અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/દિવસ પડયો
Revision as of 13:02, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો, જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવ...")
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ;
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક;
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મ્હેકવાની ગતાગમ નથી હજી;
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી;
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ - પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા;
ઓજસનો ધોધ કાખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’