ૧૯૮૫માં હું પ્રથમ વાર અમેરિકા ગયો હતો અને થોડાક દિવસ મેનહેટ્ટનમાં રહ્યો હતો ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એક ટાવરની ઓબ્ઝર્વેશન ડેક પરથી એકીનજરે આખા મેનહેટ્ટનના ટાપુને જોયો ત્યારે તરત જ ત્યાં ને ત્યાં જ એક પંક્તિ સૂઝી હતી: આ ન્યૂયૉર્ક નામે પંખી. મેનહેટ્ટન જાણે કે પંખી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર એની બે અધખૂલી પાંખો છે અને ક્યારેક એ અવકાશમાં ઊડી જશે. આ વિગતો સાથે એક શ્લોક લખ્યો હતો:
- ‘આ ન્યૂયૉર્ક નામે પંખી !
- શું અધખૂલી બે પાંખે,
- નભનીરખતી આંખે
- રહ્યું અગમને ઝંખી !’
૧૯૫૬માં પ્રથમ વાર વ્હીટમેનના કાવ્યસંગ્રહ – ‘Leaves of Grass’નાં કાવ્યો વાંચ્યાં હતાં. ત્યારથી આ જ લગી વ્હીટમેનનાં કાવ્યો સતત વાંચતો રહ્યો છું. ૧૯૮૫ પછી ફરી એક વાર એ કાવ્યો વાંચ્યાં ત્યારે ‘મેનહેટ્ટા’ કાવ્યની અંતિમ પંક્તિ – ‘City nested in bays ! my city !’ (અખાતના નીડમાં બંધ પાંખે બેઠું છે નગર ! મારું નગર !) પર પ્રથમ વાર ધ્યાન ગયું હતું. પૂર્વે આ કાવ્ય વાંચ્યું તો હતું પણ એને વિશે સભાન થયો ન હતો. પણ ૧૯૮૫માં મેનહેટ્ટન માટે મને પંખીનું કલ્પન સૂઝ્યું હતું એથી આ કાવ્ય વિશે હવે સભાન થયો હતો. વ્હીટમેન એટલે મેનહેટ્ટનનો મહાન કવિ. એણે મેનહેટ્ટન વિશે એકાધિક કાવ્યો લખ્યાં છે. આ પંક્તિમાં ‘nested’ શબ્દમાં સૂચન છે તેમ મેનહેટ્ટન માટે એમણે પંખીનું કલ્પન યોજ્યું છે એ જાણીને આ અનુમોદનથી આનંદ થયો હતો. ૧૯૮૯માં હું બીજી વાર અમેરિકા ગયો હતો ત્યારે એક આખો મહિનો સેન્ટ્રલ પાર્ક પાસે એક મિત્રના ઍપાર્ટમેન્ટમાં રહ્યો હતો. ત્યારે રોજ સવારથી સાંજ લગી વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી હાર્લેમ લગીના વિસ્તારોમાં બારેબાર એવન્યૂ પર અને એમની આસપાસની મહત્ત્વની સ્ટ્રીટ્સ પર ફર્યો હતો. ત્યારે મેનહેટ્ટનનાં વિવિધ સ્થળો, સવાર, બપોર અને સાંજના સમયના વિવિધ મિજાજ અને વિવિધ શ્વેત-અશ્વેત પાત્રોનો અનુભવ કર્યો હતો. જો ભવિષ્યમાં ક્યારેક મેનહેટ્ટન વિશે કાવ્યો લખવાનું થશે તો મેનહેટ્ટનનાં સ્થળ, કાળ અને પાત્રો વિશે લખવાનું થશે એ આશાએ એ કાવ્યોની રૂપરેખા પણ મનમાં આલેખી હતી. ત્યાં તો ૧૯૯૬માં અચાનક જ પુનશ્ચ કાવ્યો લખવાનું થયું હતું. ચારેક દાયકાના દીર્ઘ સમયના મૌનનો ભંગ થયો હતો. જાણે જીવનમાં બીજી વસંત ન આવી હોય ! આ મારા જીવનની સૌથી સુખદ ઘટના હતી. એનું આશ્ચર્ય હજી શમ્યું નથી. ત્યારથી પ્રેમ, મૈત્રી અને મેનહેટ્ટન વિશેનાં કાવ્યો લખી રહ્યો છું અને આજ લગીમાં બે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ૨૦૦૧થી વ્હીટમેનનાં કાવ્યોની પ્રેરણાથી અને મેનહેટ્ટન વિશેના મારા અનુભવ પરથી મેનહેટ્ટન વિશે કાવ્યો લખવાનો આરંભ કર્યો છે અને ચાર કાવ્યો લખ્યાં છે. આ વક્તવ્યને અંતે એ કાવ્યો રજૂ કર્યાં છે. હાલમાં હું ‘બ્રૂક્લીન બ્રિજ’ વિશે કાવ્ય લખી રહ્યો છું. હજુ બારેક કાવ્યો લખવાનું ધાર્યું છે. એ લખાશે તો ભવિષ્યમાં કુલ ૧૬ કાવ્યોનો એક ગુચ્છ ‘પક્ષીદ્વીપ’ શીર્ષકથી પ્રગટ કરવાનું વિચાર્યું છે. આ કાવ્યોમાં મેનહેટ્ટન એ નકશા પરનું મેનહેટ્ટન નથી, એ મીથિક મેનહેટ્ટન છે, એ એક પુરાકલ્પન છે. એમાં ભૌતિક કે ભૌગોલિક નગર નથી, એમાં ચિત્તની એક અવસ્થા છે, સંવેદના છે. એક માનસિક અનુભવ છે, એક ચૈતસિક અનુભૂતિ છે. એમાં મેનહેટ્ટનનું વર્ણન કે કથન નથી, કલ્પન કે રૂપક છે. જૉસેફ ઝૂબેરે કહ્યું છે, ‘કવિઓ પદાર્થોની વાસ્તવિક ઉપસ્થિતિથી વિશેષ તો કલ્પનોથી પ્રેરાય છે.’ એમાં જે ૨૧મી સદીનો છંદ છે, જે બોલચાલની ભાષાનો છંદ છે, જે ગદ્યની સૌથી વધુ નિકટનો છંદ છે, તે છંદ છે. એ સૌ કાવ્યો વનવેલી છંદમાં છે. ટૂંકમાં એ કાવ્યો ચિંતનોર્મિકાવ્યો છે. મેનહેટ્ટન એક અનન્ય અને અદ્વિતીય નગર છે. મેનહેટ્ટન જેવું અન્ય નગર અમેરિકામાં તો નથી જ, પણ જગતમાં પણ ક્યાંય નથી. મેનહેટ્ટન જેવું કોઈ અન્ય નગર હોય તો તે મેનહેટ્ટન છે. અન્ય નગરોની જેમ એને દીર્ઘ ભૂતકાળ નથી, એથી એ ભવિષ્યોન્મુખ નગર છે. મેનહેટ્ટનનું અસલ નામ છે મેનહેટ્ટા. એ આદિવાસી ભાષાનો શબ્દ છે. એનો અર્થ છે ટેકરીઓનો ટાપુ. એથી એ અવકાશોન્મુખ નગર છે. એના સ્કાયસ્ક્રેપરો એના સાક્ષી છે. મેનહેટ્ટન અમેરિકામાં છે પણ એ માત્ર અમેરિકાનું કે શ્વેત અમેરિકનોનું નથી. એનામાં ચુંબકત્વ છે, કોઈ અદ્ભુત આકર્ષણ છે. જગતનાં સૌ રાષ્ટ્રોની પ્રજાઓ અહીં આવીને વસી છે. કોઈક સ્વેચ્છાએ નિર્વાસિતો તરીકે તો કોઈ તિરસ્કૃત-બહિષ્કૃત નિરાશ્રિતો તરીકે. મેનહટ્ટને હોંશે હોંશે એ સૌનું સ્વાગત કર્યું છે. સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટી એનું સાક્ષી છે. મેનહેટ્ટન નગરોનું નગર છે, વિરાટ નગર (megalopolis) છે, એ જગતની સંક્ષિપ્ત આવૃત્તિ (microcosm of the world) છે. મેનહેટ્ટનમાં યુનાઇટેડ નેશન્સનું છે, રાષ્ટ્રસમૂહ છે. રાષ્ટ્રોનું રાષ્ટ્ર છે. મેનહેટ્ટન એ મનુષ્યજાતિનું પ્રતીક છે, મીથ છે. આયુષ્યનાં થોડાંક વર્ષો જો બાકી હશે અને એ બાકીનાં વર્ષોમાં અનુકૂળ સ્વાસ્થ્ય હશે અને જો મેનહેટ્ટન વિશેનાં બાકીનાં ૧૨ કાવ્યો લખાશે તો કુલ ૧૬ કાવ્યોનો એક ગુચ્છ ‘પક્ષીદ્વીપ’ શીર્ષકથી પ્રગટ થશે. ‘પક્ષીદ્વીપ’ એ ગુજરાતી ભાષામાં મારું એક નવું પ્રસ્થાન હશે, ‘પક્ષીદ્વીપ’ એ મારું મેનહેટ્ટન વિશેનું મીથ હશે, પુરાકલ્પન હશે. એવી આશા સાથે અને આજે આ કાવ્યમુદ્રા અવૉર્ડ પ્રાપ્ત કરવા સદ્ભાગી થાઉં છું એના આનંદ સાથે ફરી એક વાર કાવ્યમુદ્રા ટ્રસ્ટ અને એના સૌ કાર્યવાહકોનો તથા આપ સૌ શ્રોતાજનોનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. (‘કાવ્યમુદ્રા’ અવૉર્ડના અર્પણ પ્રસંગે વક્તવ્ય, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫)