અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અરાલવાળા/પ્રતીક્ષા
ઓઢી અષાઢનાં આભલાં
જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
મધરાતને કાળ;
દેવી! આવો ને મારી દેરીએ.
કાળી નિશા કેવળ કમકમે
નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
પાંપણ ઊઘડે બિડાય.
દેવી! આવો ને મારી દેરીએ.
પ્રેમે પખાળું પાવન પાવલાં
રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો,
મેલ્યા મંથન થાળ.
દેવી! આવો ને મારી દેરીએ.
વાધી વાધીને વેદન વલવલે,
ઊંડે કંઠમાં આગ,
રમતાં આપો હો ઋતંભરા!
મોરી રટણાને રાગ.
દેવી! આવો ને મારી દેરીએ.
કલ્પનાનો છૂટો કનકવો
ઢૂંઢે વ્યોમની કોર.
આવો અંબા! એને બાંધવા
દિવ્ય દૃષ્ટિના દોર.
દેવી! આવો ને મારી દેરીએ.
ધૂણી ધખે મારા ધૈર્યની,
જલતું જીવન-કાષ્ઠ,
આભની પારનાં આભલાં
જોવા આપો પ્રકાશ,
દેવી! આવો ને મારી દેરીએ.
પોકારતા કોટિ કેશથી,
બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની,
ઝૂરતા ઝરણાને માગ.
દેવી! આવો ને મારી દેરીએ.
(પ્રતીક્ષા, પૃ. ૧-૨)